• Gujarati News
  • National
  • ગાગોદર પાસે નિર્માણાધિન નર્મદા કેનાલમાં ગાબડાંની ભિતી

ગાગોદર પાસે નિર્માણાધિન નર્મદા કેનાલમાં ગાબડાંની ભિતી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાપર તાલુકાના ગાગોદર ગામ પાસે બની રહેલી નર્મદા કેનાલમાં ખારી રેતીનો ઉપયોગ થતો હોવાથી તેમજ કામ પણ નબળું હોવાના કારણે ભવિષ્યમાં કેનાલમાં ગાબડાં પડી જશે તેવી ભીતિ દર્શાવતા ગ્રામજનોએ આ દિશામાં યોગ્ય પગલાં ભરવાની માગ કરી છે અને જો તેમ નહિ થાય તો કલેક્ટર કચેરી સામે અનશન શરૂ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

આ અંગે કલેક્ટર સમક્ષ કરાયેલી રજૂઆત મુજબ હાલે કેનાલનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે પણ નબળી ગુણવત્તાનો માલ સામાન વાપરવામાં આવી રહ્યો છે. ગ્રામજનોએ આક્ષેપ કરતાં ઉમેર્યું હતું કે, બાંધકામમાં ખારાશવાળી રેતીનો ઉપયોગ થઇ રહ્યો છે જેના કારણે ભવિષ્યમાં કેનાલમાં ગાબડા પડવાની ભીતિ સતાવે છે.

સીમમાં પેટા કેનાલનું કામ કરતા ઠેકેદારો અને સરપંચની મીલીભગતથી ગાગોદર પુલની બાજુમાં નદીમાંથી ટ્રેક્ટર અને ડમ્પર મારફતે ખારી રેતીને ઉપાડીને બાંધકામમાં વાપરવામાં અવી રહી છે. રેતી સ્થાનિકેથી ઉપાડીને રોયલ્ટી બનાસકાંઠાની બતાવાય છે તેવો આક્ષેપ રજૂઆતમાં કરાયો છે.

ગામના શામજી કલા મકવાણા, બાબુ જીવા રાઠોડ, નરશી કેયણા પરમાર, માવા કારા અને પથા ભૂરા ગારયાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, આમ રોયલ્ટીની બેફામ ચોરી થઇ રહી છે. જો બાંધકામમાં ખારી રેતીનો વપરાશ બંધ નહિ કરાય તો ના છૂટકે કલેક્ટર કચેરી સામે ઉપવાસ આંદોલન છેડવું પડશે તેવી ચીમકી તેમણે પોતાની રજૂઆતમાં ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...