ર્ણાટકમાં જે પોલિટિકલ ડ્રામા ચાલી રહ્યો છે તેને બે અઠવાડિયાથી

Div News - the political drama in karnataka is going on for two weeks 062009

DivyaBhaskar News Network

Jul 22, 2019, 06:20 AM IST
ર્ણાટકમાં જે પોલિટિકલ ડ્રામા ચાલી રહ્યો છે તેને બે અઠવાડિયાથી પણ વધુ સમય થઇ ગયો છે. આજે કર્ણાટક વિધાનસભામાં શું થશે એના ઉપર સૌની નજર રહેવાની છે. આમ તો આજે મુખ્યંત્રી કુમારસ્વામી પાસે બહુમત છે કે નહીં એ ફલોર ઉપર સાબિત થઇ જવું જોઇએ, જો કે કર્ણાટક વિધાનસભાના સ્પીકર કે. આર. રમેશકુમારનો કોઇ ભરોસો નહીં! એ જે રીતે કાર્યવાહી લંબાવી રહ્યા છે એ જોઇને અનુમાન બાંધવું અઘરું છે. ગુરૂવારે વિશ્વાસનો મત સાબિત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. સ્પીકરે સાંજ સુધી એક પછી એક બધાની વાતો સાંભળી. મુખ્યમંત્રી કુમારસ્વામી અને કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયાએ એવું કહ્યું કે, ધારાસભાના રાજીનામાનો ઇસ્યૂ હજુ સુપ્રીમમાં છે એટલે બહુમત પરીક્ષણની કામગીરી મુલતવી રાખવામાં આવે. સામા પક્ષે મુખ્યમંત્રી બનવા થનગતના બી. એસ. યેદ્દીયુરપ્પાએ વહેલી તકે પરીક્ષણ કરવાની કામગીરી કરવા કહ્યું. યેદ્દીયુરપ્પાને કુમારસ્વામીએ એવો ટોણો પણ માર્યો કે કેમ બહુ ઉતાવળ છે? વિધાનસભાનો સમય પૂરો થયો એટલે સ્પીકર કામગીરી બીજા દિવસ ઉપર મુલતવી રાખીને ઊભા થઇ ગયા. ભાજપના ધારાસભ્યોએ કહ્યું કે, આજની રાત અમે વિધાનસભામાં જ વિતાવીશું. વિધાનસભા જાણે કોઇ ધર્મશાળા હોય એમ બધા પડ્યા રહ્યા. શુક્રવારે વિધાનસભાની કામગીરી આગળ વધી પણ સ્પીકરે વાત બહુમત સાબિત કરવા સુધી પહોંચવા જ ન દીધી. સાંજ પડી એટલે સ્પીકરે ફરીથી વિધાનસભા એડજોર્ન કરી દીધી. શનિવાર અને રવિવારની રજા હોય એટલે મામલો આજ એટલે કે સોમવાર પર ગયો. આજે હવે જે થાય એ ખરું! ધારાસભ્યોના રાજીનામા પછી આંકડાઓનું જે ગણિત છે એ એવું ચિત્ર સ્પષ્ટ કરે છે કે, કુમારસ્વામીએ બહુમતી ગુમાવી દીધી છે. મુખ્યમંત્રી કુમારસ્વામી એવું કહી ચૂક્યા છે કે, મને સત્તાની કંઇ પડી નથી. જો એ વાત સાચી હોય તો પછી તમે વાત પતાવતા કેમ નથી? સાબિત થઇ જવા દો કે તમારા પક્ષે કેટલા ધારાસભ્યો છે. જો કુમારસ્વામીને બહુમતીની ખાત્રી હોત તો એણે આટલો સમય કાઢવા દીધો જ ન હોત!

