શિક્ષિકાએ આચાર્ય સામે મુકયો જાતિય સતામણીનો આરોપ
માંડવી તાલુકાના એક ગામની શાળામાં ફરજ બજાવતી શિક્ષિકાએ તેની ગ્રુપ શાળાના આચાર્ય વિરુધ્ધ જાતિય સતામણીના ગંભીર આરોપ લગાવી હવે મારી પાસે આપઘાત કે આત્મ વીલોપન કરવા સિવાય કોઇ છુટકો નથી તેવી ગર્ભિત ચીમકી આપતાં શિક્ષણજગતમાં ભારે ચકચાર મચી ગઇ છે.
ગત 31મી જાન્યુઆરીના રોજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને ઉદ્દેશીને મોકલેલી લેખીત અરજીમાં આ શિક્ષિકાએ ગૃપ શાળાના આચાર્ય સામે આરોપ કર્યો છે કે, તે તેની સમક્ષ બિભત્સ માંગણી કરી રહ્યા છે. જો તેને વશ ના થાય તો તેનું અપહરણ કરી ખરાબ હાલત કરવાની અને મારી નાખવાની ધાકધમકી કરતા હોવાનો પણ આક્ષેપ મુકયો હતો. મહિલા શિક્ષિકાએ આચાર્યની ધાકધમકીના પૂરાવારૂપે ઑડિયો રેકોર્ડિંગ તેની હોવાનું જણાવ્યું હતું.
આચાર્યની આવી કરતુતો અંગે આ શિક્ષિકાએ માંડવીના પીએસઆઈ સોનારાને પણ મૌખિક રજૂઆત-ફરિયાદ કરી હતી.આ શિક્ષિકા મૂળ ઉત્તર ગુજરાતની વતની છે. તેની 2014માં રાપર ખાતે બદલી પણ થઈ હતી. પરંતુ, શાળામાં મહેકમ ઘટ હોઈ તેને આજ દિન સુધી છુટ્ટી કરાઈ નથી. શિક્ષિકાએ આ બનાવમાં આચાર્ય સામે પગલાં લેવા અને પોતાને જીવનું જોખમ હોવાનું જણાવી રાપર જવા માટે અહીથી છુટી કરવાની પણ માંગણી કરી છે.
અરજી અનુસંધાને કેળવણી નિરીક્ષકને તપાસ સોંપી અહેવાલ મંગાવ્યો છે: ડીપીઇઓ
આ બાબતે પ્રાથમિક શિૅક્ષણ અધિકારી સંજય પરમારને પુછતાં તેમણે અરજી મળી હોવાનું જણાવી બનાવને ગંભીરતાને જોતાં કેળવણી નિરીક્ષકને તપાસ સોંપાઇ છે. તપાસનો રીપોર્ટ આવ્યા બાદ ધોરણસરના પગલાં લેવામાં આવશે તેમ જણાવ્યું હતુ઼.