• Home
  • Gujarat
  • Bhuj
  • Mundra
  • વાલીઓ પણ વિદ્યાર્થીને સલાહ આપી માનસિક દબાણ ન લાવે

વાલીઓ પણ વિદ્યાર્થીને સલાહ આપી માનસિક દબાણ ન લાવે

‘વિદ્યાર્થીના જીવનમાં બોર્ડની પરીક્ષાનો પ્રથમ અનુભવ એસ. એસ. સી.થી થાય છે, જેથી કાલ્પનિક ડર લાગે છે, પરંતુ હતાશ...

DivyaBhaskar News Network | Updated - Mar 05, 2018, 03:15 AM
વાલીઓ પણ વિદ્યાર્થીને સલાહ આપી માનસિક દબાણ ન લાવે
‘વિદ્યાર્થીના જીવનમાં બોર્ડની પરીક્ષાનો પ્રથમ અનુભવ એસ. એસ. સી.થી થાય છે, જેથી કાલ્પનિક ડર લાગે છે, પરંતુ હતાશ થવાની જરૂર નથી.’ એવું મુન્દ્રા અદાણી ફાઉન્ડેશનના કરસન ગઢવીએ વિદ્યાર્થીઓને ટિપ્સ આપતા પહેલા જણાવ્યું હતું.

તેમણે વિષયની પૂર્વ ભૂમિકા બાંધતા કહ્યું હતું કે, મને પણ બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થતા જ વિદ્યાર્થીઓ ડરી જતા હોય છે. હું પણ ડરી ગયો હતો. કેમ કે, ઘરમાં વાલીઓ પણ વિદ્યાર્થીને પરીક્ષા પાસ કરવા સલાહનો દોર શરૂ કરીને માનસિક દબાણ વધારી દેતા હોય છે. બોર્ડની પરીક્ષાની જાહેરાત એ કાંઇ વિદ્યાર્થીને ડરાવવા માટે નથી હોતી, પરંતુ વિદ્યાર્થી પરીક્ષા સફળતાપૂર્વક પાર પાડે તે માટે વ્યવસ્થિત આયોજન કરવા તેમને અગાઉથી પૂરતો સમય આપવાનો હેતુ હોય છે.

અભ્યાસમાં મન લગાડવા ચિંતામુક્ત બનો

ચિતા મરેલા માનવીને બાળે છે, પરંતુ ચિંતા તો જીવતા માનવીને પણ રોજેરોજ બાળી નાખે છે. કેમ કે, ચિંતાથી મન અશાંત બની જાય છે અને અશાંત મનથી અભ્યાસ ન થઈ શકે. અભ્યાસ કરવા શાંત અને સ્થિર મનની આવશ્યકતા હોય છે.

બોર્ડની પરીક્ષા આપી રહ્યા છો એવું મનોચિત્રણ કરો

શાંત સ્થળે બેસી, આંખો બંધ કરી, બે મિનિટ શ્વાસોશ્વાસ પર ધ્યાન આપો અને પછી તમે બોર્ડની પરીક્ષા આપી રહ્યા છો તેવી કલ્પના કરો. પરીક્ષા ખડમાં બેસી અને ખૂબ સારી રીતે પેપર લખી રહ્યા છો. તમને આવડતા પ્રશ્નો જ પૂછાયા છે. આ ટેકનીક નિયમિત કરવાથી તમારા મનમાંથી ડર નીકળી જશે. પ્રથમ વખત કરશો ત્યારે સાઈકલ શીખતી વખતે જેવો ડર લાગતો હતો એવો ડર લાગશે, પરંતુ બાદમાં આત્મ વિશ્વાસ વધશે.

પોતાને કહો કે હું ખૂબ જ હોશિયાર છું

પોતાને પોતે જ સૂચન કરો કે, હું ખૂબ જ હોશિયાર છું. હું પરીક્ષામાં સફળ થઈશ. મને ભણવામાં રસ પડે છે અને ખાસ કરીને રાત્રે સૂતી વેળાએ હું પરીક્ષામાં ખૂબ સારા માર્કસ મેળવીશ તેવા વિચારો કરતા સૂઈ જાઓ.

