તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાષ્ટ્રીય આધુનિક કલા સંગ્રહાલયઃ આપણી ભુલાઈ રહેલી મિરાંત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ પહેલાના લેખમાં રાષ્ટ્રીય સંગ્રહાલયની વાત કરી હતી, અને તેને મેં શીર્ષક આપેલું, ‘ઈન્ડિયા ગેટની બાજુમાં ઊભેલો આપણા ઈતિહાસનો દરવાજો’. આજે ઈન્ડિયા ગેટની નજીક, રાજપથના અંતભાગે આવેલો એવો જ એક બીજો દરવાજો જે આપણી કલા-સંસ્કૃતિના ઈતિહાસ અને ઉત્ક્રાંતિના વિશ્વમાં લઈ જાય છે તેની વાત કરવી છે, એ છે ‘રાષ્ટ્રીય આધુનિક કલા સંગ્રહાલય’.
 
એડવર્ડ હોપરનું એક વિધાન છે, 'જો હું શબ્દોમાં કહી શકતો હોત તો ચિત્ર બનાવવાનું કોઈ કારણ જ નહોતું.' અમૂર્ત વિચારોને મૂર્ત સ્વરૂપે ઢાળવા માટે અનેક માધ્યમો ઉપલબ્ધ છે, શબ્દનું માધ્યમ તો હાથવગું છે જ, પણ સદીઓથી એવું જ એક માધ્યમ જે આપણા દેશમાં પણ ખૂબ અસરકારક રીતે ઉપયોગી બન્યું છે એ છે ચિત્રકળા. ભારતીય ચિત્રકળાનો ઈતિહાસ ખૂબ જૂનો અને વિશદ છે. પ્રાગઐતિહાસિક સમયમાં ગુફાઓમાં અને પથ્થર પર દોરાયેલાં ચિત્રો તેની શરૂઆતનો સમય ગણાય છે, મધ્યપ્રદેશના રાયસન જીલ્લામાં આવેલ ભીમબેટકાની ગુફાઓનાં આશરે ત્રીસ હજાર વર્ષ જૂનાં પથ્થર પરનાં ચિત્રો તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, તો અજંતાની ગુફાઓનાં ચિત્રો પણ જગવિખ્યાત છે. ભારતીય ચિત્રો મુખ્યત્વે બે વિભાગોમાં વહેંચાય છેઃ ભીંતચિત્રો અને અન્ય માધ્યમ જેવાં કે કાગળ, કેન્વાસ વગેરે પરનાં ચિત્રો. ધાર્મિક ચિત્રો પરથી ઊતરી આવેલી ભારતીય ચિત્રકલા આજે ભાતીગળ સંસ્કૃતિ અને જીવનપદ્ધતિને દર્શાવતી કલા તરીકે જગવિખ્યાત થઈ છે.
 
મારા એક સહકાર્મચારીએ જ્યારે દિલ્હીમાં રાષ્ટ્રીય આધુનિક કલા સંગ્રહાલય એટલે કે નેશનલ ગેલેરી ઑફ મૉર્ડન આર્ટ જોવા જવાનું કહ્યું ત્યારે મારો પ્રતિભાવ એ હતો કે પાંચ માળ ભરીને ચિત્રો ધરાવતી ઈમારત.. એટલાં બધાં ચિત્રોમાં તે એવું શું જોવાનું હશે? અને આપણને ચિત્રોમાં ખબર પણ કેટલી પડે? એટલે એણે પહેલા મને કેટલાંક નામ આપ્યાં અને એમના વિશે માહિતી મેળવવા કહ્યું. રવિવાર આવવાને બે દિવસ બાકી હતા એટલે ચિત્રકારોનાં એ નામનો અને તેમનાં કામનો પરિચય મેળવવાનો પ્રયત્ન કર્યો, તો ખ્યાલ આવ્યો કે શાળામાં ચિત્રના વિષયમાં તેમના વિશે ભણેલા છીએ. જેમિની રોય હોય કે અમૃતા શેરગિલ, અવનીન્દ્રનાથ ટાગોર હોય કે રાજા રવિ વર્મા, એમ.એફ હુસૈન હોય કે તૈયબ મહેતા - એ નામ થોડા ઘણા અંશે જાણીતાં હતાં. એમના વિશે પ્રાથમિક વિગતો ઓનલાઈન સરળતાથી મળી રહી. અહીં આવા અનેક ચિત્રકારોના ચિત્રો અદભુત અને અલભ્ય છે. એમનું આકર્ષણ એવું જોરદાર છે કે ચાહકો હરાજીમાં તેને ખૂબ ઊંચા ભાવે ખરીદે છે. દા.ત. વી. એસ. ગાયતોંડેએ ૧૯૯૫માં કેન્વાસ પર ઓઈલથી બનાવેલ એક ચિત્રનો ભાવ ત્રીસ કરોડની આસપાસ છે, તૈયબ મહેતાનું ચિત્ર મહિષાસુર ૨૦ કરોડ રૂપિયાનું છે અને અમૃતા શેરગિલે બનાવેલું તેમનાં પોતાનાં પોર્ટ્રેટ દરેક ૧૯ કરોડ રૂપિયાની આસપાસ છે. આવાં અને એથીય જૂનાં અનેક ચિત્રોનું સુંદર સંગ્રહસ્થાન એટલે જેના માટે આપણે ગર્વથી મસ્તક ઊંચું કરી શકીએ તે ચિત્રકલાના વિશ્વની આપણી બારી - રાષ્ટ્રીય આધુનિક કલા સંગ્રહાલય.
 
