ટેકનોલોજીના યુગમાં યાદશક્તિના વિકાસ પાછળ પડ્યા રહેવું પાગલપનથી વિશેષ કઈ નથી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: આપણો સમાજ સમજશક્તિ અને સર્જનશક્તિને બહુ જ દૂર છોડીને યાદશક્તિના માર્ગ પર દોડી રહ્યો છે. બાળક જન્મે છે ત્યારથી ભૂતકાળની સાથે બાંધી દેવામાં આવે છે. પહેલા ચીનમાં પગને નાના બનાવવા પગને લોખંડથી બાંધી દેવાતા હતા અને અત્યારે ભારતીય સમાજ મગજને પરંપરાના પાંજરા પૂરી વધુને વધુ સાકડુ કરી રહ્યો છે. આજે આપણી પાસે ભવિષ્યને ભૂતકાળથી વધુ ભવ્ય બનાવવાની સંભાવના રહેલી છે. ભૂતકાળની સારી વાતો સ્વીકારી અને નરસી વાતો ભૂલીને એક નવા ભવિષ્યનું નિર્માણ કરી શકીએ તેમ છીએ. આપણે જીવનના તમામ ક્ષેત્રોમાં નવું સર્જી શકીએ છીએ. પરંતુ આપણે જેને કયારેય બદલી નથી શકવાના તેવા ભૂતકાળના પાંજરા માંથી બહાર આવી નથી શક્તા કે નથી આવવા માંગતા.
 
        આપણો સમાજ અને શિક્ષણવ્યવસ્થા કાંઇ બાળકોને મહાન બનાવવાનાં કાર્યમા નથી લાગેલા પરંતુ તેઓ તો ભેગા મળીને બાળકોને ભૂતકાળમાં થયેલા મહાન લોકોના અનુયાયી બનાવવામાં લાગેલા છે. બધા ભેગા થઇને બાળકોને બીજા જેવા બનાવવા કાર્યક્રમમા જોડાયેલા છે. આખરે તો આ ગલગોટાને મસળી નાખી તેને ગુલાબ બનાવવાની વ્યર્થ કોશિશ છે.આ ગલગોટાને કચડીને જયારે ગુલાબ બનાવવાની જયારથી શરૂઆત થઇ ત્યા રે જ આપણે એક ગુલામ સમાજના નિર્માણ કરી બેઠા છીએ. આપણા સમાજમાં નવું કરવું કે નવું શીખવાને કદાચ લોકો પાપ ગણતા હોય એવું લાગે છે. બસ અહીં મગજને માળવે મૂકી પરંપરાઓ યાદ રાખી બસ આંખો મીચીને આપણે કયાંય પહોચ્યા વગર ચાલ્યા જ કરી એ છીએ.ભૂતકાળના લક્ષ્યોને જાણ્યા સમજ્યા વગર દોડ્યા કરવુ તે જ આપણી ગુલામી અને નિષ્ફળતાનું કારણ છે. મિસાઇલોના જમાનામાં પણ આપણે તલવાર લઇને યુદ્ધ જીતવા નીકળી પડયા છીએ.અને હારી જઇ ફરી ભૂતકાળની યાદોમા ખોવાઈ જઈએ છીએ.
 
       ભૂતકાળ આપણો ભવ્ય હતો એમાં કોઈ શક નથી.પરંતુ એ સત્ય છે કે ભારતને અખંડ બનાવવા કઈ ચંદ્રગૃપ્ત કે ચાણક્ય આજે તમારી મદદમાં નહીં આવે. આ કામ તમારે જ હાથમાં લેવું પડે અને તમારે જ કરવું પડે. ચાણક્યે ધનનંદને હરાવવાનો હતો તે સમયની તેમણે લેટેસ્ટ રણનીતિ ઘડી હતી તેવી આપણે આતંકવાદ સામે પણ લેટેસ્ટ રણનીતિ અને શસ્ત્રો વિકસાવવા પડે જ. યુદ્ધ હોય કે જીવન તમારે સફળતા મેળવવા સતત નવું કરતાં જ રહેવુ પડે. ઈતિહાસ વાંચશો તો ખબર પડશે કે ભારતદેશ પાસે વિપુલ પ્રમાણમાં સુવર્ણ હતું ત્યારે તેનો સુવર્ણયુગ ન હતો પરંતુ જયારે ભારતમાં  દરેક ક્ષેત્રોમાં શંશોધનો થતા ત્યારે તેનો સુવર્ણયુગ હતું. જયારે દેશ આર્યુવેદીકનુ સંશોધન કરતો ત્યારે મહાસત્તા  હતો.
 
