વિદેશી લોકોના દિલને ટચ કરી જાય છે જૂનાગઢ જેવા નાના ટાઉનના ફોટોગ્રાફરની આ તસવીરો, મળે છે સાથે કામ કરવાની ઓફર

This photographer from junagadh made buzz with his excellent portrait photography
This photographer from junagadh made buzz with his excellent portrait photography
This photographer from junagadh made buzz with his excellent portrait photography
This photographer from junagadh made buzz with his excellent portrait photography
This photographer from junagadh made buzz with his excellent portrait photography
ફોટોગ્રાફર ફૈયાઝ અહેમદ
ફોટોગ્રાફર ફૈયાઝ અહેમદ

divyabhaskar.com

Nov 03, 2018, 06:18 PM IST

સ્પેશિયલ ડેસ્ક: જૂનાગઢના ફોટોગ્રાફર ફૈયાઝ અહેમદ Faces of India નામથી શરુ કરેલા પ્રોજેક્ટએ ફોટો શેરિંગ સાઈટ ઇન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી છે. 'એક તસવીર હજારો શબ્દોની ગરજ સારે' - આ કહેવતને બરાબર સાર્થક કરતી તેમણે ક્લિક કરેલી એક-એક તસવીર તમને મંત્રમુગ્ધ કરી દે તેવી છે. ઇન્સ્ટાગ્રામ પર તેમના દેશ-વિદેશના 11 હજારથી વધુ ફોલોઅર્સ છે. આ ફોલોઅર્સમાં કેટલાક જાણીતા બ્લોગર્સ અને ફોટોગ્રાફર્સ પણ સામેલ છે. ફૈયાઝ તેમની આસપાસના લોકોને જોઈને અને તેમનું નિરીક્ષણ કર્યા પછી પોર્ટ્રેઇટ ફોટોગ્રાફીના પ્રેમમાં પડી ગયા અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી તેમનો આ પ્રેમ દર્શાવવા લાગ્યા. તેના પરિણામ સ્વરૂપે આજે તેઓ જૂનાગઢ જેવા નાના ટાઉનમાં પણ અદભુત અને એક નજરે ગમી જાય તેવી પોર્ટ્રેઇટ ફોટોગ્રાફી કરે છે અને દરેક સારી તસવીરને જરૂરી એડિટિંગ કર્યા પછી ઇન્સ્ટાગ્રામ પર મૂકે છે.


* Faces of India શું છે અને આગળ શું કરવા માંગે છે?
ફૈયાઝ કહે છે કે,'Faces of India એ મારા માટે એક એવો પ્રોજેક્ટ છે જેની શરૂઆત મેં જૂનાગઢથી કરી છે અને નજીકના ભવિષ્યમાં ધીમે-ધીમે તેને આગળ લઇ જવા માંગુ છું. હું જૂનાગઢ પછી ગુજરાતના અન્ય શહેરો અને ત્યારબાદ રાષ્ટ્રીય સ્તરે અલગ-અલગ જગ્યાઓએ ટ્રાવેલિંગ કરીને લોકોની રંગબેરંગી તસવીરો ક્લિક કરવા માંગુ છું. દેશના જ નહીં દુનિયાભરના લોકોને આ તસવીરો જોઈ ભારત-ગુજરાત અને ખાસ જૂનાગઢ આવવાની ઈચ્છા થાય અને તેઓ મુલાકાત લે, તે આ પ્રોજેક્ટનો હેતુ છે. મને જલ્દીથી ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ વધારવાની કે દરરોજ ઓછામાં ઓછી 2-4 તસવીરો ક્લિક કરી લેવાની કોઈ ઉતાવળ નથી એટલે હું આ પ્રોજેક્ટ પર ધીરે-ધીરે કામ કરી રહ્યો છું