રાષ્ટ્રીય આધુનિક કલા સંગ્રહાલય દિલ્હી અને તેની ત્રણ શાખાઓમાં મુખ્યત્વે ભારતીય સર્જકોનાં કુલ ૧૭૦૦૦થી વધુ ચિત્રો, રેખાચિત્રો, છાયાચિત્ર, મૂર્તિશિલ્પ વગેરનો વિશાળ સંગ્રહ છે. પ્રાચીન ભારતીય ચિત્રોમાં અહીં કાલીઘાટ અને તાંજોર ચિત્રશૈલીના ચિત્રો મુખ્ય છે. ઉપરાંત સદી પહેલાના ચિત્રકાર જેવા કે રાજા રવિવર્મા, એમ. એફ પીઠાવાલા, પેસ્તનજી બોમનજી, હેમન મજૂમદારના ચિત્રો ઉપલબ્ધ છે. ત્યાર બાદ ક્રમમાં બંગાળી શૈલીના ચિત્રો છે જેમાં અવનીન્દ્રનાથ ટાગોર, એમ એ આર ચુગતાઈ અને ક્ષિતીન્દ્ર મજૂમદાર સમાવિષ્ટ છે, ત્યાર બાદ બંગાળી ચિત્રકળાથી પ્રભાવિત સર્જકો, આઝાદી પછીના સર્જકોના ચિત્રો તથા આજના સમયના ચિત્રકારોના સર્જનો પણ પ્રસ્તુત થયેલા છે.
 
૧૯૫૪માં સ્થપાયેલું આપણું આ આર્ટ મ્યૂઝિયમ છેલ્લા ૧૫૦થી વધુ વર્ષોની ભારતીય ઉપમહાદ્વીપની ચિત્રકળાને સાચવીને બેઠું છે. તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ ડૉ. એસ. રાધાકૃષ્ણને તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી જવાહરલાલ નહેરૂની હાજરીમાં તે સમયે જયપુર હાઉસ તરીકે ઓળખાતી આ ઈમારતમાં તેનું ઉદ્ઘાટન કર્યું હતું. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા તેનું સંચાલન થાય છે. ખૂબ વિશાળ જગ્યા અને જતનથી સચવાયેલી અમૂલ્ય કલાકૃતિઓ આ સંગ્રહાલયમાં અનેક કલાપારખુ અને જિજ્ઞાસુઓને ખેંચે છે. સવારના અગિયારથી સાંજના સાડા છ સુધી ખુલ્લા રહેતા આ સંગ્રહાલયમાં વિદ્યાર્થિઓને પ્રવેશ નિઃશુલ્ક છે, અન્ય લોકો માટે ફક્ત ૨૦ રૂપિયા પ્રવેશ શુલ્ક છે. અહીં ફોટૉગ્રાફીની પરવાનગી નથી એટલે દાખલ થતાં જ સુરક્ષા તપાસ પછી ઉપલબ્ધ લોકર્સમાં મોબાઈલ, બેગ વગેરે મૂકીને સંગ્રહાલયમાં પ્રવેશવાનું હોય છે. ભોંયતળિયે એક નાનકડો બેઠક વિભાગ છે. અનેક કલાચાહકો સ્વયંસેવક તરીકે સેવા આપે છે, જે તમને વિવિધ ચિત્રોની વિશેષતાઓ, તેમની પાછળનો મૂળભૂત વિચાર અને એ ચિત્ર શું કહેવા માગે છે, તેની રંગ સંયોજન અને ચિત્ર પદ્ધતિ વગેરે વિશે માહિતી આપે છે. સમયાંતરે અહીં ચિત્રકાર વિશેષનાં પ્રદર્શનો યોજાય છે, વર્કશૉપ પણ યોજાય છે. અમારી મુલાકાત વખતે વડોદરાના જ પ્રસિદ્ધ ચિત્રકાર ભૂપેન ખખ્ખરનાં ચિત્રોનું વિશેષ પ્રદર્શન હતું. એ સિવાયના સંગ્રહાલયના પાંચ માળના વિશાળ પ્રદર્શનમાં અનેક ચિત્રો ખૂબ સુંદર રીતે ગોઠવીને મુકાયાં છે, સાથે તેના વિશેની જરૂરી માહિતી જેમ કે ચિત્રનું નામ, ચિત્રકારનું નામ અને માપ, પ્રકાર, ચિત્રની તારીખ વગેરે પ્રકાશની સુંદર વ્યવસ્થા સાથે મૂકાયેલા છે.
અમેરિકન લેખક થોમસ મેર્ટનનું એક વિધાન છે, 'કળા આપણને આપણી જાત શોધવાની ક્ષમતા આપે છે, અને સાથે આપણી જાતને તેમાં ખોવાની પણ..' સંગ્રહાલયમાં મુલાકાત શરૂ કરવા પ્રથમ માળે પહોંચો એટલે એ અદભુત કલાકૃતિઓમાં ખોવાઈ જવાનું શરૂ થાય. મુગલ સમયનાં ચિત્રો, અંગ્રેજ ચિત્રકારોએ બનાવેલાં બનારસ, તાજમહાલ, કલકત્તા વગેરેનાં ચિત્રો, ૧૯૩૦ અને એ પહેલાનાં બંગાળનાં ચિત્રો અહીં ધ્યાન ખેંચે છે. જેમ જેમ આગળ જતા જાઓ તેમ તેમ એક પછી એક ચિત્રકારોની પીંછી અને તેમના મનોમંથનનો પરિપાક કેન્વાસ પર તમને મંત્રમુગ્ધ કરવા તૈયાર છે. અહીંના કલેક્શનમાં અમૃતા શેરગિલ, રવિન્દ્રનાથ ટાગોર, ભૂપેન ખખ્ખર, જેમિનિ રોય, પી. વી. ડોંગરે, ધનરાજ ભગત, ભબેશચંદ્ર સન્યાલ, સતીશ ગુજરાલ, કૃષ્ણ ખન્ના, મકબૂલ ફિદા હુસૈન, કૃષ્ણજી હૌલાજી આરા, એ. રામચંદ્રન, સુબોધ ગુપ્તા, અતુલ ડોડિયા, અંજલી ઈલા મેનન, વી. રમેશ, બિશાલ ભટ્ટાચાર્જી, મનજીત બાવા, સરોજ પાલ ગોગી, જી. આર. સંતોષ, વસીમ કપૂર, જસવંત સિંહ, ચિંતન ઉપાધ્યાય અને રાજા રવિવર્મા સહિત અનેક ભારતીય ચિત્રકારોના અદભુત ચિત્રો પ્રદર્શનમાં છે.
 
અમને અહીં ઘણાં ચિત્રો ખૂબ ગમ્યાં, કેટલાક સ્પર્શી ગયાં અને કેટલાંકમાં સમજ ન પડી. મને ખૂબ ગમેલાં ચિત્રોમાં સુબોધ ગુપ્તાનું ત્રણ સાયકલ પર દૂધનાં કેન સાથેનું 'થ્રી કાઉસ', અદ્દલ ફોટો જ લાગે - જોઈને ખ્યાલ જ ન આવે કે ચિત્ર છે, ઉપરાંત અંજલી ઈલા મેનનનું 'મ્યૂટેશન્સ', એ. રામચંદ્રનનું 'ગ્રેવ ડિગર્સ' - રંગો અને પડછાયાનો એવો તે બખૂબી ઉપયોગ કે જાણે જોતા જ રહીએ. બિશાલ ભટ્ટાચાર્જીનું 'ધ ડોલ' - ટેબલના અનેક ખાનાઓમાંથી ઉપરના ખાનામાં માથું અંદર અને લટકતા શરીર સાથેની ઢિંગલીનું કેનવાસ પર ઓઈલ દ્વારા બનાવાયેલું આ ચિત્ર અવાચક કરી મૂકે છે, તેમાંની વિગતો, રંગોની પસંદગી અને ઝીણવટભરી વિગતોનો સુમેળ તેને ઉત્કૃષ્ટ બનાવે છે. તાજમહેલને પાર્શ્વભૂમિકામાં લઈને બનાવાયેલ અતુલ ડોડિયાનું 'ટોમ્બ્સ ડે' અદભુત ચિત્ર છે, વિશાળ અને ત્રણ ભાગમા વહેંચાયેલ આ કટાક્ષ ચિત્ર તાજમહેલને પાર્શ્વભૂમિકામાં રાખી ફોટો પડાવતા પુતિન અને તેમના પત્ની તથા તાજમહેલ પાસે પુત્રી સાથે ફોટો પડાવતા હાથમાં હનુમાન ચાલીસા સાથે બિલ ક્લિન્ટન અને ત્રીજા ચિત્રમાં તાજમહેલને ગાયબ કરતા કે. લાલ - ચિત્ર ઘણું વિચારતા કરી મૂકે એવું ગહન અને વિશાળ છે, એ જાણે કહેવા માંગે છે કે તાજમહાલને છોડો, ખરું ભારત ફક્ત આ જ નથી. ગોગી સરોજ પાલનું 'ધ યંગ મધર', વસીમ કપૂરનું ‘એન્ડ વાઈવ્સ’, મનજીત બાવાનું 'પિન્ક ફીલ્ડ એન્ડ ધ ફ્લૂટ પ્લેયર', ગણેશ પાઈનનું 'મધર એન્ડ ચાઈલ્ડ', જસવંત સિંહનું 'કનૉટ પ્લેસ' જેવાં ચિત્રો ઉપરાંત ખ્યાતનામ ચિત્રકારોની કૃતિઓ પણ અદભુત છે. ઉપરાંત અહીં એક માસ્ટરપીસ ઘડિયાળ પણ છે. તેની સામે બેસીને જેટલું વિચારીએ અને સમજીએ એટલા વધુ વિકલ્પો દેખાય, એ માટે તેની સામે બેસવાની જગ્યા પણ રખાઈ છે. ઉપરાંત ગેલેરીની બહાર પણ અનેક શિલ્પકૃતિઓ બગીચામાં સુંદર રીતે ગોઠવીને રખાઈ છે. અહીં પ્રકાશન, લેક્ચર અને સેમિનાર, કલા ઈતિહાસકારો અને કલા સમીક્ષકો સાથે ચર્ચાઓ અને વૈચારિક આદાનપ્રદાન જેવા કાર્યક્રમો પણ યોજાય છે. આગમન પાસે જ 'ધ આર્ટ શૉપ' છે જેમાં આ ચિત્રોનાં પોસ્ટકાર્ડ, ગ્રીટિંગકાર્ડ, ચિત્રોની પ્રતિકૃતિ, પુસ્તકો, સર્જકોના પોર્ટફોલિયો, પ્રદર્શનનાં કેટલોગ તથા ભેટ માટેની વિવિધ વસ્તુઓ વેચાણ માટે ઉપલબ્ધ છે.
 
ગેલેરીની પાછળની તરફ એક સ્ટીલનું ઝાડ છે જે મુલાકાતીઓ માટે ફોટો પાડવાનું મોટું આકર્ષણ છે, ડોલ, ગ્લાસ, થાળી, ચમચા ચમચીઓ વગેરેથી બનેલું સ્ટીલની ડાળીઓ, સ્ટીલનાં જ પાંદડાં અને ફૂલ ધરાવતું આ વિશાળ ઝાડ અનોખું છે. અહીં આવ્યા ત્યારે એકાદ કલાકમાં બહાર નીકળવાનો વિચાર કરીને આવેલા પણ બંધ થવાનો સમય થઈ ગયો હોવાને લીધે નીકળવું પડ્યું અને છતાંય આખી ગેલેરી સંતોષકારક રીતે ન જોઈ શક્યાનો અફસોસ રહ્યો. દિલ્હીમાં આવી અનેક પ્રાઈવેટ ગેલેરી પણ છે, અને હવે તેમને પણ જોવાનું આકર્ષણ થઈ રહ્યું છે. ચિત્રકલાનું એક આગવું વિશ્વ છે. ઈતિહાસનાં પાને અમર થઈ ગયેલા ચિત્રકારો અને તેમના ચિત્રો અહીં રાહ જુએ છે. ડૉક્ટર, એન્જિનીયર કે ક્રિકેટર બનવા માગતી આજની પેઢીની કલાદૃષ્ટિ ઉછેરવા એ હજુ પણ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું છે.
 
(જિજ્ઞેશ અધ્યારુ બ્લોગર અને માઈક્રો ફિક્શન રાઈટર છે તથા ‘aksharnaad.com’ના એડિટર છે.)
નોંધ: ‘એક્સપર્ટ બ્લોગ્સ’ વિભાગ હેઠળ વ્યક્ત થયેલા વિચારો અને માહિતી બ્લોગરનાં પોતાનાં છે, divyabhaskar.com તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.
અન્ય સમાચારો પણ છે...