ડુમરાથી મુનહરા બાદ મુન્દ્રા તરીકે પ્રસિદ્વ નગરનો સ્થાપનાદિન સચોટ કરતાં તાર્કિક
બંદરિયનગરનો સ્થાપના દિન 14મી મેના હોવા વિશે સર્જાયેલી ઉત્સુકતા, ઉંડાણપૂર્વકનું ઐતિહાસિક સંશોધન કર્યા બાદ ક્ષણિક સાબિત થઇ છે. નગરની સ્થાપનાના ચોક્કસ સમય અંગે વિવિધ લેખિત સાહિત્યોમાં રહેલા તફાવતથી વિસંગતતાઓ સર્જાઈ છે.
રાઓ ભોજરાજજી (વિ.સ.1688થી 1702)ના 14 વર્ષના શાસન દરમિયાન દિવાન વર્ધમાન શેઠ દ્વારા મુનરા બંદરની સ્થાપના અંગે કચ્છ કલધાર મધ્યે પ્રકાશિત લેખમાં સવંત 1696માં જ્યારે કરાયેલા દાવા મુજબ મુંદરા બંદરની સ્થાપના સવંત 1688ની સાલમાં વૈશાખ વદ અગિયારસની કરવામાં આવી છે. કચ્છના ઇતિહાસનું નક્કર સંશોધન કરી કચ્છને માહિતીસભર ત્વારીખની અમૂલ્ય ભેટ આપનારા મૂળ મુન્દ્રાના અને કચ્છના ખ્યાતનામ ઇતિહાસકાર દુલેરાય કારાણીએ પણ મુન્દ્રાની સ્થાપનાની તિથિ કે તારીખનો ઉલ્લેખ નથી કર્યો, ત્યારે મુન્દ્રા શહેરના સ્થાપના દિનની ચોક્કસ તિથિ, સમય અને તારીખ અંગે સર્જાયેલી અસમંજસ નગરજનોમાં કાનફૂસીનો વિષય બની છે.
વિવિધ સાહિત્યઓમાં તફાવતની સાથે સાથે એક પ્રશ્ન ઉદભવે છે કે, બંદર અને નગરની સ્થાપના એક દિવસે થઈ છેω જો એક દિવસે થઈ હોય તો નગરની સ્થાપનાને લગતા પુરાવાઓ તેમજ અન્ય માહિતી ક્યાંય ઉડીને આંખે વળગતી નથી.
ઇતિહાસકારો મુજબ મુનરા બંદરની સ્થાપના અગાઉ અહીં મિયાણા લોકોની વસાહત હતી. અહીં આવેલા પ્રાચીન ડુમરાના ઝાડ પરથી વિસ્તાર ડુમરા તરીકે ઓળખાતો. બંદરની સ્થાપના બાદ રાઓ ભોજરાજજી પરથી ભોજપર બંદર નામ પાડવામાં આવ્યું. ડુમરામાંથી મુન્દ્રા બનેલા શહેરના પુન: નામકરણ અંગે પણ ઘણી ભિન્નતાઓ સામે આવી છે. એક માન્યતા મુજબ ભોજરાજજી દ્વારા બનાવેલા મોહનરાયના મંદિર પરથી મુનરા નામ પડ્યું, બાદમાં અપભ્રંશ થઈ મુન્દ્રા થયું, તો બીજી લોકવાયકા મુજબ મોહનરાયના મંદિર અને પાણીના પડતા ધ્રોના લીધે મોહન-ધ્રો પરથી અપભ્રંશ થઈને મુન્દ્રામાં પરિવર્તિત થયું હતું.
દરિયાપીર નામક પુસ્તક મુજબ મુન્દ્રાની ખાડીમાં તૂટેલા વહાણનો શાહ મુરાદ બુખારીએ ચમત્કારીક બચાવ કર્યો હોઈ તેઓના નામ પરથી મુન્દ્રાના પુનઃ નામકરણનો આગ્રહ કરાતાં તેઓએ દીર્ઘદૃષ્ટિથી જોઈ પોતાના નામે નામકરણ કરતા મુનહારા (સારી ખાડી) તરીકેની ઓળખ આપી. બાદમાં અપભ્રંશ થઈ મુન્દ્રા નામ થયું.
નગરની વાત કરીએ તો ઇ.સ.1728માં દેવકરણ શેઠ દ્વારા કિલ્લો બાંધવામાં આવ્યો હતો, તે સમયે કિલ્લો મુખ્યત્વે બાહ્ય આક્રમણથી રક્ષણ અને સુરક્ષાના હેતુસર બનાવવામાં આવતો, ત્યારે એવું માની શકીએ કે, કિલ્લાની અંદર રાજમહેલ હોવો જોઈએ. મળેલી માહિતી મુજબ શહેરની બજારના ચાર રસ્તાની નૈઋત્ય બાજુ આવેલા જૈન દેરાસરની જગ્યાએ દરબારગઢ હતો.
કોઇ એકાદ મત કે તથ્યને ધ્યાને લઇને સ્થાપના દિન પ્રસ્થાપિત થાય તો ભાવિ પેઢી માટે વિસંગતતાઓમાં એક વધુ ઉમેરો થવાની ભીતિ રહે છે. સાચો સ્થાપનાદિન શોધાય તેની સાથે સાથે મુન્દ્રાના સચોટ ઇતિહાસથી લોકો વાફેક થાય તે માટે નગરના પાયામાં રહેલા વિવિધ સમાજો મુસ્લિમ સમાજ, મહેશ્વરી સમાજ, ભાટિયા સમાજ, ખારવા સમાજના મોવડીઓનો મંતવ્ય લેતાં તેમણે પણ ભય દર્શાવવા સાથે ચોક્કસ સમાજોને ઇરાદાપૂર્વક સાઈડલાઈન કરાયા હોવાનો અસંતોષ પ્રગટ કર્યો હતો તેમજ ઇતિહાસ ખોટી દિશામાં ફંટાઈ જાય તેવી માર્મિક ટકોર કરી હતી.
સ્થાપના અંગે વિવિધ લેખિત સાહિત્યોમાં તફાવતે વિસંગતતા સર્જી છે