Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાપર-ભચાઉ તાલુકામાં વહીવટ પારદર્શક કરવા DDOની મુલાકાત
ભચાઉઅને રાપર તાલુકા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારી બે દિવસીય મુલાકાતે આવ્યા હતા અને કર્મચારીઓને 1 વર્ષ પહેલા સોંપાયેલી કામગીરીનો રિવ્યૂ લીધો હતો.
જિલ્લા વિકાસ અધિકારી સી.જે. પટેલે બુધવારે ભચાઉ તાલુકા પંચાયત હસ્તક ચાલતી શૌચાલય, ઇન્દિરા આવાસ યોજના આંગણવાડીની કામગીરીનો અહેવાલ ચકાસ્યો હતો. તાલુકા પંચાયતની તમામ શાખાઓના કર્મચારીઓને સ્વચ્છ ભારત મિશન પાર પાડવા સખ્ત સૂચના આપી હતી. તેમણે ગુરુવારે રાપર તાલુકા પંચાયતના વણોઇ, વજેપરમાં ચાલતા શૌચાલયના કામોનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ રાપર તાલુકા પંચાયતમાં તલાટી, સરપંચોઅને જિલ્લા તાલુકા પંચાયતના તમામ સદસ્યોની બેઠક બોલાવી હતી. જેમાં ગામ પ્રમાણે શૌચાલયની વિગત મેળવી હતી. રાપર તાલુકામાં તાલુકા પંચાયતની નબળી કામગીરીના લીધે 17 હજાર શૌચાલય બાકી છે. તે તાકીદે પૂર્ણ કરવા જણાવ્યું હતું. ત્યારબાદ તાલુકા પંચાયતના રીઢા થઇ ગયેલા કર્મચારીઓની બેઠકમાં શિક્ષણ, મહેસુલ, વિસ્તરણ, બાંધકામ, ખેતી, નારીગા વગેરે વિભાગોના જવાબદારોનો ઉઘડો લીધો હતો. તાલુકા પંચાયતમાંથી ગુમ થયેલી સર્વિસ બુકો, કચેરીમાં ગેરહાજર રહેતા કર્મચારીઓ, કચેરીમાં ચાલતી દલાલ પ્રથા બાબતે નારાજગી વ્યક્ત કરી સખ્ત કાર્યવાહીની પણ ચેતવણી આપી હતી.
કચેરીમાં ચાલતી દલાલશાહી સામે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, તલાટીઓની અનિયમિતા ચલાવી નહી લેવાય. રાપર તાલુકા પંચાયતમાં રીઢા થઇ ગયેલા અને વર્ષોથી ફરજ બજાવતા કર્મચારીઓને બદલી માટે તૈયાર રહેવા માટે પણ કડક સુચના આપી હતી. જિલ્લા વિકાસ અધિકારી સી.જે. પટેલ સાથે ભચાઉ તાલુકા વિ. અ. ડી.જે. ચાવડા, એ.ટી.ડી.ઓ. રીઝવાન, TDO બી.કે. જોશી, કિશોર હાલા, એલ.એન. જાડેજા, તા. પં. પ્રમુખ જયદીપસિંહ જાડેજા, ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખ શિતલબેન છાંગા ,ટી.જે. ઠાકોર હાજર રહ્યા હતા.