પોલીસ ચોપડે ચડેલા રાજકારણીઓથી મુક્તિ મળશે ખરી?

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કાયદા અને નિયમો તો છે પણ પાળે છે કોણ?: કમનસીબે રાજકારણમાં બાહુબલીઓની બોલબાલા વધતી જ રહી છે

કૃષ્ણકાંત ઉનડકટ

ન્યૂઝ વોચપણા દેશમાં સારા લોકો રાજકારણમાં આવતા પહેલાં સો વખત વિચાર કરે છે તેનું કારણ એ છે કે રાજકારણમાં જેની સાથે તેમણે બેસવાનું છે એ લોકોમાંથી ઘણાની ઇમેજ એની પડખે ચઢવા જેવી હોતી નથી. રાજકીય પક્ષો સમાજમાં જેનું નામ હોય એવા લોકોને ક્યારેક સામેથી ચૂંટણી લડવાની ઓફર કરે છે ત્યારે તેઓ બે હાથ જોડીને કહી દે છે કે, ના ભાઇસા’બ, રાજકારણમાં અમારું કામ નહીં. રાજકારણમાં આવવાના કારણો હવે બદલાઇ ગયા છે. લોકોની સેવા કરવા માટે રાજકારણમાં આવનારાઓને દીવો લઇને શોધવા પડે તેવી હાલત છે. ચૂંટણી એટલી ખર્ચાળ થઇ ગઇ છે કે મેદાનમાં ઊતરવાનું કાચા-પોચાનું તો કામ જ નથી. તગડું બેંક બેલેન્સ હોય એ જ ચૂંટણી લડવાનું વિચારી શકે છે. આમ તો બેંક બેલેન્સ કહેવું ન જોઇએ, કારણ કે બેંકમાં તો વ્હાઇટ મની જ રાખવા પડે છે. જેની પાસે કાળા નાણા હોય એ જ રાજકારણમાં ટકી શકે છે. કાળા નાણા કોની પાસે હોય છે એ બધા જાણે છે. એમ તો રાજકીય પક્ષો થોડાક સારા લોકોને પણ ટિકિટ આપે છે, જેથી પક્ષની ઇમેજ સચવાયેલી રહે.

આપણી સંસદમાં અને વિધાનસભાઓમાં એવા કેટલાય નેતાઓ છે કે જેમના નામ પોલીસ ચોપડે ચઢેલા છે. એમાંથી ઘણા તો એવા છે કે જેમના નામે અત્યંત ગંભીર કહી શકાય એવા ગુના નોંધાયેલા છે. આવા લોકો સામે અનેક વખત સવાલો થયા છે. હિસ્ટ્રીશીટરો રાજકારણમાં ન આવે એ માટે ઘણા નિયમો પણ બન્યા છે. જોકે, આપણા રાજકીય પક્ષો બધા જ નિયમોને ઘોળીને પી જાય છે. હવે સુપ્રીમકોર્ટે વધુ એક વખત એવી વાત કરી છે કે રાજકીય પક્ષોએ પોતાના નેતાઓની કરમ કુંડળીની વિગતો વેબસાઇટ પર મૂકવી પડશે. કોઇ કલંકિત ઉમેદવારને ટિકિટ આપે ત્યારે એ પણ કહેવું પડશે કે તેને ટિકિટ શા માટે આપવામાં આવી? ચોખ્ખી છબિ ધરાવનારને ટિકિટ કેમ નથી આપી તેનો ખુલાસો પણ રાજકીય પક્ષોએ કરવો પડશે. ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાયે સુપ્રીમકોર્ટમાં એક અપીલ દાખલ કરીને ક્રિમિનલ લોકોને રાજકારણમાં પ્રવેશ કરતા રોકવા માગણી કરી હતી. તે અંગે જસ્ટિસ આર. એફ. નરિમાન અને જસ્ટિસ એસ. રવીન્દ્ર ભટની બેન્ચે ગાઇડલાઇન જાહેર કરી. ક્રાઇમ રેકોર્ડ ધરાવતા ઉમેદવારોની વિગતો સોશિયલ મીડિયા પર અને અખબારોમાં પણ જાહેર કરવાનો આદેશ આપ્યો. સવાલ એ છે કે સુપ્રીમકોર્ટની આ ગાઇડલાઇન પછી રાજકીય પક્ષો કલંકિત ઉમેદવારોને ટિકિટ આપવાનું બંધ કરશે ખરા? આ વાતમાં બહુ દમ લાગતો નથી.

હજુ બે દિવસ પહેલાં એટલે કે ગયા મંગળવારે દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું. દિલ્હીની કુલ 70માંથી 62 બેઠક આમ આદમી પાર્ટીને મળી. 8 બેઠક પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો. જે મહાનુભાવો ચૂંટાયા તેમની પ્રોફાઇલ કેવી છે? એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (એડીઆર) દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ, 70માંથી 43 ધારાસભ્ય એવા છે કે જેમની સામે કોઇ ને કોઇ પોલીસ ફરિયાદ થયેલી છે. તેમાં આમ આદમી પાર્ટીના 38 અને ભાજપના 5 ધારાસભ્યનો સમાવેશ થાય છે. ટકાવારીની રીતે વાત કરીએ તો 61 ટકા ધારાસભ્યો ક્રાઇમ હિસ્ટ્રી ધરાવે છે. 2015માં 24 ધારાસભ્ય સામે ગુના નોંધાયેલા હતા. આ વખતે તેમાં 27 ટકાનો વધારો થયો છે.

સંસદનો સિનારિયો પણ કંઇ વખાણવા જેવો નથી. ગત વર્ષે ચૂંટાયેલા 539માંથી 233 સાંસદ સામે પોલીસ કેસ થયેલા છે. આમાં પાછું એવું નથી કે કોઇ એક જ પક્ષના સાંસદોનાં નામ જ ખરડાયેલા છે. લગભગ તમામ પક્ષોના સાંસદો તેમાં સામેલ છે. ભાજપના 116, કોંગ્રેસના 29, જનતાદળ યુનાઇટેડના 13, ડીએમકેના 10 અને તૃણમૂલ કોંગ્રેસના 9 સાંસદના નામ પોલીસ ચોપડે ચઢેલાં છે. 29 ટકા સામે તો ગંભીર ગુનાની કેટેગરીમાં આવે છે એવા બળાત્કાર, ખૂન અને ખૂનના પ્રયાસના ગુના નોંધાયેલા છે. રાજ્યોની વિધાનસભાનું ચિત્ર પણ આંખો પહોળી કરી દે તેવું છે. યુપી, બિહાર સહિત કેટલાક રાજ્યોમાં તો માફિયાઓ અને બાહુબલીઓની રાજકારણમાં બોલબાલા છે.

આ વખતની જ નહીં, અગાઉની સરકારોમાં પણ સ્થિતિ આવી જ હતી. બધા પક્ષોના નેતાઓ ડાહી ડાહી વાતો કરે છે પણ ટિકિટ આપવાની વાત આવે ત્યારે એ જ વિચારે છે કે જીતે એમ કોણ છે અને રૂપિયા ખર્ચવાની ત્રેવડ કોનામાં છે? આપણા દેશમાં જન પ્રતિનિધિત્વ કાયદામાં એવી જોગવાઇ છે જ કે જે વ્યક્તિને અદાલતે દોષિત ઠેરવી હોય અને ઓછામાં ઓછી બે વર્ષની સજા ફટકારી હોય એ 6 વર્ષ સુધી ચૂંટણી લડી શકે નહીં. લાલુપ્રસાદ યાદવને ઘાસચારા કૌભાંડમાં સજા થયેલી છે એટલે જ તે ચૂંટણી લડી શકતા નથી. આ તો સજા થઇ હોય ત્યારની વાત છે. આપણે ત્યાં કાનૂની પ્રક્રિયા કેટલી ધીમી અને ઢીલી છે તેનાથી બધા સારી પેઠે વાકેફ છે. કોઇ રાજકારણી સામે માનો કે બળાત્કારનો ગુનો નોંધવામાં આવે તો એ સાબિત થતાં વર્ષો વીતી જાય છે. સુપ્રીમકોર્ટમાં અગાઉ એવી પણ અરજી થઇ છે કે સજા પડે પછી નહીં પરંતુ જેની સામે ગંભીર ગુનો નોંધાયો હોય એને પણ ચૂંટણી લડવાની મંજૂરી ન આપવી જોઇએ. જે ગુનાની સજા ઓછામાં ઓછી પાંચ વર્ષ હોય અને આ ગુના હેઠળ જેની સામે ચાર્જશીટ રજૂ થઇ હોય તેના પર પ્રતિબંધ હોવો જોઇએ એવી માગણી કરાઇ હતી. સપ્ટેમ્બર, 2018માં તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની અધ્યક્ષતામાં બનેલી 5 જજની બેન્ચે એવું કહ્યું હતું કે, અદાલત એવું કરી શકે નહીં. પ્રતિબંધ લાદવાનું કામ અદાલતનું નથી. તેનું કામ તો બંધારણમાં જે કાયદા છે તેમનું પાલન કરાવવાનું છે. એ સમયે સુપ્રીમકોર્ટે સરકારને ગુનેગારો રાજકારણમાં ન આવી શકે એ માટે કડક કાયદો ઘડવાનું સૂચન કર્યું હતું.

ગુરુવારે સુપ્રીમકોર્ટે જે વાત કરી એ સપ્ટેમ્બર, 2018માં સુપ્રીમકોર્ટની બેન્ચે કરી હતી, જેમાં જેની સામે નોંધાયેલા હોય તેમના નામ પક્ષની વેબસાઇટ અને મીડિયામાં આપવાની વાત થઇ હતી. કહેવાનો મતલબ એ છે કે સુપ્રીમકોર્ટે જે વાત કરી છે એમાં કશું જ નવું નથી. વાત એટલી જ છે કે અગાઉ સુપ્રીમકોર્ટે કહ્યું હતું એ પછી પણ સરકારે કંઇ કર્યું નથી અને હજુ પણ સરકાર કશું કરે એ વાતમાં બહુ દમ લાગતો નથી. સ્વ. ટી. એન. શેષન દેશના મુખ્ય ચૂંટણી કમિશનર હતા ત્યારે તેમણે દેશમાં ખરા અર્થમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી થાય એ માટે ચૂંટણી પ્રક્રિયામાં ધરખમ સુધારા કર્યા હતા. આપણે ત્યાં ઉમેદવારીપત્ર ભરતી વખતે એફિડેવિટ કરવાની હોય છે. આ એફિડેવિટમાં ઉમેદવારે પોતાના વિશેની તમામ માહિતી આપવાની હોય છે. પોતાની સામે નોંધાયેલા ગુનાની વિગતો પણ તેમાં આપવી પડે છે. રાજકીય પક્ષો તો કંઇ કરતા નથી પણ મીડિયા પોતાની રીતે તપાસ કરીને કોની સામે કેટલા અને કેવા ગુના નોંધાયેલા છે તેની વિગતો જાહેર કરે છે. દેશને આઝાદી મળી એ પછી એક-બે દાયકા એવા રહ્યા કે જ્યારે ઉમેદવારોની પસંદગીમાં રાજકીય પક્ષો બહુ ધ્યાન રાખતા હતા. ધીમે ધીમે સ્થિતિમાં પરિવર્તન આવ્યું. સાવ એવું પણ નથી કે ગુનેગારો સીધા જ રાજકારણમાં આવી ગયા હોય. પહેલાં તો ઉમેદવારો ચૂંટણી જીતવા માટે ગુનેગારોની મદદ લેવા માંડ્યા, માફિયાઓ અને બાહુબલીઓની મદદથી ચૂંટાવા લાગ્યા. એ પછી ગુનેગારોને એવું થયું કે આ લોકો આપણી મહેરબાનીથી ચૂંટાય છે. આપણે કોઇને ચૂંટણી જીતાડી શકીએ તો આપણે પણ ચૂંટણી જીતી શકીએ, એવું વિચારીને માફિયાઓ અને ગુંડા જ ચૂંટણીમાં ઝંપલાવવા લાગ્યા. ક્રિમિનલ્સ ચૂંટણી જીતે એટલે તેમની તાકાત બમણી થઇ જાય છે. એ પછી તો પોલીસ પણ તેમને હાથ અડાડતા પહેલાં સો વખત વિચારે છે. અમુક માફિયાઓનું તો પોતાના વિસ્તારમાં જબરદસ્ત વર્ચસ્વ હોય છે એટલે તે આરામથી ચૂંટણી જીતી જાય છે. સરવાળે રાજકારણમાં જે ફાલ આવે છે એ ફોલી ખાય એવો જ હોય છે. બહેતર એ છે કે તેને પહેલેથી જ રોકવામાં આવે. દુ:ખની વાત એ છે કે કાયદો ઘડવો કે નહીં એ પાછી રાજકારણીઓના હાથની જ વાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં એ તાકાત છે કે તેઓ ગુનેગારો રાજકારણમાં ન આવે તે માટે કડક કાયદો ઘડે. ભાજપનો એવો સતત પ્રયાસ રહે છે કે સારા લોકો રાજકારણમાં આવે. એ ત્યારે જ શક્ય બનશે કે જ્યારે બદમાશ લોકો રાજકારણમાં આવતા બંધ થશે. જોકે, એ ક્યારે થશે અને થશે કે નહીં તે કોઇ કહી શકે એમ નથી. kkantu@gmail.com
અન્ય સમાચારો પણ છે...