Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Rapar » આ ગામોમાં પાણી વિતરણની જવાબદારી ભચાઉની હોવાથી રાપર પાણી પુરવઠા કચેરીએ હાથ ઉંચા કર્યા

આ ગામોમાં પાણી વિતરણની જવાબદારી ભચાઉની હોવાથી રાપર પાણી પુરવઠા કચેરીએ હાથ ઉંચા કર્યા

Divyabhaskar.com | Updated - Mar 15, 2018, 03:25 AM

રાપર તાલુકાના માણાબા પટ્ટીમાં આવતાં 10થી 12 ગામો અને નાની મોટી વાંઢોના લોકો માટે પાણીના એકમાત્ર સ્રોત સમાન...

  • આ ગામોમાં પાણી વિતરણની જવાબદારી ભચાઉની હોવાથી રાપર પાણી પુરવઠા કચેરીએ હાથ ઉંચા કર્યા
    રાપર તાલુકાના માણાબા પટ્ટીમાં આવતાં 10થી 12 ગામો અને નાની મોટી વાંઢોના લોકો માટે પાણીના એકમાત્ર સ્રોત સમાન તળાવોમાં જળ દુષિત થઇ જતાં વીરડા ખોદીને પાણી ઉલેચવું પડે છે અને તે પણ ગંદું આવતું હોવાથી ગાળીને પીવા માટે મજબૂર બન્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ આ ગામોમાં પાણી વિતરણની જવાબદારી ભચાઉ પાણી પુરવઠા કચેરીની છે તેવું જણાવીને રાપરના પાણી પુરવઠા બોર્ડ દ્વારા હાથ ઉંચા કરી દેવાય છે. તંત્ર દ્વારા થતી જવાબદારીની ફેંકાફેંકમાં પાણી જેવી પ્રાથમિક સુવિધા માટે વલખાં મારતા લોકો એકાદ માસમાં નાછૂટકે હિજરત કરવાની ભીતિ દર્શાવી રહ્યા છે.

    માણાબા, કુંભારિયા, ભીમદેવકા, પેથાપર જેવા મોટા ગામો અને 10થી 12 નાની મોટી વાંઢો માટે બે તાલુકાની પાણી પુરવઠા યોજનાઓ છે પણ ખાટલે મોટી ખોડ હોય તેમા છેલ્લા કેટલાક સમયથી વાંકે પાણી વિતરણ કરાતું નથી જેના પગલે ગ્રામજનોને વીરડા ગાળીને પાણી પીવાની નોબત આવી છે. સામખિયાળીથી શિવલખા પાણી યોજનામાં સમાવિષ્ટ આ ગામોને વિતરણની જવાબદારી ભચાઉની કચેરીની છે. તો શિવલખા સમ્પમાંથી રાપર, કીડિયાનગર અને આડેસરને પાણી પૂરું પાડવામાં આવે છે.

    559 અને 508 નંબરની બે મુખ્ય લાઇનો વાટે પાણી વિતરણ કરાય છે. જેમાં 559 નંબરની લાઇનમાં અગાઉ કુંભારિયા અને માણાબાની આસપાસના ગામોનો સમાવેશ કરાયો હતો પણ આ ગ્રામ્ય વિસ્તારોનું જોડાણ 508 નંબરની લાઇનમાં આપી દેવાતાં પાણી મળવાનું બંધ થઇ ગયું છે. અધૂરામાં પૂરું જ્યારે પાણી પૂરતી માત્રામાં આવે છે ત્યારે કુંભારિયાના લોકો તેને તળાવમાં વાળી દે છે તેવા આક્ષેપ કેટલાક ગ્રામજનોએ કર્યા હતા.

    માણાબાના સરપંચ અકબરભાઇએ જણાવ્યું હતું કે, આ ગંભીર સમસ્યા બાબતે સંબંધિત તંત્રો સમક્ષ અવાર નવાર રજૂઆત કરાઇ છે જેના પ્રત્યુત્તરમાં માત્ર હૈયાધારણજ મળી છે. પાણી યોજના શિવલખાની છે જે ભચાઉ તાલુકામાં હોતાં રાપરની કચેરી હાથ ઉંચા કરી આપે છે. આ સંજોગોમાં ભચાઉની કચેરી પાસે ટેન્કરની માગણી કરાય તો ટેન્કર નથી તેવા જવાબ આપી દેવાય છે તેવો આક્ષેપ તેમણે કર્યો હતો.

    માણાબા પટ્ટીના 12 ગામો વીરડાનું દુષિત પાણી ગાળીને પીવા મજબૂર

    હાઇવે હોટેલ અને ખેતરો માટે પાણી ચોરીનો આક્ષેપ

    ગ્રામજનોએ કરેલા આક્ષેપ મુજબ સામખિયાળીથી 28 એમએલડી પાણી છોડાય છે જે ચિત્રોડ સુધ પહોંચતા 10 અેમએલડી થઇ જાય છે. આ બે ગામો વચ્ચે આવેલી હાઇવે હોટેલો અને રોડટચ ખેતરો માટે બેફામ પાણી ચોરી થાય છે. આમ થવાના કારણે કુંભારીયા સુધી પાણી પહોંચતું ન હોવાથી ગામનો 1 લાખ લિટરનો ટાંકો ખાલીજ રહે છે.

    ઉકેલ : 559 નંબરની લાઇનમાંથી પાણી આપો

    પાણીની કારમી તંગી ભોગવી રહેલા આ ગામોનું જોડાણ બદલાયું છે ત્યારથી સમસ્યા પેદા થઇ છે. લોકોના જણાવ્યા મુજબ અગાઉ 559 નંબરની લાઇનમાં કનેક્શન હતું તેને પુન: જોડી દેવાય તો નિરાકરણ આવી જાય તેમ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending