તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉત્તર ગુજરાતમાં 2014 જેવી મોદી લહેર આ વખતે વર્તાતી નથી.

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્તર ગુજરાતમાં 2014 જેવી મોદી લહેર આ વખતે વર્તાતી નથી. એટલે ભાજપ માટે આ ચાર બેઠકો જાળવી રાખવી મોટો પડકાર છે. પાટીદાર, ઠાકોર અને ચૌધરી મતોનું વર્ચસ્વ ધરાવતી ચારેય બેઠકો પર ભાજપ-કોંગ્રેસે એક જ જ્ઞાતિના ઉમેદવારને ટિકિટ આપી છે. ભાજપ માત્ર નરેન્દ્ર મોદીને પુન: વડાપ્રધાન બનવવાના નામે વોટ માંગી રહી છે તો કોંગ્રેસ બેરોજગારી, પાણી અને મોદી સરકારની નિષ્ફળતાના આધારે વોટ માંગી રહી છે.

મહેસાણા | ગઢમાં ગાબડું મોટો પડકાર
આ બેઠક વર્ષોથી ભાજપનો ગઢ છે. ભાજપે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય સ્વ.અનિલ પટેલના પત્ની શારદાબેન પટેલને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે ચાણસ્મા વિધાનસભા તથા પાટણ જિલ્લા પંચાયતની ચૂંટણી લડી ચૂકેલા એ.જે.પટેલને ટિકિટ આપી છે. તેઓ સામાજિક કાર્યોના લીધે સારી વગ ધરાવે છે. હાર્દિક પટેલની સભાઓ યોજીને કોંગ્રેસ પાટીદાર મતો અંકે કરવાનો પ્રયાસ કરે છે. ભાજપ કોઈ પડકાર નહીં હોવાનું માને છે પણ 2014ની 2 લાખની લીડ આ વખતે મળશે કે કેમ એ પ્રશ્ન છે.

સાબરકાંઠા | ખેડબ્રહ્મા-ભિલોડા નિર્ણાયક
કોંગ્રેસે મોડાસાનાના સિટિંગ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરને ટિકિટ આપતા મુકાબલો બરાબરનો થયો છે. ભાજપે વર્તમાન સાંસદ દીપસિંહ રાઠોડને ફરી તક આપી છે. પાંચ વર્ષમાં દીપસિંહ નિષ્ક્રિય રહ્યા હોવાના આક્ષેપો ભાજપને નડી રહ્યા છે. ભાજપ દલીલ કરે છે કે દીપસિંહે પાંચ વર્ષમાં સાબરકાંઠામાં 18.30 કરોડ અને અરવલ્લીમાં 7.86 કરોડની ગ્રાન્ટ વાપરી છે. જો કે અસંતોષ કોંગ્રેસમાં પણ ઓછો નથી. અરવલ્લીના રાજેન્દ્રસિંહ ઠાકોરને ટિકિટ આપતા સાબરકાંઠાના ધારાસભ્યોમાં કચવાટ છે. એટલે સાબરકાંઠા- અરવલ્લી વચ્ચે મતોનું ધ્રુવીકરણ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. આ સ્થિતિમાં બે આદિવાસી બેઠકો ખેડબ્રહ્મા અને ભિલોડાની લીડ નિર્ણાયક સાબિત થશે. અત્યારે આ બંને બેઠક કોંગ્રેસ પાસે છે.

પાટણ |ભાજપ માટે ‘ઓળખ’નો પ્રશ્ન
પાટણ બેઠક પર ભાજપ માટે કપરા ચઢાણ છે. નવા ઉમેદવાર ભરતસિંહ ડાભીની ઓળખ અને સાંસદ લીલાધર વાઘેલાની નિષ્ક્રિયતા. કોંગ્રેસે આ બેઠક પર પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરને ઉતારી ભાજપને મુશ્કેલી વધારી દીધી છે. કોંગ્રેસમાં અંદરખાને અસંતોષ સળવળી રહ્યો છે. ભાજપના ઉમેદવાર ભરતસિંહ ખેરાલુના છે એટલે તેમના માટે આ વિસ્તાર નવો છે. કેબિનેટમંત્રી દિલીપસિંહ ઠાકોર આ વિસ્તારમાં ભાજપનો ચહેરો છે. મોદી પછી ભાજપ અહીં વોટ માટે તેમના પર નિર્ભર છે. રાધનુપરના એક વેપારી કહે છે કે જીએસટી નોટબંધીની અસર નકારી શકાય નહીં.

બનાસકાંઠા | કોંગ્રેસને ભટોળનો સહકાર
કોંગ્રેસે અહીં ભાજપનું ગોત્ર ધરાવતા બનાસડેરીના પૂર્વ ચેરમેન પરથીભાઇ ભટોળને ટિકિટ આપીને માસ્ટર સ્ટ્રોક માર્યો છે. થરાદના ધારાસભ્ય અને મંત્રી પરબત પટેલ સામે હવે પરથીભાઇનો બરાબરીનો મુકાબલો છે. પરથીભાઇ 24 વર્ષ સુધી બનાસડેરીના ચેરમેન તથા મંત્રી પણ હતા. એટલે સહકાર ક્ષેત્ર પર તેમની સારી પકડ છે. 2017માં ભાજપને માત્ર ડીસા અને થરાદ બેઠક જ મળી હતી. નર્મદાના લીધે હવે રણ પ્રદેશમાં હરિયાળી દેખાય છે. ખેડૂતો આ જાહોજલાલીને સાહેબ (પરબત પટેલ)નો પ્રતાપ ગણાવે છે. પણ વાવમાં સ્થિતિ જુદી છે. અહીંના લોકોએ મંત્રી શંકર ચૌધરીને જાકારો આપ્યા પછી કોંગ્રેસ માટે સ્થિતિ સાનૂકુળ છે.

અન્ય સમાચારો પણ છે...