નોટરીની ધીકતી પ્રેક્ટિસ છોડીને રાજકારણના રંગે રંગાયેલા દર્શિનીબેન મહિલાઓ માટે છે પથદર્શક

સમાજ સેવામાં પાછી પાની ન કરનાર પિતાના સેવા અને સંગઠનના ગુણો દર્શિનીબેનને મળ્યાં છે વારસામાં

DivyaBhaskar.com | Updated - Nov 03, 2018, 06:21 PM
અનેક જવાબદારીઓ વહન કરના દર્શિનીબેનનું ટાઈમ મેનેજમેન્ટ
અનેક જવાબદારીઓ વહન કરના દર્શિનીબેનનું ટાઈમ મેનેજમેન્ટ

સુરતઃ પુરૂષોના આધિપત્યવાળું ક્ષેત્ર મનાતા રાજકારણમાં મહિલાઓ માટે સ્થાન બનાવવું તલવારની ધાર પર ચાલવાં જેવું કપરૂં કામ છે. મહિલાઓને પ્રમાણમાં પુરૂષો કરતાં અસંખ્ય જવાબદારીઓનું વહન કરવાનું હોય છે. ઘર,વર અને પોતાના કામની સાથે સામાજિક અને પારિવારિક જવાબદારીઓને પણ સંભાળવાની હોય છે. ત્યારે મહિલાઓ માટે જાહેર જીવનમાં વિરોધીઓ વચ્ચે કામ કરવું લોઢાના ચણા ચાવવાં જેવું થઈ જતું હોય છે. ત્યારે આકરાં લાગતાં કામને પોતાના સાલસ અને હસમુખા સ્વભાવથી દર્શિનીબેન બરોબર નિભાવી રહ્યાં છે. પોતાની નોટરી અને વકીલાતની ધીકતી પ્રેક્ટિસ છોડીને દર્શિનીબેન સમાજસેવા કરવાની સાથે સાથે મહિલાઓને તકલીફો સામે લડવાની હિંમત પુરી પાડે છે. મજબૂત મનોબળ ધરાવતાં અને મહેનતની સાથે સમયના પાબંદ દર્શિનીબેન મહિલાઓ માટે પથદર્શક સમાન છે.સમાજસેવી એજ્યુકેટેડ પરિવારમાં થયો જન્મ

આજે એકવીસમી સદીમાં જ્યારે ઈન્ટરકાસ્ટ મેરેજનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે દાયકાઓ અગાઉ સૌની સહમતીથી ઈન્ટરકાસ્ટ મેરેજનું ઉદાહરણ પુરૂં પાડનાર ચીફ ફાર્માસિસ્ટ પ્રેમજીભાઈ શામજીભાઈ ખૂંટ અને વત્સલાબેનના ત્રણ સંતાનોમાં સૌથી મોટી સંતાન તરીકે દર્શિનીબેનનો જન્મ 4 નવેમ્બર 1976ના રોજ થયો હતો. વિક્રમ સંવંત પ્રમાણે ધનતેરસ અને ગુરૂવારે જન્મ થયો હોવાથી પરિવારમાં દત્તુ નામથી પણ ઓળખાય છે. માતાએ દામિની નામ પાડ્યું હતું પરંતુ નાનાએ તે વખતના પ્રિયદર્શિનીમાંથી પ્રિય હટાવીને માત્ર દર્શિની નામ રાખ્યું. માતા યુનિવર્સિટીમાં કામ કરતાં અને પિતા સિવિલ હોસ્પિટલમાં ફાર્માસિસ્ટ હોવાથી સલાહ સૂચનથી લઈને નાના મોટા કામ માટે લોકો તેમની પાસે અડધી રાત્રે પણ આવતાં અને નિરાશ થયા વગર પરત ફરતાં હતાં.

પારિવારિક જવાબદારી નિભાવતાં કર્યો LLM સુધીનો અભ્યાસ

પરિવારમાં સૌથી મોટા હોવાથી નાનપણથી ઘરની જવાબદારીઓ માથે આવી ગઈ હતી. નાની બે બહેનોની સારસંભાળ રાખવાની સાથે સાથે ઘરકામથી લઈને સામાજિક જવાબદારીઓ પણ ઉપાડી લીધી હતી. ભણવામાં ફર્સ્ટ કલાસ સાથે પાસ થનારા દર્શિનીબેને 12 સુધી જીવનભારતીમાં અભ્યાસ કર્યા બાદ કેપી કોમર્સમાં કોલેજમાંથી ગ્રેજ્યુએશન કરીને વીટી ચોક્સી લો કોલેજમાંથી એલએલએમ સુધીનો અભ્યાસ કર્યો હતો.

સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં જ મળી ગયો જીવનસાથી

સિવિલ હોસ્પિટલના ક્વાર્ટરમાં તે વખતે રહેતા દર્શિનીબેને જણાવ્યું હતું કે, ડોક્ટર(પતિ-પ્રવિણભાઈ કોઠીયા-એમ એસ.જનરલ એન્ડ લેપ્રોસ્કોપીક સર્જન) ત્યારે સિવિલમાં અભ્યાસ કરતાં હતાં. અને પિતાની સલાહ લેવા અને માર્ગદર્શન મેળવવા ઘરે આવતાં રહેતાં હતાં. વળી,દૂરના સંબંધમાં હોવાથી પહેલેથી જ એકબીજાના પરિચયમાં હોવાનું કહેતા ઉમેર્યું હતું કે, મેં બીકોમ પછી ભણવાનો વિચાર છોડી દીધેલો પરંતુ ડોક્ટર(પતિ-પ્રવિણભાઈ કોઠીયાને તેઓ ડોક્ટરના સંબંધોનથી બોલાવે છે)એ મને ભણવા મોટીવેટ કરી અને એમ સિવિલના કેમ્પસમાં જ જીવનસાથી મળી ગયાનું હસતાં હસતાં જણાવ્યું હતું.

આગળની સ્લાઈડ્સમાં વાંચો, લોકોના પ્રશ્નો માટે લડતાં પહોંચી ગયા રાજકારણમાં

લોકોના પ્રશ્નો માટે લડતાં પહોંચી ગયા રાજકારણમાં
લોકોના પ્રશ્નો માટે લડતાં પહોંચી ગયા રાજકારણમાં

લોકોના પ્રશ્નો માટે લડતાં પહોંચી ગયા રાજકારણમાં
 
રાજકારણમાં ક્યારે સક્રિય થયા તેવા પ્રશ્નના જવાબમાં દર્શિનીબેને જણાવ્યું હતું કે, હું ક્યારે રાજકારણમાં આવી ગઈ એ જ ખબર નથી. વર્ષ 2004માં ડોક્ટરે પુણા જનરલ હોસ્પિટલ, સીતાનગર ચોક,પુણા ગામ હોસ્પિટલ શરૂ કરી. હોસ્પિટલના મેનેજમેન્ટનું કામ હું જોતી અને તેની સાથે લોકોના નાના મોટા પ્રશ્નો હોય તો પણ અમે સાથે મળીને જોતા હતાં. પુણા વિસ્તાર ત્યારે શહેરમાં ભળ્યો નહોતો. એટલે આ વિસ્તાર પાલિકાની હદમાં આવે તે માટે પણ અમે પ્રયાસો કર્યાં હતાં. વળી, હોસ્પિટલની નીચે રાજકીય પક્ષોની મીટીંગો મળતી ત્યારે તેની વ્યવસ્થા સંભાળવાનું કામ કરતી અને એ દરમિયાન ક્યારે રાજકારણમાં આવી ગઈ એ જ ખબર ન પડી.
 
કોર્પોરેટર બન્યા બાદ સંગઠનની મળી વિવિધ જવાબદારી
 
- 2004થી કેડરબેજ ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય થયાં
- 2006માં સુરત શહેર મહિલા મોરચાના મંત્રી બન્યાં
- 2007માં ચોર્યાસી વિધાનસભાની ચૂંટણી વખતે મહિલા કન્વીનરની જવાબદારી નિભાવી
- 2008માં પુણા વોર્ડની વચગાળાની ચૂંટણીમાં દર્શિનીબેન જંગી બહુમતિથી કોર્પોરેટર બન્યાં( સ્ટેન્ડિંગના સભ્ય તરીકે કામગીરી કરી)
- 2012થી 2014 દરમિયાન દુષ્કર્મ પીડિત મહિલાઓના બોર્ડમાં સભ્ય તરીકેની જવાબદારી વહન કરી
- 2013 સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ
- 2014માં સુરત શહેર મહિલા મોરચાના પ્રમુખ બન્યા
- 2016થી ગુજરાત પ્રદેશ સેક્રેટરીની ભૂમિકામાં છે.
-  વલસાડ,ડાંગ લોકસભા ચૂંટણીના પ્રભારી સહિત વિવિધ ચૂંટણીમાં ઈન્ચાર્જના કામો કર્યા
 
અનેક જવાબદારીઓ વહન કરના દર્શિનીબેનનું ટાઈમ મેનેજમેન્ટ
 
પરવત પાટીયા સ્થિત વ્રજભૂમીમાં રહેતાં દર્શિનીબેન નોટરીની સાથે ઘર, જાહેર જીવન અને પ્રદેશ કક્ષાની જવાબાદીરોમાં સક્રિય કામ કરે છે. ત્યારે ટાઈમ મેનેજમેન્ટ બાબતે તેમણે જણાવ્યું હતું કે, મોટાભાગના કામો અગાઉથી પ્લાન કરી રાખું છું. ટાઈમિંગમાં પંક્ચ્યુલ રહું છું એટલે જ બધા કામો માટે પુરતો સમય આપી શકાય છે. બહેનોની મીટીંગ હોય તો તેનો સમય એ રીતે જ રાખીએ કે જેથી કરીને મીટીંગમાં આવનાર બહેનોને અનુકુળતા રહે. હવે પ્રદેશની જવાબદારી વધુ હોવાથી નોટરી માટે ટાઈમ ન ફાળવી શકતા એ કામ બંધ કરી દીધું છે. કોઈ કામને લટકાવો તો તેના માટે વધુ ટાઈમ જોઈએ તેના કરતાં પ્રોપર ટાઈમ મેનેજમેન્ટ માટે ખાસ નિયમો જ બનાવી દીધા હોય કમિટમેન્ટ સાથે કામ થાય છે.
 
માનસિક તાણ દૂર કરવા ગમતું કાર્ય કરો
 
દર્શિનીબહેને જણાવ્યું હતું કે, મને કામનો થાક લાગે પણ ભાર લાગતો નથી. સમયસર કામ કરતાં રહીએ અને ખોટી અપેક્ષા વગર કામ કરીએ તો દુઃખી થવાનું આવતું નથી. આજે આપણે અપેક્ષાઓના કારણે જ ટેન્શનના રોગીઓનો વધારો કરતાં જઈએ. બે લોકોના સારા કાર્યો વગર અપેક્ષાએ આપણાથી થાય તો તેનો સંતોષ મળે. પરંતુ ખોટુ કમિટમેન્ટ કરીએ અને આપણાથી થાય તેમ જ ન હોય છતાં હા જ પાડ્યે રાખીએ તો પછી ટેન્શન તો વધવાનું જ છે. વળી મને પરિવારનો પુરતો સપોર્ટ છે. જેથી કંઈ પણ વાત હોય તો બધા સાથે શેર કરતાં તરત જ તેનો ઉકેલ નીકળે છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, સશક્ત મહિલા મજબૂત પરિવાર

ડોક્ટર મળ્યાં તે ક્ષણ સૌથી યાદગાર
ડોક્ટર મળ્યાં તે ક્ષણ સૌથી યાદગાર

સશક્ત મહિલા મજબૂત પરિવાર
 
રાજકીય જીવનમાં આવતાં અગાઉ મહિલાઓના સંગઠનો ચલાવતાં ચલાવતાં મહિલાઓના પાયાના પ્રશ્નો સમજ્યાં હોવાથી તેમના માટે કામ કરવાની પ્રેરણા મળતી હોવાનું કહેતાં દર્શિનીબેને જણાવ્યું હતુંકે, એક સશક્ત મહિલા જ મજબૂત પરિવારનું નિર્માણ કરી શકે છે. જેથી અમારી દરેક મીટીંગમાં મહિલાઓને લાભદાયી હોય અને તેના પરિવારને ઉપયોગી હોય તેવી બાબતોની માહિતી તેમના સુધી પહોંચાડવાના કાર્યો કરતાં હોવાથી મહિલાઓ આજે તેમની સાથે લાગણીથી જોડાયેલા છે. શહેરભરની અને વિવિધ સમાજની મહિલાઓ માટે નિઃસ્વાર્થ ભાવે કામ કર્યુ હોવાથી ગમે ત્યારે હાંકલ કરીએ કે મહિલાઓ એકઠી થઈ જતી હોવાનું તેમણે વધુમાં ઉમેર્યું હતું.
 
