• Gujarati News
  • National
  • નર્મદાની લાઇન 5 જગ્યાએ તૂટી, આજથી 3 દિ’ પીવાનું પાણી નહી મળે

નર્મદાની લાઇન 5 જગ્યાએ તૂટી, આજથી 3 દિ’ પીવાનું પાણી નહી મળે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જી.ડબ્લ્યુ.આઈ.એલ.ની નર્મદાના પાણીની લાઈન અંજાર, રતનાલ, મુન્દ્રા તાલુકાના ગુંદાલા, યક્ષ અને મંગવાણા વચ્ચે તૂટી ગઈ છે, જેથી અંજારથી છેક પશ્ચિમ કચ્છને 3 દિવસ સુધી પીવાના પાણીનું વિતરણ નહીં થઈ શકે. અંજારની જી.ડબ્લ્યુ.આઈ.એલ.ના સિનિયર મેનેજર સી. બી. ઝાલાએ વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે, વરસામેડીથી અંજાર સેકશનની લાઈનમાં વેલસ્પન સ્કૂલ પાસે અને અંજાર જી.આઈ.ડી.સી.માં લીકેજ થયું છે. અંજારથી કુકમા સેકશનની લાઈનમાં રતનાલ પાસે પણ લીકેજ થયું છે. એ ઉપરાંત રતનાલ, મુન્દ્રા તાલુકાના ગુંદાલા, યક્ષ અને મંગવાણા વચ્ચે પણ લીકેજ થયું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, શિયાળાની ઋતુમાં ઠંડીના કારણે સંકોચન થવાથી લોખંડની લાઈનમાં લીકેજ થતા હોય છે.

માળિયાથી ગાંધીધામ સુધી પુરવઠો ચાલુ રહેશે
અંજાર, ભુજ, માંડવી શહેર સહિત પશ્ચિમ કચ્છમાં નર્મદાનું પાણી પુરવઠો બંધ રહેશે, પરંતુ માળિયાથી ગાંધીધામ સુધી નર્મદાનું પાણી પુરવઠો ચાલુ રહેશે. શટડાઉન દરમિયાન અંજારથી માંડવી લાઈનમાં ગુંદાલા પાસે, યક્ષથી મંગવાણા સેકશનમાં પલીવાડ પાસે થયેલા લીકેજનું રિપેરિંગ કામ પણ હાથ ધરવામાં આવશે.

ઉત્તરાયણના તહેવારને ધ્યાને લઇ રિપેરિંગ ટાળ્યું હતું
સિનિયર મેનેજરે વધુમાં કહ્યું હતું કે, 8મી જાન્યુઆરીના કલેકટર રેમ્યા મોહન સાથેની બેઠકમાં પાણી પુરવઠા બોર્ડ સાથે ચર્ચા કર્યા બાદ ઉત્તરાયણ અને વડાપ્રધાનની ગુજરાતની મુલાકાતને ધ્યાને લઈ 17મી જાન્યુઆરી સુધી મરંમત કામ ટાળવામાં આવ્યું હતું.

15 વર્ષ જૂની હોવાથી અવાર નવાર ક્ષતિ સર્જાય છે
સિનિયર મેનેજર ઝાલાએ કહ્યું હતું કે, લાઈન 15 વર્ષ જૂની છે, જેથી નબળા ભાગમાં શિયાળાની ઋતુમાં ક્રેક થાય છે જેથી આ ક્ષતિ સર્જાય છે.

19-20મીના વરસામેડીથી પમ્પિંગ બંધ રહેશે
અંજારના GWIL દ્વારા 19મી જાન્યુ.થી વરસામેડી પમ્પિંગ બંધ રહેશે. 19 અને 20મીના 2 દિવસ લાઈનનું રિપેરિંગ કામ ચાલશે.

અન્ય સમાચારો પણ છે...