* વિદેશના લોકો સાથેનો અનુભવ કેવો રહ્યો?
'ઇન્સ્ટાગ્રામ પર મારી કેટલીક પોર્ટ્રેઇટ તસવીરો મુક્યા પછી મને વિદેશના લોકોને મળવાનો મોકો પણ મળ્યો અને તેમને મળવાથી આપણી કિંમત પણ ખબર પડી. જૂનાગઢમાં ફરવા અને ફોટોગ્રાફી માટે જગ્યાઓ હાથવેંત અને ગણાય એટલી છે તેથી લાગ્યું કે જૂનાગઢ આવતા લોકોની જાતજાતની તસવીરો ક્લિક કરીને તેનું સારામાં સારું પ્રેઝન્ટેશન કરું અને તે માટે મેં ઇન્સ્ટાગ્રામને પસંદ કર્યું. મારી તસવીરો જોઈને ઇન્સ્ટાગ્રામ પર વિદેશી લોકો ટેટૂ અને એમ્બ્રોડરી વર્ક અંગે કુતુહલતાથી મને પ્રશ્નો પૂછતાં હોય છે કે તેને શું કહેવાય? અથવા આ કઈ ટ્રાઇબલના લોકો છે? આ ઉપરાંત તસવીરો પરથી મોટાભાગના વિદેશી લોકોની વાતચીતનો સારાંશ India is a very colorful country એવો આવે છે. વિદેશી પર્યટકોમાંથી મને એક જર્મન ફોટોગ્રાફરે તેની સાથે મળીને ફોટાગ્રાફીના પ્રોજેક્ટ માટે કામ કરવાની સામેથી ઓફર કરી હતી અને અમે સાથે મળીને કામ પણ કર્યું હતું.


* કેવી રીતે ક્લિક કરી લો છો આટલી વિવિધતા ધરાવતા ચહેરાઓ?
'હું દર શિવરાત્રીએ જૂનાગઢમાં યોજાતા ભવનાથના મેળામાં ખાસ તસવીરો ક્લિક કરવા અને નવા ચહેરાઓને તસવીરોમાં કેદ કરવા અચૂક જાઉં છું. આ એવી જગ્યા છે જ્યાં આસપાસના 50થી વધુ ગામડાઓમાંથી લોકો આવે છે અને તેમના નેચરલ લૂકને હું તસવીરોમાં ક્લિક કરી લઉ છું. મેળામાં અને ગિરનારની પરિક્રમા દરમિયાન મને સૌથી વધુ અને નવા પ્રકારના ચહેરાઓ તથા કેરેક્ટરીસ્ટિક્સ મળી રહે છે.


* તસવીરોના માધ્યમથી લોકોને શું મેસેજ આપવા માંગો છો?
'હું જયારે પણ કોઈ બાળક કે વડીલ કે આર્થિક રીતે અસક્ષમ દેખાતા લોકોની તસવીરો ક્લિક કરું છું ત્યારે તેમનું બેકગ્રાઉન્ડ ખાસ ચેક કરું, જેથી મને તેમની તસવીરો ક્લિક કર્યા બાદ જરૂરિયાત મુજબ રૂપિયા આપતા અથવા તેમને કંઈક ખવડાવવાની ખબર પડે. હું જેમની તસવીર ક્લિક કરું છું તેમને ખૂબ ઇમ્પોર્ટન્સ આપું છું. જે લોકોને કોઈ પૂછતું પણ ના હોય અથવા સમાજમાં લોકો જેમને ધુત્કારવાની નજરે જુએ છે તેમને માન આપીને બોલાવવાથી તેઓ ખુશ થાય છે, મારી સાથે કનેક્ટ થાય છે અને હું તેમની સારામાં સારી તસવીર કંડારી શકું છું. તેમને મારી તસવીરો ગમે તો ઘણીવાર તેઓ તેમના પરિવારના અન્ય સભ્ય અથવા મિત્રોને પણ ખેંચીને મારી પાસે લાવે અને મારી જોડે તસવીરો ક્લિક કરાવે. આ તસવીરો જોઈને તેઓ ખૂબ
હરખાય અને ખુશ થઇ જાય છે. બસ, તસવીરો ક્લિક કરીને મારે આ હરખ અને સ્મિત ફેલાવવા છે, આવનારી પેઢીના લોકોમાં પોઝિટિવિટી પ્રસરે તેવા કામ કરવા છે.


