• Gujarati News
  • 33 વર્ષ બાદ શાળાના સંભારણા યાદ કરતાં NRIઅનેતેમના મિત્રો

33 વર્ષ બાદ શાળાના સંભારણા યાદ કરતાં NRIઅનેતેમના મિત્રો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંકલ ગામના અને યુએસએમાં વસવાટ કરતાં હિતેશભાઈ શાહ શાળા અને મિત્રોની યાદ સતાવતી હતી

ભાસ્કરન્યૂઝ. વાંકલ

માંગરોળતાલુકાના વાંકલ ગામની એન. ડી. દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ યુ. એસ.એમાં વસવાટ કરતાં હિતેશભાઈ શાહ અને તેમની સાથે શાળામાં અભ્યાસ કરી છુટા પડેલા મિત્ર મંડળે 33 વર્ષ પછી માદરે વતન વાંકલ ગામ અને માતૃ સંસ્થા એન. ડી. દેસાઈ હાઈસ્કૂલની મુલાકાત લઈ બાળપણની યાદો તાજી કરી ભાવ વિભોર બની ગયા હતાં.

વાંકલ ગામના ધનાઢ્ય પરિવારમાં જન્મેલા હિતેશભાઈ અરવિંદભાઈ શાહ પોતાના માતા- પિતા પરિવાર સાથે વિદેશમાં વસવાટ કરે છે. પરંતુ તેમણે ધોરણ એકથી દશ સુધી પોતાના વતન વાંકલ ગામે રહી ગામની શાળામાં અભ્યાસ કર્યો હતો. જેમાં 1983માં ધોરણ 10ની પરીક્ષા બાદ સાથે અભ્યાસ કરતાં તેમના તમામ મિત્રો નોકરી ધંધામાં એક બીજથી ઘણા દૂર થઈ ગયા હતાં. ત્રણ દાયકા જેટલા સમય વિતી જતા બચપણના મિત્રો ક્યા રહે છે શું કરે છે અની પણ એક બીજને ખબર હતી. પરંતુ વિદેશમાં વસવાટ કરતાં હિતેશભાઈને તેમના બચપણના મિત્રો ગામ અને શાળાની યાદ સતત સતાવતી હતી.

તેમણે પોતાના વતન આવી સાથે અભ્યાસ કરતાં તમામ મિત્રો સંજયભાઈ મોદી અને મૂળ વાંકલના અને ઉંમરપાડા ગામમાં રહેતા કાશ્મીરા કિર્તીભાઈ શાહનો સંપર્ક કરી તમામ મિત્રોને વાંકલ ગામે ભેગા કરવાનું આયોજન કરાયું હતું. ત્યારબાદ આજના ઝડપી અને વ્યસ્ત યુગમાં પણ વિવિધ શહેરોમાં વસેલા મિત્રો વાંકલ ગામે આવી પહોંચ્યા હતાં. અને વર્ષો પછી તમામમિત્રોનું મિલન થતાં તમામ મિત્રો ભાવ વિભોર અને હર્ષ ઘેલા બની ગયા હતાં અને બચપનની જુની યાદો વાતો તાજી કરી આનંદની અનુભૂતી કરી હતી. ત્યારબાદ તમામ મિત્રોએ વાંકલમાં ધોરણ 1થી 10 ગુજરાતી શાળા અને હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. બંને શાળાઓની મુલાકાત લીધી હતી. અને દાયકાઓ પહેલા ક્લાસરૂમમાં ભણ્યા હતાં તે ક્લાસરૂમોને નજરે નિહાળી બાળપણની યાદોમાં ખોવાઈ ગયા હતાં. તેમણે હાલના આચાર્ય સંજયભાઈ દેસાઈની મુલાકાત લીધી હતી. તમામ વિદ્યાર્થીઓએ માતૃ સંસ્થામાં યોગ્ય પ્રમાણમાં સહયોગ આપવાની ખાતરી આપી હતી. ત્યરાબાદ વિદ્યાર્થી ગ્રુપે રેલવે સ્ટેશન, જીન મંદિર, મસ્જિદની પણ મુલાકાત લીધી હતી અને બે દિવસ સુધી તમામ મિત્રઓએ વાંકલ ગામમાં રહી જૂની યાદોને તાજી કરી હતી. અંતમાં વાંકલ ગામ ખુબ પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવી હતી.

વાંકલ એન. ડી. દેસાઈ હાઈસ્કૂલ માતૃ સંસ્થાની મુલાકાત લેતા ભૂતપૂર્વ વિદ્યાર્થી.