Home » Gujarat » Bhuj » Mandavi » રાજ્યસભામાં 4 બેઠકો સામે 8 ઉમેદવારોના ફોર્મ ભરાયાં

રાજ્યસભામાં 4 બેઠકો સામે 8 ઉમેદવારોના ફોર્મ ભરાયાં

Divyabhaskar.com | Updated - Mar 13, 2018, 04:10 AM

Mandavi News - ગુજરાતમાં આગામી રાજ્યસભાની ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ તરફથી ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ વિધાનસભા ખાતે...

 • રાજ્યસભામાં 4 બેઠકો સામે 8 ઉમેદવારોના ફોર્મ ભરાયાં
  ગુજરાતમાં આગામી રાજ્યસભાની ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ તરફથી ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ વિધાનસભા ખાતે ચૂંટણી અધિકારી સમક્ષ ભર્યા હતાં. સોમવારે છેલ્લો દિવસ હોવાથી 4 બેઠકો સામે કુલ 8 ફોર્મ ભરાયાં હતાં. ભાજપ તરફથી પરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા અને કીરીટસિંહ રાણાને મેન્ડેટ અપાતા ત્રણે ઉમેદવારી ફોર્મ ભર્યા હતાં. કોંગ્રેસ તરફથી નારણ રાઠવા અને અમીબેન યાજ્ઞિકે ઉમેદવારી નોંધાવી હતી. પી.કે.વાલેરાએ કોંગ્રેસના સમર્થનમાં અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. જ્યારે પરેશ મુલાણી અને રજનીકાંત પટેલના નામે અન્ય બે ઉમેદવારી ફોર્મ ભરાયા હતા.

  આ દરમિયાન રાઠવા જરૂરી પુરાવા રજૂ કરી શકે તેમ ન હોવાથી તેમના સ્થાને ઉમેદવારી નોંધાવવા રાજીવ શુક્લા ગુજરાત આવી રહ્યાં છે તે ચર્ચા સોશિયલ મીડિયામાં વહેતી થતા સચિવાય સંકુલમાં રાજકીય ગરમાવાની સ્થિતિ જોવા મળી હતી.

  રણનીતિના ભાગરૂપે કિરીટસિંહને મેન્ડેટ આપ્યો: નીતિન પટેલ

  કોંગ્રેસે નારાણ રાઠવાનું ફોર્મ રદ્ થવાના ભયને કારણે છેલ્લી ઘડીએ પી.કે.વાલેરાને પાસે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જેની સામે વ્યૂહાત્મક રણનીતિના ભાગરૂપે અને જો ગઈ વખતની જેમ કોંગ્રેસમાં આંતરિક વિરોધ વધે તો તક નો રાજકીય લાભ લેવા માટે અમે કીરીટસિંહ રાણાને પક્ષનું મેન્ડેટ આપી ઉમેદવારી પત્રક ભરાવ્યું હતું.

  ખેડૂતોના મુદ્દે વાટાઘાટો કરવા તૈયાર : રૂપાલા

  મહારાષ્ટ્ર સહિત દેશભરમાં ખેડૂતો વિવિધ મુદ્દે આંદોલન કરી રહ્યાં છે. એ મુદ્દે પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતુંકે, અમે ખેડૂતો સાથે વાટાઘાટો કરવા તૈયાર છીએ. ફરી રાજયસભામાં જવાની તક આપવા બદલ મોવડી મંડળનો આભર માનીએ છીએ.

  રાઠવા મુદ્દે ભાજપે ખોટી અફવા ફેલાવી હતી: શક્તિસિંહ ગોહિલ

  કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતુંકે, દૂધના દાજ્યા અમે છાશ પણ ફૂંકી ફૂંકીને પીએ છીએ. નારણ રાઠવા અને અમીબેન યાજ્ઞિક જ અમારા ઉમેદવારો છે. એ સિવાય ખોટા સમાચારો વહેતા કરીને ભાજપ દ્વારા અફવા ફેલાવાનો પ્રયાસ કરાયો છે.

  આયાતી ઉમેદવારને કારણે મેં રાજીનામું આપ્યું: સોનલ પટેલ

  પ્રદેશ કોંગ્રેસ સમિતના મહિલા મોરચાના અધ્યક્ષ સોનલબેન પટેલે જણાવ્યું હતું કે, અમીબેન યાજ્ઞિક સંગઠનમાં ન હતા છતાં તેમને રાજ્યસભાની ટિકિટ આપી છે. પ્રદેશની મહિલા કાર્યકરોમાં તેનો ભારે વિરોધ છે તેથી હું મારા હોદ્દા પરથી રાજીનામું આપુ છું. આગામી દિવસોમાં અન્ય મહિલાઓ પણ રાજીનામું આપશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