Home » Gujarat » Bhuj » Rapar » નેશનલ બોર્ડ ઓફ વાઈલ્ડલાઈફની મિટિંગમાં નિર્ણય

નેશનલ બોર્ડ ઓફ વાઈલ્ડલાઈફની મિટિંગમાં નિર્ણય

Divyabhaskar.com | Updated - Mar 10, 2018, 06:25 AM

ભચાઉ તાલુકાના રણદ્વીપ ખડીર માટે અત્યંત મહત્વના એવા એકલ-બાંભણકા માર્ગને કેન્દ્રીય વનવિભાગે તાજેતરની સ્ટેન્ડિંગ...

 • નેશનલ બોર્ડ ઓફ વાઈલ્ડલાઈફની મિટિંગમાં નિર્ણય
  ભચાઉ તાલુકાના રણદ્વીપ ખડીર માટે અત્યંત મહત્વના એવા એકલ-બાંભણકા માર્ગને કેન્દ્રીય વનવિભાગે તાજેતરની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂરીની મહોર મારી દીધી છે.ગુજરાતના સૌથી મોટા અભ્યારણ્ય વચ્ચેથી આ માર્ગ બનશે. જેથી ભચાઉથી ખડીર પહોંચવામાં ૯૦ કિલોમીટરનું અંતર ઘટી જશે. બીજી તરફ રણ અભ્યારણયને અડીને આવેલી ખાણ ખોદવાની પણ આ બેઠકમાં પરવાનગી અપાઈ છે.

  નવી દિલ્હી ખાતે વન અને પર્યાવરણના યુનિયન કેબિનેટ મંત્રી ડો. હર્ષવર્ધનની અધ્યક્ષતામાં મળેલી નેશનલ બોર્ડ ઓફ વાઈલ્ડલાઈફની ૪૭ મી બેઠકમાં પર્યાવરણને લગતા મુદ્દે નિર્ણયો લેવાયા હતા. રાજ્ય વનવિભાગે મુકેલા પ્રસ્તાવ પર વિચારણા કરતા એકલ-બાંભણકા માર્ગને મંજૂરી અપાઈ હતી. માર્ગ નિર્માણ દરમ્યાન વાઈલ્ડલાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા સૂચિત માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. કચ્છ રણ અભયારણ્યની ૨૩.૪૦ હેકટર જમીનમાંથી આ માર્ગ ડાયવર્ટ થશે. અભ્યારણ્યમાંથી આ માર્ગ પસાર થતો હોવાથી વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨નું ચુસ્ત પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત વન્યજીવોના રહેઠાણને ખલેલ નહિ પહોંચાડવા દર ૫૦૦ મીટરના અંતરે સ્પીડબ્રેકર મુકવા સાથે અહીં દિવસ દરમ્યાન જ કામ કરી શકાશે. ચીફ વાઈલ્ડલાઈફ વોર્ડનના આદેશ અનુસાર વન્યજીવોની અવરજવર માટે પુલ અને અંડરપાસ બનાવવા સૂચના અપાઈ છે. એકલ બાભણકા માર્ગને મંજૂરી મેળવવા સાંસદ

  ...અનુસંધાન પાના નં.11

  વિનોદ ચાવડા, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ભાજપ અગ્રણી અરજણ રબારી, ભચાઉ તા.પં. કારોબારી ચેરમેન નરેન્દ્ર ગઢવી, એકલ મંદિરના મહંત દેવનાથ બાપુ સહિતનાઓએ જહેમત ઉઠાવી સરકારમાં રજૂઆતો કરી હતી. જેને સફળતા મળતા ખડીરવાસીઓ આનંદિત થઈ ઉઠ્યા હતા. ખડીરમાં હાલ સાત ગ્રામપંચાયતમાં ૧૨ ગામો આવેલા છે. જેને આ રસ્તાથી સીધો ફાયદો થશે, હાલ ભચાઉ આવવા અમરાપર થઈ જવું પડતું હતું.

  આ બેઠકમાં કચ્છના અન્ય એક જ સાઈટના ૪ પ્રસ્તાવને મંજૂરી અપાઈ હતી. કચ્છ રણ અભ્યારણ્યથી ૬ કિલોમીટર દૂર આવેલ રતાડીયા ગામ પાસે લાઇમસ્ટોનની ખાણ માટે પણ લીલી ઝંડી અપાઈ હતી. જેમાં ૪.૫ હેકટરના ત્રણ અને ૨.૩ હેકટરનો એક આમ ચાર પ્રસ્તાવ મુકાયા હતા. કુલ ૧૫.૮ હેકટરમાં ખાણ ખોદવાની મંજૂરી સાથે બોર્ડે શરતો પણ મૂકી છે. જેમાં ખોદકામ કરનાર પર કચરો ફેંકવા, બાંધકામ કરવા, જમીન ભરવા સહિત પર પ્રતિબંધ સાથે ૧૦ મીટરનો ગ્રીનબેલ્ટ બનાવવા અને અભ્યારણયને નુકસાન ન પહોંચાડવા સૂચિત કરાયું હતું.

  ભચાઉથી ધોળાવીરા ૯૦ કિલોમીટર નજીક થઈ જશે !

  રતાડીયા પાસે અભયારણ્ય સમીપે ખાણ ખોદકામને પણ લીલીઝંડી

  હવે ટુંક સમયમાં આ રસ્તાની કાયા પલટ થશે

  ધોળવીરાના હડપ્પનનગર જવું આસાન બનશે

  ભચાઉ તાલુકાના ખડીર પહોચવા હાલ ૧૫૦ કિમીનું અંતર કાપવું પડે છે અને જિલ્લા મથક ભુજથી ૨૨૫ કિલોમીટર દૂર છે. જે માર્ગ બન્યા બાદ ભચાઉ ૬૦ કિમી અને ભુજનું અંતર ૧૩૦ કિમી થઈ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ખડીર રણદ્વીપમાં ધોળાવીરાની વિશ્વ પ્રસિદ્ધ હડપ્પીય સાઈટ આવેલી છે. આ માર્ગ બનતા પ્રવાસનને વેગ મળશે અને વાહનવ્યવહાર સરળ બનશે, સાથોસાથ સમયની બચત થશે.

  રાજ્યનું સૌથી મોટું અભયારણ્ય, અહીંની વનસંપદા પણ અતિ મહત્વની !

  ગ્રેટર રણ ઓફ કચ્છ એટલે મોટા રણમાં 7506.22 ચો. કિમી વિસ્તાર સાથે તે રાજ્યનું સૌથી મોટું અભ્યારણ્ય છે. ફેબ્રુઆરી 1986માં સંરક્ષિત વિસ્તાર તરીકે આ ક્ષેત્ર જાહેર થયું હતું. આ માર્ગને મંજૂરી મળવામાં મોડું થવા પાછળ પર્યાવરણ અને જંગલના મુદ્દાઓ જ મુખ્ય હતા. હવે જ્યારે કેન્દ્રીય વનવિભાગે મંજૂરી આપી દીધી છે, ત્યારે પૂર્વ કચ્છ વનવિભાગની જવાબદારી અત્યંત વધી જાય છે. કારણકે અહીં સુરખાબ,પેલીકન સાથે પ્રવાસી પક્ષીઓ. વરુ, ઝરખ, ચિંકારા, ઘુડખર, જગલી ડુક્કર, શાહુડી, શેરો, લોમડી, લાલ પૂંછડી વાળા સસલા સહિત મહત્વના વન્યજીવો અહીં વસવાટ કરે છે. જેમનું સંરક્ષણ થાય તે તેટલું જ જરૂરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