ડોક્ટર મળ્યાં તે ક્ષણ સૌથી યાદગાર
 
સુખ-દુઃખ એ જીવનની સતત ચાલતી ક્રિયા છે. તડકા છાંયા તો દિન રાત ચાલતી પ્રક્રિયા હોવાનું કહેતાં દર્શિનીબેને કહ્યું કે, જીવનની સૌથી યાદગાર ક્ષણ હોય તો તે ડોક્ટર મારા જીવનમાં આવ્યા તે લગ્ન પ્રસંગની છે.માતાને કિડનીની બીમારી હોવાથી લગ્ન ઉતાવળે કરવાના હતાં. પરંતુ ડોક્ટર એમએસનો અભ્યાસ કરતાં અને સાથે સુરત જનરલમાં નોકરી પણ કરતાં હોવાથી તેમને રજાનો પ્રોબ્લેમ હતો. તેમ છતાં એક દિવસ એટલે કે બીજી મેં 1998માં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ બીજી મેંના રોજ તેમને રજા ન મળી અને લગ્ન 3જી મેના રોજ સાદાઈથી અને ગણ્યાં ગાંઠ્યા લોકોની હાજરીમાં કર્યાં હતાં. ભારે વ્યસ્તતા વચ્ચે હજુ પણ સમય મળે ત્યારે બન્ને સાથે કુદરતના ખોળે લોંગ ડ્રાઈવ પર નીકળી જઈએ અને આ જ અમારું વેકેશન કે એન્જાયમેન્ટ હોવાનું તેમણે ઉમેર્યું હતું.
 
માતા-પિતાનો ખાલીપો સૌથી દુઃખદ
 
દુઃખદ પ્રસંગો અંગે દર્શિનીબેને કહ્યું કે,માતા-પિતાનું અવસાનથી સર્જાયેલો ખાલીપો ભરી શકાય તેમ નથી. નાની ઉંમરમાં માતાને ગુમાવ્યાં અને પરિવારને સંભાળવાની જવાબદારી આવી ગઈ હતી. જેથી દુનિયાદારીનું અને વ્યવહારીક બાબતોનું સમય પહેલાં જ ભાન થઈ ગયું હતું. પરંતુ માતા-પિતાના સંસ્કારો એવા હતા કે, તેમણે આપેલી હિંમતથી આજે પણ મોટીવેશન મળી રહે છે.
 
યુવાનોને સંદેશ
 
યુવાનોને સંદેશ આપતાં દર્શિનીબેને જણાવ્યું હતું કે, આજની પેઢી અગાઉ કરતાં વધુ જાગૃત છે. પરંતુ સોશિયલ મીડિયામાં વધારે પડતો સમય વ્યતિત કરવાની જગ્યાએ યુવાન દીકરા દીકરીઓએ પોતાને ઉપયોગી થાય તે રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો જોઈએ. યુવાન દીકરીઓએ પોતાની મર્યાદા જાતે જ નક્કી કરી લેવી જોઈએ. આત્મસન્માન અને આત્મસંતોષ માટે કામ કરવું જોઈએ. યુવાનોમાં આજે વ્યસનો વધી રહ્યાં છે ત્યારે વ્યસન જેવી બદીમાં મહામૂલુ જીવન ન વેડફતાં રચનાત્મક અને પરિવાર દેશને છાજે અને ગૌરવ મળે તેવું કંઈક કરવાનું વધુમાં જણાવ્યું હતું.

X
અનેક જવાબદારીઓ વહન કરના દર્શિનીબેનનું ટાઈમ મેનેજમેન્ટઅનેક જવાબદારીઓ વહન કરના દર્શિનીબેનનું ટાઈમ મેનેજમેન્ટ
લોકોના પ્રશ્નો માટે લડતાં પહોંચી ગયા રાજકારણમાંલોકોના પ્રશ્નો માટે લડતાં પહોંચી ગયા રાજકારણમાં
ડોક્ટર મળ્યાં તે ક્ષણ સૌથી યાદગારડોક્ટર મળ્યાં તે ક્ષણ સૌથી યાદગાર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App