કર્ણાટકની ઘટના પછી સ્પીકરની ભૂમિકા સામે સવાલો ઉઠવા સ્વાભાવિક છે. સ્પીકર શાસક પક્ષના હોય છે. આમ તો કોઇ વ્યક્તિની સ્પીકર તરીકે નિમણૂક કરવામાં આવે પછી તેમણે પક્ષાપક્ષીથી દૂર રહી નિષ્પક્ષ રીતે બંધારણ મુજબ કામ કરવું જોઇએ. એ વાતથી કોઇ ઇનકાર ન કરી શકે કે, વિધાનસભા ગૃહમાં સ્પીકર સર્વોપરી હોય છે. કાયદા મુજબ જોઇએ તો એમણે કંઇ ખોટું તો કર્યું જ નથી. કહેવું હોય તો એમ કહી શકાય કે, એમણે કાયદાનો લાભ ઉઠાવ્યો છે. સૌથી પહેલા તો જ્યારે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા ત્યારે તેમણે અમુક રાજીનામા નિયમ મુજબ અપાયા નથી એવું કહીને રાજીનામાનો અસ્વીકાર કર્યો. રાજીનામાનો મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો. સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે, સ્પીકર રાજીનામા વિશે તુરંત નિર્ણય કરે. સુપ્રીમના કહેવા પછી પણ સ્પીકરે કોઇ નિર્ણય ન લીધો. સ્પીકરને સુપ્રીમ કોર્ટ કોઇ આદેશ કરી શકે નહીં. સ્પીકરે એવું ચોક્કસ કહ્યું કે, અમે સુપ્રીમ કોર્ટનું સન્માન કરીએ છીએ. જો કે કામ તો એમણે પોતાની રીતે જ કર્યું. અલબત્ત એમાં પણ સ્પીકરે સુપ્રીમ કોર્ટનો અનાદર કર્યો એવું કહી શકાય એમ નથી. સુપ્રીમ કોર્ટની વાત ન ગણકારનાર સ્પીકરે રાજ્યપાલ વજુભાઇ વાળાની વિનંતીને પણ અવગણી. શુક્રવારે રાજ્યપાલે પહેલા દોઢ વાગ્યા સુધીમાં વિશ્વાસ મતની કામગીરી આટોપવા કહ્યું હતું. બપોર થઇ ગઇ તો પણ કંઇ ન થયું એટલે રાજ્યપાલે બીજી મુદત છ વાગ્યાની આપી. રાજ્યપાલની કામગીરી વિશે એવું કહેવાયું કે, રાજ્યપાલ વિધાનસભાની સ્પીકરને આદેશ ન આપી શકે. આ વાત પણ સાચી તો છે જ. કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા ગુજરાત વિધાનસભાના સ્પીકર રહી ચૂક્યા છે. એમને એ વાતની ખબર જ હોય કે, રાજ્યપાલથી આદેશ ન આપી શકાય. જો કે રાજ્યપાલ વિનંતી તો કરી જ શકે. રાજ્યપાલ આવું શા માટે કરે છે? શું એ કર્ણાટકમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનું ગ્રાઉન્ડ તૈયાર કરે છે? આ બધા સવાલની સાથે એક મહત્વનો પ્રશ્ન એ પણ છે કે, શું કુમારસ્વામી પણ એવું ઇચ્છે છે, કે વાત ભલે વણસતી? એની દાનત પણ એવી જ છે કે, રાષ્ટ્રપતિ શાસન લદાતું હોય તો ભલે લદાય? મારું નહીં થાય તો હું તમારું પણ થવા નહીં દઉ એવી દાનતથી તો બધી રમત રમાઇ રહી નથીને? આમ તો એવું જ લાગે છે કે, સ્પીકર ભલે વિધાનસભાની કાર્યવાહી લંબાવતા. લંબાવી લંબાવીને કેટલી લંબાવશે? આખરે તો એમણે પણ કોઇ નિર્ણય સુધી આવવું જ પડશેને? અગેઇન એક સવાલ એ ઉદભવે કે, સુપ્રીમ કોર્ટને આડે ધરીને બહુમત પરીક્ષણ અટકાવી દે તો? હજુ ઘણું બધું જો અને તો પર નિર્ભર કરે છે. આ બધાની વચ્ચે મુખ્યમંત્રી કુમારસ્વામી અને પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ દિનેશ ગુંડુ રાવે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવીને 17મી જુલાઇએ સુપ્રીમ કોર્ટે આપેલા આદેશ વિશે સ્પષ્ટતા કરવા અપીલ કરી છે. આ અરજીમાં એવું કહેવાયું છે કે, સુપ્રીમ કોર્ટનો આદેશ પાર્ટીના સભ્યોને વ્હીપ આપવાના બંધારણીય અધિકારને આડે આવે છે. એ આદેશમાં સુપ્રીમ કોર્ટે 15 ધારાસભ્યોને વિધાનસભાની કાર્યવાહીમાં હાજરી ન આપવાની છૂટ આપી હતી. કુમારસ્વામીએ રાજ્યપાલે આપેલી સમય મર્યાદા વિશે પણ એવું કહ્યું છે કે, આવું કરીને રાજ્યપાલે વિધાનસભાની કાર્યવાહીમાં બિનજરૂરી દખલ કરી છે. વાત તો કાયદાથી માંડીને કાલા જાદુ સુધી પહોંચી ગઇ છે. ભાજપે મુખ્યમંત્રીના ભાઇ અને મંત્રી એચ.ડી. રેવન્ના સામે એવો આક્ષેપ કર્યો કે, એ વિધાનસભામાં મંત્રેલા લીંબુ લઇને આવ્યા હતા, જેથી સરકાર બચાવવાના આડે આવતા વિધ્નો હટી જાય. કુમારસ્વામીએ તેના જવાબમાં એમ પૂછ્યું કે, કાલા જાદુથી સરકાર બચાવવી શક્ય છે ખરી? એ તો મંદિર જાય છે અને પોતાની સાથે લીંબુ લાવે છે. જો મામલો ગૂંચવાયો તો સરકાર કર્ણાટકમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનું જોખમ લેશે ખરી? સરકાર કોઇ ઉતાવળ કરે એવું તો નથી લાગતું. એનું કારણ એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલી ટર્મમાં બે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદ્યા પછી કેન્દ્ર સરકારે બે વખત ખતા ખાધી છે. કર્ણાટકમાં આવું ન થાય એની પૂરી તકેદારી રાખવામાં આવે એવી પૂરી શક્યતાઓ છે. અરૂણાચલ પ્રદેશમાં રાજકીય ઉથલ પાથલ પછી મુખ્યમંત્રી નબામ તુકીની સરકારને બરખાસ્ત કરી રાષ્ટ્રપતિ શાસન લાદી દેવામાં આવ્યું હતું. કોંગ્રેસ તેની સામે સુપ્રીમ કોર્ટમાં ગઇ હતી. 13મી જુલાઇ 2016ના રોજ સુપ્રીમ કોર્ટે રાજ્યપાલના નિર્ણયને ગેરબંધારણીય ગણાવીને કોંગ્રેસની સરકારને પાછી સત્તા સોંપવાનો આદેશ કર્યો હતો. એ વખતે કેન્દ્ર સરકાર માટે નીચા જોણું થયું હતું.