* એક તસવીરથી કોઈને મદદ મળી રહે તો તેનાથી મોટું પુણ્ય શું હોઈ શકે?
'આજનો જમાનો ગ્લોબલ છે, લોકો આપણને દુનિયાના કયા છેડેથી જોઈ રહ્યા હશે તેની ખબર નથી. મારી ઈચ્છા છે કે લોકો દુનિયાના ગમે તે છેડેથી જુએ, જયારે પણ ભારત અને ગુજરાતના જૂનાગઢની આ તસવીરો જુએ ત્યારે તેમને અહીંના રંગો દેખાય, સ્મિત અને હરખ દેખાય. આ ઉપરાંત હું માનું છું કે વિશ્વની ઘણી સંસ્થા કે માણસો તસવીરો જોઈને જરૂરિયાતમંદ લોકોને મદદ માટે આગળ આવી શકે છે. એક તસવીરથી કોઈને મદદ મળી રહે તેનાથી ખુશીની વાત બીજી હોઈ શકે ખરી?'


* સોશિયલ મીડિયાથી ફોટોગ્રાફી માટે કેવો રિસ્પોન્સ મળ્યો?
ફૈયાઝ અહેમદ જણાવે છે કે,'ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન મેં પહેલીવાર 2013માં જોઈ અને તે મને શીખવાનું મન થયું હતું. સોશિયલ મીડિયાથી જ મને સૌથી મોટી ઓળખ મળી છે. યુવાનીના દિવસોમાં મારી પાસે સોશિયલ મીડિયા નહોતું પણ આજના યંગસ્ટર્સ તો તેનો ખરો અને હકારાત્મક ઉપયોગ કરી જ શકે છે. ઓનલાઇન પ્લેટફોર્મ હોવાના લીધે યુવાન લોકો પોતાની ટેલેન્ટથી કે કળાથી સોશિયલ મીડિયાનો મહત્તમ ઉપયોગ કરીને જોઈએ એવી સફળતા મેળવી શકે છે. સોશિયલ મીડિયા છે તો તમારી ટેલેન્ટ કે આવડતને કોઈપણ તાકાત રોકી શકે એમ નથી. પહેલા એક સમય હતો કે તમારી પાસે ટેલેન્ટ કે આર્ટ વર્ક હોય તો તે બધું એકસાથે લઈને મુંબઈ કે અન્ય મહાનગરીમાં જઈને પ્રેઝન્ટેશન આપવું પડતું અને તેમાં પણ નસીબ સારું હોય તો સિલેક્શન થાય બાકી નિરાશ થઈને પરત ફરવું પડતું હતું, પણ સોશિયલ મીડિયામાં એવું નથી. તમારો સમય અને એનર્જી બચી શકે છે, કોઈને ત્યાં ધક્કા ખાવાની જરૂર નથી, આપોઆપ દુનિયા તમારી નોંધ લેવા માંડે છે.'


* સારી તસવીરો ક્લિક કરવા માટે કેમેરાનું કેટલું મહત્વ છે?
'સારી તસવીરો ક્લિક કરવા માટે સૌથી સારો કેમેરા હોવો જરૂરી નથી. એન્ટ્રી લેવલ કેમેરાથી પણ સારી તસવીરો ક્લિક કરી શકાય છે. ફોટોગ્રાફી ફિલ્ડમાં કેટલાયે સબ્જેક્ટ્સ છે અને ઘણી ડેપ્થ ધરાવે છે. એક સારી તસવીર માટે તમે સૌથી પહેલા તો તમારા માઈન્ડમાં એક સારી ફ્રેમ કેપ્ચર કરો છો અને પછી તે મુજબ જ કેમેરામાં પણ ફ્રેમ સેટ કરવાનો પ્રયત્ન કરતા હોવ છો માટે જેટલી સારી જોવાની દ્રષ્ટિ અને ફ્રેમિંગની આવડત હશે તેટલી જ સારી તમારી તસવીર પણ ક્લિક થશે.',એમ ફૈયાઝે જણાવ્યું હતું.

(All Photos By: Faiyaz Ahmed, Junagadh, Gujarat)

X
This photographer from junagadh made buzz with his excellent portrait photography
This photographer from junagadh made buzz with his excellent portrait photography
This photographer from junagadh made buzz with his excellent portrait photography
This photographer from junagadh made buzz with his excellent portrait photography
This photographer from junagadh made buzz with his excellent portrait photography
ફોટોગ્રાફર ફૈયાઝ અહેમદફોટોગ્રાફર ફૈયાઝ અહેમદ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી