તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વોટર એક બેઠક પર બે ચૂંટણીની કિંમત કેમ ચૂકવેે?

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પણા દેશમાં મતદાર એક જ જગાએથી એક જ ઉમેદવારને એક જ મત આપી શકે એવો કાયદો છે. એમાં જો ગરબડ કરે તો એનો કિંમતી મત ગેરવલ્લે જાય. પરંતુ નિયમાનુસાર બહુ સમજીવિચારીને આપેલો બહુમૂલ્ય મત પણ કચરાટોપલીમાં જાય, એવું એક બીજા પ્રકારના સંજોગોમાં થઇ શકે- જો એમણે ચૂંટેલા ઉમેદવારે કોઈ બીજી બેઠક પર લડીને ત્યાં પણ વિજય મેળવ્યો હોય, અને પછી કાયદાનુસાર એ એક બેઠક ખાલી કરે, અને ત્યાં પાછી ચૂંટણી યોજાય. Representation of People Act (RPA), 1951 નું section 33(7) ઉમેદવારને બે જગ્યાએ લડવાની મંજૂરી આપે છે અને એ જ કાયદાનું સેક્શન-70 પાછું સ્પષ્ટતા કરે છે કે બે બેઠક પરથી જીતેલાએ એક ખાલી કરવી પડે.આ કાયદો બનાવનારે શું વિચાર્યું હશે એ તો એ જાણે, પણ લગભગ દરેક ચૂંટણીમાં કોઈને કોઈ ઉમેદવાર આ જોગવાઇનો લાભ લે છે, બે જગ્યાએથી લડીને જીતે છે, પછી એણે છોડેલી સીટ પર ફરીને ચૂંટણી થાય છે. મતદારો પાછા લાઈનમાં ઊભાં રહે, દેશની તિજોરી પર ફરીથી કરોડો રૂપિયાનો બોજ આવે, ફરીથી ત્યાં સલામતિદળોએ ધામા નાખવા પડે, મતદાનના દિવસે ફરીથી કામધંધા ઠપ્પ થઇ જાય.ટૂંકમાં એક વ્યક્તિના ડર કે અહમની કિંમત અનેક લોકોએ ચુકવવાની. ડર એ કે ઉમેદવારને એક જગ્યાએથી હારી જવાનો ભય હોય અને અહમ એટલે પોતે બબ્બે જગ્યાએ જીતી શકે એવું પુરવાર કરવાની ચળ.

