કપાસનો પહેલો ફાલ નિષ્ફળ હવે મગફળીનો પાક કોહવાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજયમાં હસ્ત નક્ષત્ર તેના શરૂઆતના દિવસોમાં જ વરસતા કપાસ, મગફળી, કઠોળ અને મકાઇના પાકને નુકસાન થયું છે. ગયા સપ્તાહમાં વરસાદને કારણે કપાસમાં જે પહેલો ફાલ આવ્યો હતો તે પડી ગયો હતો. હવે છેલ્લા બે દિવસના વરસાદને કારણે મગફળી, કઠોળ, મકાઇ, બાજરીના પાકને પણ નુકશાન થયું છે. જો કે, કૃષિ વિભાગ સર્વે કરીને ખેડૂતોને કેટલું નુકસાન થયું છે તેની વિગત જાહેર કરે તેવી માગ કિસાન સંઘે કરી છે. ચોમાસુ મોડુ થતા ખેડૂતોને જે-તે સમયે વાવણી કર્યા બાદ વરસાદ ખેંચાશે તો કઇ હાલત થશે એ ચિંતા કોરી ખાતી હતી. તો હવે વધુ પડતી મેઘમહેર જાણે અમુક પાક માટે કહેર સાબીત થઇ રહી છે અને આ જ રીતે વરસાદ ચાલુ રહેશે તો અતિવૃષ્ટીના લીધે લીલો દુકાળ પડે તો પણ નવાઇ નહીં.

રાજયના કૃષિ વિભાગના આંકડા કહે છે કે, ગુજરાતમાં કપાસના પાકનું 26,65 લાખ હેકટરમાં, મગફળીના પાકનું 15,50 લાખ હેકટરમાં, કઠોળના પાકનું 4 લાખ હેકટરમાં બાજરીના પાકનું 1,72 લાખ હેકટર, ડાંગરનું 8,34 લાખ હેકટર, મકાઇના પાકનું 3 લાખ હેકટરમાં વાવેતર થયું છે. આ વાવેતર થયા પછી કપાસમાં એક ફાલ માટે ઝીંડવા આવી ગયા હતા,પણ ગયા સપ્તાહમાં વરસાદને કારણે ઝીંડવા ખરી જતા, કોહવાઇ જતા કપાસને નુકસાન થયું છે. ઉપરાંત મગફળીનો પાક પણ તૈયાર થઈ ગયો છે. તેને ઉપાડવાનું સરી કરી દેવાયું છે ત્યારે વરસાદના કારણે તૈયાર મગફળી કોહવાઈ ગઈ છે. કઠોળ અને બાજરી તથા જુવારના પાકને 10થી25 ટકા નુકસાન થયું હોવાનું ખેડૂતોનું કહેવું છે.

અન્ય સમાચારો પણ છે...