• Gujarati News
  • National
  • મતદારોને સ્લીપ મળી હોવાનો કકળાટ

મતદારોને સ્લીપ મળી હોવાનો કકળાટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામવિધાનસભા વિસ્તારની અનુસુચિત જાતિની અનામત બેઠક માટે 9મીએ મતદાનની પ્રક્રિયા હાથ ધરાનાર છે. ચૂંટણી પંચ દ્વારા લોકશાહીની પ્રક્રિયામાં તમામ મતદારો ભાગ લઇને પોતાનો નાગરીક તરીકેનો ધર્મ બજાવે તે હેતુથી પ્રચાર કરવામાં આવ્યો હતો. પ્રચાર-પસારની સાથે સાથે નાગરીકો મતદાન પણ કરે તે માટે સ્લીપનું વિતરણ કરવામાં આવ્યું હતું. પરંતુ કેટલાક વિસ્તારોમાં ચૂંટણી પંચની સ્લીપનું વિતરણ થયું હોવાની ફરિયાદ ઉઠી રહી છે. જ્યારે રાજકીય પક્ષોમાં પણ બે દિવસ બાકી હોવા છતાં ઘણા-ખરા વિસ્તારોમાં મતદારોને સ્લીપ પહોંચાડી શકાઇ હોવાની ફરિયાદ પણ ઉઠી રહી છે.

મતદાનના દિવસે મતદારોને મતદાન મથક સુધી લઇ જવા રાજકીય પક્ષો દ્વારા એકબાજુ વ્યૂહ ગોઠવવામાં આવતો હોય છે. વાહનો ભાડે રાખીને જે તે વિસ્તારમાંથી મતદારોને લઇ જઇને મતદાન કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે. પોકેટ વિસ્તારના મતદારોનું મતદાન શાંતિપૂર્ણ રીતે થઇ જાય અને તમામ મત પડી જાય તે માટે રાજકીય પક્ષોએ ભલે નીતિ ઘડી છે. પરંતુ કેટલાક મતદારોને હજુ મતદાનની સ્લીપ પહોંચાડી શકવામાં રાજકીય પક્ષો ઉણા ઉતરી રહ્યા છે. મતદારના ઘરથી મતદાન મથક સુધીના નેટવર્કને ગોઠવવા માટે બન્ને પક્ષોએ ભલે હોમવર્ક કર્યું છે પરંતુ કેટલાક સંજોગોમાં જો મતદારોને સ્લીપ નહીં મળે તો મતદાનમાં તેની અસર પડે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી. મતદાન આડે બે દિવસ રહ્યા છતાં રાજકીય પક્ષોએ કેટલાક વિસ્તારમાં હજુ સ્લીપ પહોંચાડી નથી તેમાં પણ અંદરખાને કાંઇક રાજરમત હોવાની શક્યતા ઉઠી રહી છે. ઉલ્લેખનીય છે કે, કેટલીક વખત જે તે નેતાઓને સ્લીપ વેચવા માટે કામગીરી સોંપવામાં આવી હોય તે ઇરાદા પૂર્વક સ્લીપનંુ વેચાણ કરતા નથી. તેને કારણે પાછળથી મતદારોમાં ઉહાપોહ થતો હોય છે. કેટલાક મતદારો સ્લીપની રાહ જોતા હોય છે.

સ્લીપનું વિતરણ કરવામાં પૈસા આપવા પડે છે?

રાજકીયપક્ષો દ્વારા સ્લીપનું વિતરણ વ્યવસ્થિત રીતે થાય તે માટે લાંબા સમયથી કવાયત કરવામાં આવતી હોય છે. મતદાર યાદી પરથી સ્લીપ તૈયાર કરીને કોમ્પ્યુટરાઇઝ યાદી બનાવીને સંબંધિત વોર્ડ વાઇસ આગેવાનોને યાદી સોંપી દેવામાં આવતી હોય છે. આગેવાનો દ્વારા મતદારોને ઘરે ઘરે સ્લીપનું વિતરણ કરવામાં આવતું હોય છે. મતદારોને સ્લીપનું વિતરણ કરવામાં પણ પક્ષોએ ખર્ચો કરવો પડતો હોય છે. જે તે નેતાને જો પ્રસાદી મળી હોય તો મતદાનની સ્લીપનું વિતરણ કરવામાં ઠાગાઠૈયા પણ થતા હોય છે તેવું કાંઇક હાલ પણ ચિત્ર ઉપસી રહ્યું હોય તેમ કેટલાક વિસ્તારમાં જણાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...