• Gujarati News
  • ત્રણ વર્ષ બાદ પુરવઠા અધિકારી નિમાયા : અછત ના. કલેક્ટર મૂકાયા

ત્રણ વર્ષ બાદ પુરવઠા અધિકારી નિમાયા : અછત ના. કલેક્ટર મૂકાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યનામહેસૂલ વિભાગે કચ્છના વહીવટી તંત્રમાં ફેરફારો થાય તે રીતે બદલીઓ કરાઇ છે. જિલ્લા પુરવઠા અધિકારીની જગ્યા અંદાજે 3 વર્ષના લાંબા સમયગાળા બાદ કાયમી અધિકારીથી ભરવામાં અાવી છે. કચ્છના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવતા ઇન્દ્રજિતસિંહ વાળાને ડિસ્ટ્રીક્ટ સપ્લાય ઓફિસર (ડીએસઓ) બનાવાયા છે. સાથે-સાથે તેમની જૂની જવાબદારી એટલે કે, નાયબ ચૂંટણી અધિકારીની જવાબદારી હવે ઇન્ચાર્જ તરીકે બજાવવાની રહેશે, તો અછતની સ્થિતિ ભોગવી રહેલા કચ્છના કેટલાક ભાગો માટે મહત્ત્વની એવી અછત નાયબ કલેકટરની જગ્યા પણ પૂરાઇ છે. ઉપરાંત ભુજ, અંજાર અને મુન્દ્રાના મામલતદારની બદલીઓનો હુકમ પણ કરાયો છે.

મળતી સત્તાવાર માહિતી પ્રમાણે, મહેસૂલ વિભાગ દ્વારા નાયબ કલેક્ટર સંવર્ગ-1 અને મામલતદાર સંવર્ગના અધિકારીઓની ગુરુવારે બદલીઓ કરાઇ હતી, જેમાં કચ્છના 4 અધિકારીનો સમાવેશ થયા છે. જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી તરીકે કાર્યરત આઇ.આર. વાળાને કચ્છમાં જિલ્લા પુરવઠા અધિકારીની જવાબદારી સોંપવામાં આવી છે અને ચૂંટણીનો વધારાનો હવાલો સોંપાયો છે. ઉલ્લેખનીય છે કે, પુરવઠા ખાતામાં સ્ટાફની અછત ઉપરાંત અધિકારી હોવાના કારણે વિભાગની કામગીરી લગભગ મંદ પડી ગઇ હતી. પુરવઠાની રેડ કરનારા કર્મચારીઓને કલેક્ટર ઓફિસમાં પીએ જેવી કામગીરીમાં જોતરી દેવાયા છે.

ઉપરાંત અછત નાયબ કલેક્ટરની ખાલી જગ્યા પર પાટણના પ્રાંત અધિકારી બી.કે. જોષીને મૂકવામાં આવ્યા છે, જ્યારે ભુજના મામલતદાર કે.પી. શાહને સ્વવિનંતીથી પાટણમાંથી ભાગ પડેલા સરસ્વતી તાલુકાના મામલતદાર તરીકે મૂકવામાં આવ્યા છે, તેમની જગ્યાઅે અમરેલીના લાઠીથી વી.જે. આઇયાને, જ્યારે અંજાર મામલતદાર તરીકે બનાસકાંઠાના વાવના મામલતદાર એ.ટી. રાઠીને અને મુન્દ્રામાં છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટના મામલતદાર વી.એન. રબારીને મૂકીને જગ્યાઓ ભરવામાં આવી છે.