• Home
  • Gujarat
  • Bhuj
  • Rapar
  • રાપરની 12 બેઠક બિનહરીફ થયા બાદ 16 બેઠક માટે યોજાઇ ચુંટણી: 1 બુથ પર EVM ખોટકાયું

રાપરની 12 બેઠક બિનહરીફ થયા બાદ 16 બેઠક માટે યોજાઇ ચુંટણી: 1 બુથ પર EVM ખોટકાયું

ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બનેલ રાપર નગરપાલિકાના 5 વોર્ડની 16 બેઠક માટે ઉત્સાહવર્ધક માહોલમાં 61.25 ટકા...

DivyaBhaskar News Network | Updated - Feb 18, 2018, 04:35 AM
રાપરની 12 બેઠક બિનહરીફ થયા બાદ 16 બેઠક માટે યોજાઇ ચુંટણી: 1 બુથ પર EVM ખોટકાયું
ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બનેલ રાપર નગરપાલિકાના 5 વોર્ડની 16 બેઠક માટે ઉત્સાહવર્ધક માહોલમાં 61.25 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. રાપરમાં પણ સોમવારે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

રાપર નગરપાલિકા ની ચૂંટણીને અનુલક્ષીને રાપર શહેરના તમામ બુથો પર ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જેનું મોનિટરીંગ ઈન્ચાર્જ જિલ્લા પોલીસ વડા રાકેશ દેસાઈના માર્ગદર્શન તળે નાયબ પોલીસ અધિક્ષક પ્રમોદ દાયરા, પોલીસ ઈન્સ્પેક્ટર વી. પી જાડેજા, તથા સ્ટાફે સંભાળ્યું હતું. તો ઓબઝર્વર તુષાર ધોળકિયા, રીટનીંગ ઓફિસર અને અંજારના પ્રાંત અધિકારી વિજય રબારી, નાયબ મામલતદાર મહેશ ઠક્કર, ડી. પી. રાઠોડ સહીતના સ્ટાફે મતદાન પ્રક્રિયા પાર પાડી હતી.

મુંબઈ, ભુજ, ગાંધીધામ, અંજાર, રાજકોટ, સુરત, અમદાવાદ સહિતના વિસ્તારોમાંથી લોકો મતદાન કરવા માટે માદરે વતન રાપરમાં ઉમટી પડયા હતા. સવારે વોર્ડ નંબર એક અને સાત નંબરના બુથો પર ભીડ જોવા મળી હતી, તો વોર્ડ નંબર ત્રણની એક માત્ર બેઠક પર મતદાન થયું હતું. જેમાં બપોરે બાર વાગ્યા સુધી જોરદાર મતદાન થયું હતું અને ત્યારબાદ એકલદોકલ મતદારો મતદાન કરવા આવતા જોવા મળ્યા હતા.

તો સૌથી વધુ ભીડ વોર્ડ નંબર છના સરસ્વતી કન્યા વિદ્યાલયના મતદાન કેન્દ્ર ખાતે શરૂ થયેલા મતદાન મથકો પર મતદારોની ભીડ જોવા મળી તો વોર્ડ નંબર ચારમાં પણ બપોર સુધી સારું મતદાન થયું હતું. વૃધ્ધ અને અપંગ મતદારો પણ હોંશભેર મતદાન કરવા ઉમટી પડયા હતા.

ભાજપ ને અગાઉ સાત બેઠકો બિનહરીફ મળી છે તો વોર્ડ એક, ચાર અને સાતમાં વિજયના વિશ્ચાસ સાથે નગરપાલિકામાં ભાજપનું શાસન ફરી આવશે તેવું ઈન્ચાર્જ અંબાવીભાઈ વાવીયા અને જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ

...અનુસંધાન પાના નં.11

લક્ષ્મણસિંહ સોઢાએ જણાવ્યું હતું. તો 5 બેઠક બિનહરીફ કબજે કર્યા બાદ નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવતું હોવાનું અગ્રણી ભચુભાઈ આરેઠીયા એ જણાવ્યું હતું.

ભચાઉ પાલિકા માટે 63.8, તો રાપરમાં 61.25 ટકા મતદાન

ત્રીજા વોર્ડમાં ઓછા મતદાને જગાવી ચર્ચા

વોર્ડ નંબર 3 .માં કૉંગ્રેસ ના દિગજ ઉમેદવાર પુંજા ગેલા ચૌધરી ઉભેલા હોઈ લોકો ને તે વોર્ડ માં જંગી મતદાન ની આશા હતી પણ સૌથી ઓછું મતદાન તે વોર્ડ માં થયું હતું અને અત્યાર સુધી રાપર માં યોજાયેલી નગરપાલિકા ઓ ની ચૂંટણી ના ઈતિહાસ માં સૌથી ઓછું વોટિંગ થતાં તે ચર્ચાનો વિષય બન્યો હતો.

વોર્ડવાર મતદાન

વોર્ડ 1 72.98

વોર્ડ 3 43.46

વોર્ડ 4 70.32

વોર્ડ 6 61.41

વોર્ડ 7 68.25

ભચાઉની 28 બેઠકોના ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ : સવારે મતદાનમાં ધીમી ગતી

ભાસ્કર ન્યૂઝ.ભચાઉ

ભચાઉ નગરપાલિકાના 7 વોર્ડના 28 સભ્યો ચુંટવા માટે શનિવારે શાંતિપુર્ણ માહોલમાં ચુંટણી પ્રક્રિયા સંપન્ન થઇ હતી. નગરપાલિકાની ચૂંટણીમાં શાંતિપુર્ણ માહોલ વચ્ચે 63.8 ટકા જેટલું ઉત્સાહવર્ધક મતદાન થયાનું તંત્રના સતાવાર સુત્રોમાંથી જાણવા મળ્યું હતું.

શનિવારે ઉમેદવારોનું ઇવીઅેમમાં કેદ થયેલું ભાવિ હવે સોમવારે ખુલશે ત્યારે મતદાન સંપન્ન થયા બાદ બન્ને પક્ષોએ પોતા તરફી મતદાન થયાનું જણાવી વિજયનો દાવો કર્યો હતો. સવારે 8 વાગ્યાથી શરૂ થયેલી મતદાન પ્રક્રીયામાં શરૂઅાતના સમયગાળામાં મતદાનની ગતિ ધીમી રહ્યા બાદ દિવસ ચડતાં તેમાં વેગ આવ્યો હતો. મતદાન પ્રક્રિયાને પાર પાડવા માટે 29 મતદાન મથક ઉભા કરાયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વાહનો મારફત મતદારોને મતદાન મથક સુધી ખેંચી લાવતા જોવા મળ્યા હતા.

હાલ ભાજપના શાસન વાળી આ નગરપાલિકામાં ભાજપે સતાનું સિંહાસન જાળવી રાખવા તો કોંગ્રેસે ભાજપના ગઢમાં ગાબડું પાડી સતા હાંસિલ કરવા એડીચોટીનું જોર લગાવ્યું હતું. ચૂંટણી અધિકારી નવલદાન ગઢવીની આગેવાનીમાં મામલતદાર એચ. કેે. વાઘાણી, તેમજ તેમની ટીમે કામગીરી પાર પાડી હતી. તો પી.આઇ. ગોઢાણિયા સહિતનો પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં તૈનાત રહ્યો હતો.

5મા વોર્ડમાં સૌથી વધુ, પહેલા વોર્ડમાં ઓછું મતદાન

નગરપાલિકાના 7 વોર્ડ પૈકી 5મા વોર્ડમાં સૌથી વધુ 69.57 ટકા જયારે સૌથી ઓછું પહેલા વોર્ડમાં 54.99 ટકા મતદાન નોંધાયું હતું. 22868 પૈકી 8300 મતદારો મતદાન કરવાથી દુર રહ્યા હતા.

મુંબઇથી પણ મતદારો પવિત્ર ફરજ નિભાવવા પહોંચ્યા

મુંબઇ તેમજ અન્ય વિસ્તારમાં રહેતા ભચાઉવાસીઓ લોકશાહીના મહાપર્વમાં પોતાના મતની આહુતિ આપવા માટે ખાસ આવી પહોંચ્યા હતા. અને મતદાનની પોતાની પવિત્ર ફરજ નિભાવી હતી.

કયાંક મશીન બગડ્યા, કયાંક મોડા પડયા

ભચાઉ શહેરમાં આજે સવારે એક વોર્ડ સુધી સત્તાવાળાઓ ઇવીએમ મશીન જ પહોંચાડી શક્યા ન હતા. આ માટે એવું બહાનું આપવામાં આવ્યું હતું કે, રસ્તામાં ખાડાઓ હોવાથી વાહન પહોંચી શક્યું ન હતું. તો વોર્ડ નંબર 4માં એક ઇવીએમમાં 6 નંબરનું બટન જ કામ કરતું ન હોવાને કારણે બપોરે 12.41 વાગ્યે તેને બદલવામાં આવ્યું હતું.

X
રાપરની 12 બેઠક બિનહરીફ થયા બાદ 16 બેઠક માટે યોજાઇ ચુંટણી: 1 બુથ પર EVM ખોટકાયું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App