તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજ્ય સરકારનો ફી નિયંત્રણનો કાયદો, કોને છે એનાથી ફાયદો ?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: આખા દેશમાં ગુજરાતે એક આગવી પહેલ કરીને ખાનગી શાળાના સંચાલકો દ્રારા મનસ્વી રીતે ફી નક્કી કરીને ઉઘાડેછોગ ચાલતી લૂંટને નિયંત્રણમાં લેવા ગુજરાત સેલ્ફ ફાયનાનસ સ્કુલ ( રેગ્યુલેશન ઓફ ફીઝ ) એક્ટ 2017ને અમલમાં મૂકીને એક ઐતિહાસિક પગલું લીધું છે. જે અત્યંત પ્રશંસનીય છે અને રાજ્ય સરકાર અભિનંદનની અધિકારી છે.
 
શાળા સંચાલકોની વકરેલી બેફામ દાદાગીરી સામે વાલીઓ બિચારા નિસહાય હતા, તેઓનું કોઈ સાંભળવાવાળું ન હતું તથા આ દાદાગીરીને કાબુમાં લેવા માટે કોઈ કાયદાકીય જોગવાઈઓ નહિ  હોવાના કારણે ખાનગી શાળાના સંચાલકોએ બેફામ ફી વધારો અમલમાં મુકી ઉઘાડે છોગ લૂંટ ચલાવાની પ્રવૃતિઓ શરૂ કરેલી. જેને ખરેખર નિયંત્રીત કરવાની જરૂર હતી અને સરકારે વિલંબ કર્યા વગર આ કાયદો અમલમાં મુકીને શિક્ષણ જગતમાં ભૂકંપ સર્જી દીધો છે.
 
ગુજરાતમાં 9384 પ્રાઈમરી, 3831 સેકન્ડરી અને 3032 હાયર સેકન્ડરી મળી કુલ 16247 જેટલી સેલ્ફ ફાયનાન્સ સ્કલો આવેલી છે. ખાનગી શાળાઓનું વધતુ ચલણએ આમ તો સરકાર માટે ચિંતાજનક છે. દરેક રાજ્ય સરકાની ફરજ છેકે 6થી 4 વર્ષના બાળકને ફરજીયાત મફ્ત શિક્ષણ મળે તે માટેની વ્યવસ્થા ગોઠવવી. ગુજરાત રાજ્ય પણ પ્રાથમિક શાળાઓ ચલાવે છે. પરંતુ એ પણ હકીકત છેકે ગુજરાતમાં ખાનગી શાળાઓનો જે રાફડો ફાટ્યો છે એ સરકાર માટે પણ કંલકરૂપ ગણી શકાય, કારણ કે ક્યાંકને ક્યાંક સરકારે ભારતના બંધારણના અનુચ્છેદ 12 (એ)માં 86 માં બંધારણીય સુધારો કરીને ફરજીયાત મફ્ત શિક્ષણની 6થી 14 વર્ષના બાળકો માટે જે જોગવાઈ કરીને બંધારણીય અધિકાર પ્રદાન કર્યો છે અને દુનિયામાં ભારત 135મો દેશ બન્યો જેણે ફરજીયાત મફ્ત શિક્ષણના અધિકારાને બંધારણીય અધિકાર તરીકે પ્રસ્થાપિત કર્યો છે. તે અધિકારને ખરેખર અમલમાં મુકવા માટે ભારત સરકાર રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009 કાયદો બનાવ્યો છે. તેનો અમલ કરવામાં આપણે ક્યાંક ને ક્યાંક ગફલત ખાધી છે.
 
ગુજરાત સરકારની પ્રાથમિક શાળાઓ આવેલી છે તેમાં 1,80.601 શિક્ષકો સામે 1,67,461 જેટલા શિક્ષકો છે અને લગભગ 13000 જેટલા શિક્ષકોની ઘટ છે. જે સ્વાભાવિક છેકે ફરજીયાત અને મફ્ત શિક્ષણ આપવાની પ્રક્રિયામાં અવરોધક બને અને તેની સીધી અસર બાળકોના ભણતર અને ભવિષ્ય ઉપર પણ થઈ શકે છે.
 
ખાનગી શાળાઓમાં લેવાતી બેફામ ફી વધારાના કારણે જે પ્રચંડ અવાજ ઉભો થયો તો સરકારે એકદમ વાજબી સમયે તાત્કાલીક કાયદો બનાવીને એક સુંદર કામ કર્યું પરંતુ એક બીજો પ્રશ્ન સરકાર માટે એ પણ ઉભો થાય છેકે રાજ્યમાં આટલી બધી ખાનગી શાળાઓનો રાફડો કેમ ફાટ્યો છે?  કોણ પરીબળો તેની પાછળ જવાબદાર છે?
 
જે શિક્ષણ મફ્ત અને ફરજીયાત આપવા માટે બંધારણમાં જોગવાઈ કરીને કાયદો બનાવ્યો છે એ શિક્ષણ મેળવવાની હાટડીઓ કોણ ખોલી રહ્યું છે? અને કોણ એમને પ્રોત્સાહીત કરી રહ્યું છે?  આખી દુનિયા જાણે છેકે સરકારી સ્કુલમાં કોઈ મોટા નેતા-અધિકારનું સંતાન ભણતવા જતું નથી, એ વાત અલગ છેકે એ શાળા પ્રવેશોત્સવ બીજાઓના છોકરાને કરાવવા વાજતે ગાજતે જાય છે પણ એમના સંતાનોને કેમ નથી મુક્તા? એ જાણે છેકે શાળા પ્રવેશોત્સવમાં એ જે ભાષણ ઠોકે છે એ નકરો દંભ છે અને એને પોતાને સરકારની આ શિક્ષણ વ્યવસ્થા ઉપર ભરોસો નથી અને એટલે એ પોતાના સંતાનોને કોન્વેન્ટ સ્કુલમાં ભણવા મોકલે છે.
 
ગુણોત્સવના ખૂબ મોટા કાર્યક્રમો છેલ્લા ઘણા વર્ષોથી થઈ રહ્યા છે. એનો ઉદ્દેશ ખૂબજ સારો છે. પણ એમાંથી મળ્યું શું? કોઈ શિક્ષણની ગુણવત્તા સારી થઈ ખરી? ગુણોત્સવ કરીને આવેલા લોકોના સુચનોનો કોઈ અમલ થયો ખરો ? શાળાઓમાં ઓરડાની ઘટ છે,શૌચાલયો નથી, મૂળભૂત માળખાકીય સુવિધાનો અભાવ આજે પણ ગામડાઓમાં છે, છેલ્લા ઘણા વર્ષોમાં ચોક્કસ રીતે એનું પ્રમાણ ઘટ્યું છે. પંરતુ ઝાઝો સંતોષકારક સુધારો આજે પણ નથી. શિક્ષક અને વિધાર્થી વચ્ચે આત્મીયતાનો અભાવ છે.કરોડો રૂપિયાનો ટ્યુશનનો વેપલો ચાલે છે. મારે તેની તલવાર છે, કોઈના ઉપર કોઈ કોઈ નિયંત્રણ નથી. આ બધું બધાને ખબર છે, સરકારને પણ ખબર છે અને તંત્રને પણ ખબર છે, પણ બધા આંખ ઉપર ભ્રષ્ટાચારની પટ્ટી બાંધીને બેઠા છે.
 
એટલે ખાનગી શાળાઓની હાટડીઓ શરૂ થઈ છે, માં સરસ્વતીનું પવિત્ર મંદીર મટીને શિક્ષણ માફીયાઓની ઐયાશીઓનો અડ્ડો બની ગયો છે. તંત્રની સાંઠગાઠથી વાલીઓને બેફામ રીતે લૂંટવાનો ઈજારો આપી દેવામાં આવ્યો છે. નાનામાં નાની પેન્સીલથી માંડીને શાળાનો ડ્રેસ સુધીનું બધું શાળાઓમાંથી લેવું પડે છે અને શિક્ષણની આડપેદાશમાંથી પણ સંચાલકો બેફામ નફાખોરી કરી રહ્યાં છે. સરકારનો ઈરાદો ખુબ સારો હોવા છતાં, સરકાર એવા અધિકારીઓના હાથમાં રમી રહી હોય છેકે એમને ખબર જ નથી કે લશ્કર ક્યાં લડે છે?
 
ખૂબ સારા ઉદ્દેશથી આ કાયદો બનાવવામાં આવ્યો છે પરંતુ લોકો એવી વાતો કરે છેકે આંમા વાલીઓ કરતા ખાનગી શાળાનાં સંચાલકોને બેફામ ફી વધારો કરવાનો માર્ગ મોકળી કરી આપવામાં આવ્યો છે. જે ખાનગી શાળાના સંચાલકો વાજબી ફી લેતા હતા તેપણ આ કાયદા બાદ તેમની ફી વધારવા માટે કહેવાતા તજજ્ઞોની ટીમ સમક્ષ રજૂઆત કરી રહ્યાં છે. ક્યા ક્યા હેડ નીચે કેવી કેવી ફી ન લઈ શકાય તેની ભરપૂર માહિતી જે શાળાના સંચાલકોને ખબર ન હતી તે માહિતી આ કાયદાના માધ્યમથી પૂરી પાડવામાં આવી છે.
 
અમુક સંચાલકો કોર્ટમાં ગયા છે, તેઓ સરકારના આ કાયદાથી નારાજ છે, સરકારના કાયદાને વખોડી રહ્યાં છે. તેઓ માની રહ્યાં છેકે વિદ્યાર્થીઓનું એ જે પદ્ધતિથી ઘડતર કરી રહી છે તે યજ્ઞમાં સરકાર હાડકા નાંખી રહી છે. જે વ્યવસ્થા પૂર પાડી રહ્યાં છે તે જે લોકો પહોંચી વળે તેની માટે છે. સારું એજ્યુકેશન જોયતું હોયતો ખર્ચ પણ કરવા વાલીઓ તૈયાર છે. અમે કોઈને ગળે છરી મૂકીને તો શાળામાં લાવતા નથી. લોકો સ્વેચ્છાએ ખર્ચ કરેછે અને અમે સારું શિક્ષણ આપીએ છીએ.
 
વાલીઓને લાગી રહ્યું છેકે આ કાયદામાં એમની માટે કશું નથી. જે કંઈ છે એતો શાળાના સંચાલકોને મદદ કરવા આ કાયદો બનાવવામાં આવ્યો હોય તેવું લાગે છે. જાણકારોનું તો એવું કહેવું છેકે આ કાયદો ફી નિયંત્રણ કરવા માટે છેજ નહિં, આ કાયદો તો વધારેલી ફીનું જસ્ટીફિકેશન કરવા  માટે છે. આમાં તો તમે ફી વધારો કેમ કરવા માંગો છે તે જણાવવાનું છે. તમને શાળા બનાવવામાં કેટલો ખર્ચ થયો છે. ઈન્ફાસ્ટ્રક્ચર બનાવવામાં શું ખર્ચ કર્યો છે? એ જાણીને તમે કેવી રીતે આ પૈસા વસુલ કરશો તેનું માળખું ગોઠવવા માટેની જોગવાઈ કરતો આ કાયદો છે.
 
જે કમીટી બનાવી છે તેમાં પણ એક વેલ્યુઅર છે. એન્જીન્યર છે. જે ખાનગી શાળાના મકાનોનું વેલ્યુએશન કરશે, એક ચાર્ટડ એકાઉન્ટન્ટ છે. જે એમના હિસાબો જોશે. કમીટીમાં શાળાઓનો એક પ્રતિનિધિ હશે પરંતુ જેના કલ્યાણ માટે આ કાયદો બનાવ્યો છે એ વાલી તો ક્યાંય છેજ નહિં!!  આ બધું જોતા સ્પષ્ટ રીતે જણાય છેક ભલી ભોળી સરકારને ખોટા પાટે ચઢાવી દેવામાં સરકારી બાબુઓ સફળ થયા છે.
 
એક બાજુ ચૂંટણીઓ આવે છે,ચૂંટણીના વર્ષમાં વાહવાહીઓ જ લૂંટવાની હોય એના બદલે આ કાયદો ના તો સંચાલકો ને ખુશ કરી રહ્યો છે, ન વાલીઓ, વિધાર્થીઓને ખુશ કરી રહ્યો છે. આ સંજોગોમાં મધપુડામાં પથ્થર મારવાનુ કામ કેટલું જોખમી કે ફાયદાકારક રહેશે એ સમય બતાવશે.
 
(રાકેશ રાવ પૂર્વ ધારાસભ્ય છે. તેઓ ૨૫ વર્ષથી વકીલાત સાથે જોડાયેલા છે. તેઓએ કારકિર્દીની શરૂઆત કતાર લેખક તરીકે કરી હતી, તેઓ રાજકારણ, કાયદા અને વિકાસ સંદર્ભે લખે છે)
 
નોંધ: બ્લોગમાં વ્યક્ત થયેલા વિચારો અને માહિતી બ્લોગરના પોતાના છે, divyabhaskar.com તેની સાથે સહમત ના પણ હોય.
અન્ય સમાચારો પણ છે...