• Gujarati News
  • National
  • રાપર વિખૂટું પડ્યું : નદીના પાણી તથા પુલ પડી જવાથી તમામ માર્ગ બંધ થયા

રાપર વિખૂટું પડ્યું : નદીના પાણી તથા પુલ પડી જવાથી તમામ માર્ગ બંધ થયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અછતગ્રસ્તબનેલો રાપર તાલુકો મંગળવારે અચાનક એકધારા વરસાદના પગલે અતિવૃષ્ટિ જેવી હાલતમાં મુકાઇ ગયો હતો. રાપરને જોડતા તમામ માર્ગો કોઇને કોઇ રીતે અવરોધ સર્જાતાં રાપર કચ્છ અને બનાસકાંઠાથી વિખૂટું પડી ગયું હતું. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવાના કારણે શહેર અને તાલુકાવાસીઓ મુસિબતમાં મૂકાઇ ગયા હતા. પાણી ભરાવાના કારણે એપીએમસીનો રસ્તો તોડવો પડ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે મંગળવારે પડેલા અનરાધાર વરસાદના કારણે લોકો જાણે હેબતાઇ ગયા હતા. રાપર મત વિસ્તારના ધારાસભ્ય પંકજ મહેતાએ અંગે જણાવ્યું હતું કે, વરસાદના પગલે હાઇ-વે સુધી પાણી આવી ગયાં હતાં. વાગડમાં ખાસ કરીને માનગઢમાં લોકો ફસાઇ જવાની ઘટના સવારે ધ્યાનમાં આવી ગઇ હતી. પરિણામે બચાવકાર્ય થઇ શક્યું હતું. જોકે, રાપર શહેર વિખૂટું પડી ગયું હતું, જેમાં ચોબારી ભરુડિયા તરફના માર્ગે બે નદીના પાણી વહી નીકળ્યાં હતાં, જ્યારે ચિત્રોડ અને આડેસરથી રાપરને જોડતા માર્ગ પરના બે પુલ તૂટી જવાના કારણે વાહનવ્યવહાર ઠપ થઇ ગયો હતો. રાપરમાં ભારે વરસાદના સમાચાર મળતાં તેઓ રાપર તરફ જવા નીકળ્યા હતા, પરંતુ ભચાઉથી પરત ફરવું પડ્યું હતું.

મહેતાએ ઉમેર્યું હતું કે, કોટડા ચાંદ્રાણીથી ભચાઉ તરફના માર્ગે પણ ભારે જળરાશિ ફરી વળતાં ભુજ તરફનો વાહનવ્યવહાર ગાંધીધામથી વહેતો થવા માંડ્યો હતો. રાપર શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાવવાની સમસ્યા થઇ હતી અને પાણી દૂર કરવા માટે દીવાલ તોડવા સહિતના પગલાં ભરવાં પડ્યાં હતાં. જોકે, મુસિબતમાં મુકાયેલા વરસાદના અસરગ્રસ્તો માટે રસોડાં પણ શરૂ કરાયા છે.

પાણી ભરાવાના કારણે એપીએમસીનો રસ્તો તોડવો પડ્યો

નર્મદા કેનાલમાં વરસાદી પાણી વહ્યાં

વાગડમાં તૈયાર કરાયેલી નર્મદા કેનાલમાં સરકાર દ્વારા પાણી વહેતાં કરવામાં અનિયમિતતા હોય પણ વરસાદે કેનાલ ભરી નાખી છે. વરસાદી પાણી ખેતરોના માર્ગે કેનાલ સુધી પહોંચ્યા હોવાનું જાણવા મળે છે. પરિણામે કેનાલમાં પમ્પ મૂકનારા ધરતીપુત્રોને સિંચાઇનો સીધો લાભ મળશે. ઉપરાંત પણ સારા વરસાદના કારણે અને ફતેહગઢ તથા સુવઇ મધ્યમ સિંચાઇ યોજનાઓ ઓગની જવાના કારણે પણ પાણીની પળોજણ દૂર થાય તેમ મનાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...