પરીક્ષાની પૂર્વ રાત્રે શું કરવું

પરીક્ષાની પૂર્વ રાત્રે સૂતી વેરાએ જે વિષયની પરીક્ષા આપવાના છો તે પરીક્ષા તમે આપી રહ્યા છો. તમને વધુ આવડી જ જાય છે. તમે એકદમ શાંત ચિત્તે અને સારા અક્ષરે તમારા પેપર લખી રહ્યા છો તેવી કલ્પના કરતા સૂઈ જાવ.

બોર્ડની પરીક્ષાનો ડર કાલ્પનિક હોય છે

નબળા વિદ્યાર્થીઓ ક્ષમતા પ્રમાણે મહેનત કરે

નબળા વિદ્યાર્થીએ પોતાની ક્ષમતા પ્રમાણે વાચન કરવું જોઈએ. જેમ કે, 20 પ્રકરણની પરીક્ષા લેવાની છે, જેમાંથી અત્યાર સુધી માત્ર 5 પ્રકરણ વાંચ્યા છે. જે 25 માર્કસ આપે તેટલા છે. બાકીના 15 પ્રકરણ યાદ રાખવા કઠીન છે. તો 15 પ્રકરણને બદલે બાકીના 15માંથી માત્ર 5 પ્રકરણ ઉપર સમય આપો, જેથી 10 પ્રકરણ યાદ રાખીને 50 માર્કસ તો લઈ શકાશે.

પરીક્ષાના સમયગાળા દરમિયાન સાત્વિક આહાર લ્યો

કહેવાયું છે કે, ‘પહેલું સુખ તે જો નર્યા’ પરીક્ષાના સમય ગાળામાં સાત્વિક આહાર લ્યો, જેથી તમને કોઈ શારીરિક તકલીફ ન પડે. તમે બીમાર ન પડો, નહીં તો આખા વર્ષની મહેનત પાણીમાં જશે. પરીક્ષા બાદ મિત્રો સાથે પાર્ટી કરો, મોજમજા કરો.

પરીક્ષાના દિવસે શું કરવું

ફક્ત જે વિષયની પરીક્ષા આપવાની છે તેના વિશે વાંચો તેના વિશે મિત્ર સાથે વાતો કરો અને તેના વિશે હકારાત્મક વિચારો. પરીક્ષા સ્થળે સમયથી પહેલા જ પહોંચી જાઓ.

ઉત્તરવહી ભર્યા બાદ શું કરવું

પરીક્ષાખંડમાં પ્રશ્ન પેપરમાંથી ઉત્તરવહી ભર્યા બાદ બહાર નીકળો એટલે પ્રશ્ન પેપરને ફેંકી દો. ચકાશો નહી કે તમે શું લખ્યું છે અને શું લખવાનું રહી ગયું છે. અથવા તો જે લખ્યું છે તે ખરું છે કે, ખોટું છે. કેમ કે, એની ચિંતામાં તમે બીજા દિવસની પરીક્ષાની તૈયારી નહી કરી શકો. કેમ કે, જે થઈ ગયું છે તેને બદલી શકાતું નથી, પરંતુ હવે જે કરવાનું છે તેને સારી રીતે પાર પાડવા પૂર્વ તૈયારી કરી શકાય છે.

ફક્ત લક્ષ્ય ઉપર ધ્યાન આપો

જેમ મહાભારતમાં અર્જૂનને ધનુર્વિધાની પરીક્ષામાં ફક્ત પક્ષીની આંખ જ દેખાતી હતી તેમ તમારે અત્યારે માત્ર બોર્ડની પરીક્ષા જ દેખાવી જોઇએ. તમને તેમના વિશે જ વિચારવું જોઈએ. તેના જ સ્વપ્ના જોવાના છે.

પાંચ મિનિટ ધ્યાન ધરવાથી યાદશક્તિ વધશે

ધ્યાન કરવાથી મન શાંત રહે છે. વાંચેલું સમજાય છે અને લાંબા સમય સુધી યાદ રહે છે, જેથી અભ્યાસમાં બેસતા પહેલા પાંચ મિનિટ ધ્યાન કરો. વિપશ્યનામાં બતાવ્યા પ્રમાણે પોતાનો શ્વાસ કેવી રીતે અંદર જાય અને કેવી રીતે બહાર નીકળે છે તે જોતા રહેવું એ ધ્યાન છે. એવું કરવાથી મન શાંત થશે અને એકગ્રતા વધશે.

X
વાલીઓ પણ વિદ્યાર્થીને સલાહ આપી માનસિક દબાણ ન લાવે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App