માર્ચ 2016માં ઉત્તરાખંડમાં વિજય બહુગુણાની આગેવાનીમાં કોંગ્રેસના નવ વિધાયકોએ બળવો પોકાર્યો હતો. તેના કારણે મુખ્યમંત્રી હરીશ રાવતની સરકાર અલ્પમતમાં આવી ગઇ હતી. હરીશ રાવતને વિધાનસભા ફ્લોર પર બહુમતી સાબિત કરવાનો સમય આપવામાં આવ્યો હતો. જો કે વિધાનસભામાં બહુમત સાબિત કરવાનો સમય આવે એ પહેલા જ રાજ્યપાલના રિપોર્ટ અને સરકારની ભલામણના આધારે ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન લાદી દેવાયું હતું. રાષ્ટ્રપતિ શાસનના નિર્ણય સામે રાજ્ય સરકારે ઉત્તરાખંડ હાઇકોર્ટમાં અપીલ કરી હતી. હાઇકોર્ટે આ નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યો. હાઇકોર્ટના નિર્ણય સામે કેન્દ્ર સરકારે સુપ્રીમમાં અપીલ કરી. સુપ્રીમ કોર્ટે પણ કહ્યું કે, રાષ્ટ્રપતિ શાસન ખોટી રીતે લગાવાયું છે. એ પછી ફરીથી હરીશ રાવતને સત્તા સોંપવામાં આવી હતી. કેન્દ્ર સરકારે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં બે વખત ઠોકર ખાધી છે એટલે આ વખતે સરકાર જે કંઇ કરશે એ બહુ સમજી વિચારીને જ કરશે. કર્ણાટકના નાટકનો અંત કેવો હશે એ કહેવું મુશ્કેલ છે. સ્પીકરની કામગીરી અને સુપ્રીમ કોર્ટનો આદેશ ઉપર ઘણો બધો આધાર રહેવાનો છે. આઇડિયલ સ્થિતિ તો એ જ હશે કે, સ્પીકર આજે બહુમત પરીક્ષણ કરાવે, જેનાથી કોણ કેટલા પાણીમાં છે એની ખબર પડી જાય. કર્ણાટકનું કોકડું બને એટલું જલ્દી ઉકેલાય એ જરૂરી છે. [email protected]

X
Div News - the political drama in karnataka is going on for two weeks 062009
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી