રાપરમાં 23 વર્ષ પહેલાં સ્થપાયેલી ચેમ્બર ઓફ કોમર્સમાં દર વખતે સર્વ સંમતિથી હોદ્દેદારોની વરણી કરાતી હતી પણ આ વખતે વેપારીઓની સંસ્થામાં પ્રથમવાર ચૂંટણી યોજાઇ હતી જેમાં મુકેશ ઠક્કરને સૌથી વધુ મત મળતાં પ્રમુખનો તાજ તેમને પહેરાવાશે તેમ સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.
ચાલુ વર્ષે પણ ચૂંટણી વિના સર્વસંમતીથી પ્રમુખની વરણી થાય તેવા આશય સાથે મોડી રાત સુધી ચેમ્બરની બેઠક યોજાઇ હતી પણ તમામ મંત્રણાઓ નિષ્ફળ રહેતાં આખરે ચૂંટણી યોજવાનો નિર્ણય લેવાયો હતો. 65 સભ્યો સાથેની આ સંસ્થાના 3 સભ્ય ગેરહાજર રહેતાં 62 વેપારીઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણીનું પરિણામ જાહેર ન કરવા સમિતિએ નિર્ણય લીધો હતો પણ અત્યંત આધારભૂત સૂત્રોનું માનીએ તો મુકેશ ઠક્કરને સૌથી વધુ 25 મત મળતાં પ્રમુખ પદ માટે નિશ્ચિત માનવામાં આવી રહ્યા છે. તેમના હરીફ શૈલેન્દ્ર શાહને 23 તેમજ દિનેશ સોનીને 13 જેટલા વોટ મળ્યા હોવાનો દાવો સૂત્રોએ કર્યો હતો.
અત્યાર સુધી રાપર ચેમ્બરના પ્રમુખપદે માજી ધારાસભ્ય અને જિલ્લા ભાજપના માજી પ્રમુખ પંકજ મહેતાના ભાઇ પ્રકાશ મહેતા જ રહ્યા હતાં. તેમના જૂથના દિનેશ સોનીનો ત્રીજો નંબર આવતા રાપરના રાજકારણમાંથી મહેતા પરિવારનો એકડો નીકળી રહ્યો હોવાનો ચિત્ર ઉભું થઇ રહ્યું છે.