• Gujarati News
  • બારોઇવિસ્તારની સોસાયટીમાંથી વહી નીકળતાં વરસાદી પાણીનો સંગ્રહ કરતી નાગતલાવળી

બારોઇવિસ્તારની સોસાયટીમાંથી વહી નીકળતાં વરસાદી પાણીનો સંગ્રહ કરતી નાગતલાવળી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારોઇવિસ્તારની સોસાયટીમાંથી વહી નીકળતાં વરસાદી પાણીનો સંગ્રહ કરતી નાગતલાવળી પાસેના જાહેરમાર્ગ પર પાણીની લાઇન નાખતાં ઠેકેદારોના પાપે ગટરલાઇન ક્ષતિગ્રસ્ત થતાં તલાવડી ગટરમાં ફેરવાઇ છે. વધારામાં જાહેરમાર્ગ પર લાઇન તૂટતાં કુંભારવાળાના રહેવાસીઓ માટે અવરજવરનો માર્ગ અવરોધાયો હોવાથી રહેવાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠયા છે.
કુંભારવાડો, વત્સલપાર્ક, નિર્મલપાર્ક, અંબિકાનગર, વર્ધમાનનગર, વૈભવપાર્ક સહીતની સોસાયટીઓમાં રહેણાકો ધરાવતા લોકો માટે તલાવડીમાં જમા થયેલું બદબુ મારતું પાણી અસહ્ય બન્યું હોવાની રાડ ઉઠી છે. ચાર દિવસથી ખુલ્લામાં વહી નીકળેલું ગટરનું પાણી અને તેના પર વધેલો મચ્છરોનો ઉપદ્રવ રોગચાળાને ઇંજન આપતો હોવાનું સ્પષ્ટ જણાઇ આવે છે. જો હજી પણ વરસાદ થાય તો ગંદૂ પાણી આસપાસની કોલોનીઓમાં વહી નીકળવાની પરિસ્થિતિ નિર્માણ પામી છે, ત્યારે લોકો સ્થાનિક ગ્રામપંચાયત પાસે સમસ્યાનું નિવારણ ઇચ્છી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં ઠેક ઠેકાણે પાણી અને ગટરની લાઇન ખોદતાં કોન્ટ્રાક્ટરો ખાડો કર્યા બાદ તેના પર માટીની લીંપાપોતી કરી ગયા હોવાથી વરસાદમાં સમગ્ર શહેરમાં ગંદકીના ગંજ ખડકાયા છે. પરિસ્થિતિમાં કોન્ટ્રાક્ટરો સાથે કુંણું વલણ ધરાવતી પંચાયતના સતાધીશોને ભ્રષ્ટાચારનો એરુ આભડી ગયો હોવાનો સૂર વહેતો થયો છે. નાગતલાવડીની ક્ષતિગ્રસ્ત ગટરલાઇન અંગે ઠેકેદાર પ્રશાંત પટેલનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે લાઇન મરંમત કરતાં અઠવાડિયાનો સમય નીકળી જવાની મજબૂરી વ્યક્ત કરી હતી.
મુન્દ્રાની નાગતલાવડી પાસે ગટરલાઇન તૂટી