આમ તો આ પ્રથા સામે સામાન્ય લોકો જ નહિ, ખુદ ચૂંટણી પંચે એની નારાજગી સત્તાવાર નોંધાવી છે. વર્ષ 2004 અને પછી 2016માં પંચે કેંદ્રસરકારને દરખાસ્ત મોકલેલી કે એક વ્યક્તિને બે બેઠક પરથી લડવાની મંજૂરી આપતો કાયદો રદ કરવામાં આવે. 2004માં તો ઈલેક્શન કમિશ્નરે એવું પણ કહેલું કે બે જગ્યાએથી જીતી ગયેલા ઉમેદવાર એક બેઠક છોડે તો ત્યાં ફરીથી યોજાનારી ચૂંટણીનો ખર્ચ એણે જ આપવો જોઈએ. બંને વાર સરકારે આ પ્રપોઝલ ફગાવી દીધી. પરંતુ હમણાં ફરીથી આ મુદ્દે સુપ્રિમ કોર્ટમાં પિટિશન દાખલ થઇ છે. અને જોવાનું એ કે એક વ્યક્તિને બે બેઠક પર લડવાની માન્યતા આપતા કાયદાને ગેરબંધારણીય ગણવાની અરજી ભારતીય જનતા પક્ષના પ્રવક્તા, એડ્વોકેટ અશ્વિનીકુમાર ઉપાધ્યાયે કરી છે. 27 માર્ચે દાખલ થયેલી પિટિશનની તાબડતોબ સુનાવણી કરવાની વિનંતી જોકે અદાલતે નકારી કાઢી. બીજી તારીખ હજી મળી નથી. અદાલતમાં આ કેસ હાથમાં લેશે ત્યાં સુધીમાં ચૂંટણી પુરી થઇ ગઈ હશે. હવે કૌતુક એ વાતનું છે કે ભાજપના પ્રવક્તાએ આવી પિટિશન શું કામ કરી? એ પક્ષમાં બિગ બોસની મંજુરી સિવાય પાંદડુંયે નથી હલતું, એટલે એક વાત તો નક્કી કે આ પિટિશન કરવાનો આદેશ પણ ઉપરથી જ આવ્યો હશે. પણ શું કામ? આ વખતે રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશના અમેઠી ઉપરાંત કેરળની વાયનાડ બેઠક પર પણ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે, એટલે? પરંતુ આ બાબતમાં ભાગ્યેજ કોઈ પાર્ટીનો રેકોર્ડ ઉજળો છે. જેણે પિટિશન કરી છે એના પક્ષના મહાનુભાવો પણ એવું કરી ચુક્યા છે. ખુદ વડાપ્રધાન મોદી છેલ્લી ચૂંટણી વડોદરા અને વારાણસીથી લડેલા. એ પહેલા 1991માં અડવાણીએ ગાંધીનગર ઉપરાંત નવી દિલ્હીથી ઉમેદવારી નોંધાવેલી અને એ જ ચૂંટણીમાં વાજપેયી લખનઉ અને વિદિશામાંથી લડેલા. એમને કોઈએ ડરપોક નહોતા કહ્યા કારણકે બધાં પક્ષના મોટા નેતાઓ આવું કરતાં આવ્યાં છે. સોનિયા ગાંધી, મુલાયમસિંહ, લાલુપ્રસાદ વગેરે બધાંએ ચૂંટણીમાં બે સીટ પરથી ઉમેદવારી નોંધાવેલી. એક જાય તોયે બીજી તો હાથમાં રહે. આ બધાંય મોટાં માથાં બંને જગ્યાએ જીતેલાં અને પછી જેમણે જીતાડ્યા એ મતદારોના માથે બીજી ચૂંટણીનો બોજ નાખીને ચાલતા થયા. રાહુલ ગાંધીએ રાજકારણમાં પ્રવેશ કર્યો, એ પણ આવી રીતે ખાલી પડેલી સીટ જીતીને. વર્ષ 1999માં સોનિયા ગાંધી કર્ણાટકના બેલ્લારી અને ઉત્તરપ્રદેશના અમેઠી, એ બંને જગ્યાએ ચૂંટણી લડીને જીતી ગયેલા. એમાંથી અમેઠીની સીટ ખાલી કરીને ત્યાં ફરીથી થયેલી ચૂંટણીમાં રાહુલ ગાંધીને ઊભા રાખ્યા, અને ત્યારથી એ સતત જીતતા રહ્યા છે. આ વખતે કોણ જાણે કેમ, એમને વાયનાડમાં કિસ્મત અજમાવવાની ઈચ્છા થઇ. ભાજપવાળા કહે છે કે રાહુલને અમેઠીમાં સ્મૃતિ ઈરાની સામે હારી જવાનો ભય લાગે છે. કોંગ્રેસવાળા કહે છે કે સામ્યવાદીઓનો ગઢ ગણાતા કેરળમાં જીતી જઈને રાહુલજી પુરવાર કરી દેશે કે એમનો પટભાવ ઉત્તરથી દક્ષિણ સુધી છે. એ વાત જુદી કે છેલ્લી બે ચૂંટણીમાં કોંગ્રેસ જ આ બેઠક જીતી ગયેલી. એટલે મોટેભાગે તો રાહુલને ત્યાં વાંધો નહિ આવે. અને અમેઠી તો ઘરનું કહેવાય. 1980માં સંજય ગાંધી અહીંથી જીતી ગયા, ત્યાર બાદ 39 વર્ષમાં કોંગ્રેસે અહીં એક જ વાર હાર જોઈ છે. 1998માં ભાજપના સંજય સિંહે અહીંથી કોંગ્રેસના સતીશ શર્માને હરાવેલા. પણ એ ખુશી ઝાઝી નહોતી ટકી. બીજે જ વર્ષે પાછી ચૂંટણી આવી અને સોનિયાએ અમેઠી સર કરી લીધું.અને પછી એ વારસો રાહુલને મળ્યો. રાહુલના પપ્પાજી રાજીવ ગાંધી અહીં ચારવાર ચૂંટણી જીત્યા છે.

રાહુલે આ રેકોર્ડની બરાબરી કરવાની છે. ગઈ ચૂંટણીમાં એની સામે હારેલા, પણ જબરદસ્ત ફાઇટ આપનારા સ્મૃતિ ઈરાની પાછા સામે આવ્યા છે. જે વાત નરેન્દ્ર મોદી માટે રાષ્ટ્રીય કક્ષાએ કહેવાય છે, એ અમેઠીમાં રાહુલ ગાંધી માટે પણ ચર્ચાય છે કે આ વખતની ચૂંટણીમાં એ ફરીથી જીતશે ખરા પણ જીત બહુ આસાન નહિ હોય. હવે એ કયા મતવિસ્તાર પર બીજી ચૂંટણીનો બોજ નાખીને આવશે?હવે ધારી લ્યો કે સુપ્રીમ કોર્ટ એક ઉમેદવારના બે જગ્યાએ ચૂંટણી લડવાના અધિકારને ગેરબંધારણીય ઠરાવી દે તો એ વખતે જે પણ પક્ષ સત્તામાં હશે, એ માની લેશે? અને આ પિટિશન ભાજપના પ્રવક્તાએ દાખલ કરી છે, મતલબ કોર્ટ ભલે ગમે તે કહે, પણ ભાજપ હવે ભવિષ્યની કોઈ ચૂંટણીમાં એક ઉમેદવારને બે જગ્યાએ ઊભા નહિ રાખવાનું વચન આપણને આપશે?


વર્ષા પાઠક

પત્રકાર અને નવલકથાકાર

અન્ય સમાચારો પણ છે...