ધનવાનો ધન ભેગું કરીને નહી,વરામીહિર,આર્યભટ્ટ જેવા અસંખ્ય વૈજ્ઞાનિકોએ વિજ્ઞાનથી રાષ્ટ્રને શક્તિશાળી બનાવ્યું હતું. જયારે સમાજ સર્જનશીલ હતો ત્યારે જ આપણો સુવર્ણયુગ હતો. સર્જનશીલ સમાજ જ શક્તિશાળી રાષ્ટ્રનું નિર્માણ કરી શકે.
       આપણી શિક્ષણ પધ્ધતિ માત્ર યાદશક્તિની સ્પર્ધા છે. આપણો સમાજ માત્ર પરંપરાનો પુજારી છે. મોબાઇલ અને કોમ્પ્યુટરના યુગમાં યાદશક્તિના વિકાસ પાછળ પડ્યા રહેવું પાગલપનથી વિશેષ કઈ જ નથી.
કારણ કે આજે તો મોબાઇલની યાદશક્તિ માણસથી વધુ છે.દરેક માનવ બીજાએ કઇંક કર્યુ હોય તે યાદ રાખવા માટે નહીં પરંતુ પોતે નવું કંઇક કરવા જ જન્મે છે. લગભગ ભૂતકાળની યાદોમાં આપણે આપણું ભવિષ્ય બગાડી રહ્યા છીએ. યાદશકતિ માણસને આખરે મજૂર જ બનાવે છે જયારે સર્જનશક્તિ માણસને કલાકાર બનાવે છે.તે માણસને માણસ અને જીવંત બનાવે છે. શિક્ષણનું લક્ષ્ય યાદશક્તિ નહી પરંતુ સર્જનશક્તિ બનાવ્યા વગર ભવ્ય ભવિષ્યનું નિર્માણ શક્ય નથી.ચીનની શક્તિનો મુખ્ય સ્રોત એની સર્જનશક્તિમાં જ રહેલો છે. સામ્યવાદી હોવા છતાં સર્જનશક્તિના બળે જ દુનિયામાં તેનો દબદબો જાળવી રાખે છે.દેશને પ્રેમ કરવો તે એક ભાવના છે પરંતુ દેશ માટે નવું કંઇક સર્જવું તે એક સંભાવના પેદા કરે છે રાષ્ટ્રને મહાસતા બનવાની.
             સમયની માગ છે કે હવે આપણે નવું વિચારવું પડશ પડશે,તમામ શ્રેત્રોમાં નવું કરવું પડશે અને નવું સર્જવું પડશે.ઇતિહાસને ગોખી નાખશો તો કયારેય નવા ઈતિહાસનુ સર્જન નહિં થાય.રાષ્ટ્રના ઉત્થાન માટે દરેક વ્યક્તિત્વનો સર્જનાત્મક સહકાર જરુરી છે.
 
 (ડો મનહર સુથાર લેખક છે અને તેમની પુસ્તકો પણ પ્રકાશિત થઇ ચુકી છે. તેઓ આદિવાસી અને સાહિત્યિક વિષયો પર લખે છે.)
 
નોંધ: બ્લોગમાં વ્યક્ત થયેલા વિચારો અને માહિતી બ્લોગરના પોતાના છે, divyabhaskar.com તેની સાથે સહમત ના પણ હોય.
અન્ય સમાચારો પણ છે...