એમ્યુઝમેન્ટ પાર્કના સિંગલ ટેન્ડરનો વિવાદ

ગાંધીધામ નગરપાલિકાના કરોડો રૂપિયાના કામોમાં અવારનવાર કાંઇકને કાંઇક બાબતે ઉહાપોહ થતો હોય છે. છએક મહિના પહેલા...

DivyaBhaskar News Network | Updated - Mar 10, 2018, 06:00 AM
એમ્યુઝમેન્ટ પાર્કના સિંગલ ટેન્ડરનો વિવાદ
ગાંધીધામ નગરપાલિકાના કરોડો રૂપિયાના કામોમાં અવારનવાર કાંઇકને કાંઇક બાબતે ઉહાપોહ થતો હોય છે. છએક મહિના પહેલા આવેલી એમ્યુઝમેન્ટ પાર્કની યોજનાની ગ્રાન્ટના મુદ્દે પ્રથમ ટેન્ડરીંગમાં કોઇ ક્વોલીફાઇડ ન થતાં ફરીથી કાર્યવાહી થયા બાદ સિંગલ ટેન્ડરને કામ આપવામાં આવતા પુન: વિવાદનો મધપુડો છંછેડાયો છે. ભાજપના જ બે જૂથ આમને-સામને આવીને કામ થવું જોઇએ અને ન થવું જોઇએ તે મુદ્દે બાંયો ખેંચતા પ્રશ્નો ચર્ચાને ચકડોળે ચડ્યો છે. આ વિવાદમાં વિપક્ષના નેતાએ પણ ઝંપલાવીને આખરે વિપક્ષની ભૂમિકા ભજવવા માટે મેદાને પડ્યા છે અને સિંગલ ટેન્ડર મુદ્દે વિરોધ કર્યો છે. જોકે, કારોબારી સમિતિ દ્વારા સર્વાનુમત્તે નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત જુદી જુદી 100થી વધુ દરખાસ્તો પર મંજુરી આપવામાં આવી છે. જેમાં 15 કરોડના ખર્ચે થનારા નાળાની મરંમતના કેટલાક મુદ્દાઓ પણ સમાવિષ્ઠ કરવામાં આવ્યા છે.

ગાંધીધામ પાલિકામાં ભાજપની અંદરોઅંદરની ખટપટને કારણે કેટલીક વખત સત્તાપક્ષને નીચું જોવું પડે તેવી સ્થિતિ ઉભી થાય છે. આ ઉપરાંત નાની-નાની કાંઇક બાબતોને કારણે વિરોધ કરીને કામમાં અડચણ નાખવા માટે પણ પ્રયત્ન કરી વિકાસ કામોમાં વિલંબ થાય તેવી પદ્ધતિ અજમાવવામાં આવતી હોય છે, તેની પાછળ કેટલાક સંજોગોમાં ટકાવારીનું પરીબળ પણ કામ કરતું હોય તેવો ચણભણાટ જાગે છે. દરમિયાન તાજેતરમાં મળેલી કારોબારીની બેઠકમાં એમ્યુઝમેન્ટ પાર્કના 75 લાખ અને 1.25 કરોડના કામમાં સિંગલ ટેન્ડરને કામ આપવાની મંજુરી અપાઇ છે. વિપક્ષના નેતા અજીતભાઇ ચાવડાએ પાલિકાના ચીફ ઓફિસરને પત્ર પાઠવી એમ્યુઝમેન્ટ પાર્કના કામોમાં 75 લાખ અને સવા કરોડના જે બે ટેન્ડર એ.એસ. કન્ટ્રકશનને આપેલ છે તેની પાસે આરએન્ડબી વિભાગનું ક્ષમતાનું લાયસન્સ ન હોવા, સ્પેશિયલ કેટેગરી ધરાવતા નથી તે સહિતના મુદ્દા ઉભા કર્યા છે. ડબલ એ.એ. ક્લાસનો અનુભવ ન હોય તેવા ટેન્ડર અગાઉ રીજેક્ટ કર્યા છે તો આમાં કેમ નહીં? તેવો પણ પ્રશ્ન ઉઠાવી તપાસની માગણી કરી છે. જ્યારે બીજી બાજુ સૂત્રોના જણાવ્યા મુજબ પ્રથમ ટેન્ડરમાં કોઇ ક્વોલીફાઇડ ન હતા એટલે કામ થયું ન હતું. અને ત્યાર બાદ આચારસંહિતાને કારણે વિલંબ થયો હતો અને ત્રણ ટુકડા પાડવામાં આવ્યા હતા. ગ્રાન્ટ પરત જાય તેવી સ્થિતિને લઇને ઠરાવ કરાયો છે, જેમાં બરાબર ભાવમાં હશે તો જ કામ અપાશે અને બાંયેધરી પણ લેવાશે. હવે જોવું એ રહ્યું કે, આ મુદ્દે આગામી દિવસોમાં કેવો વળાંક આવે છે.

ભાજપની નગરસેવિકાએ વિરોધ કર્યો હતો

ભાજપની નગરસેવિકા ગોમતીબેન વિરજીભાઇ પ્રજાપતિએ તા.5મીના પાલિકાના ચીફ ઓફિસરને પત્ર પાઠવી સરકારની જે ગ્રાન્ટ આવી છે, તેનો દૂરૂપયોગ ન થાય તેના માટે સિંગલ ટેન્ડર ન આવે તેવી માગણી કરી હતી. સિંગલ ટેન્ડર થકી કોઇ પાર્ટી ઉંચા ભાવે કામ લેવા પ્રોત્સાહીત થશે અને સરકારને નુકશાન થશે. તથા ભ્રષ્ટાચારની વકી પણ વ્યક્ત કરી હતી. જ્યારે આજ વોર્ડના ભાજપના નગરસેવક અને કારોબારીના સભ્ય ધનસુખભાઇ મીરાણી દ્વારા નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવતા સમય જશે અને વારંવારની ટેન્ડરની પ્રક્રિયાથી ખર્ચ થશે તેમ જણાવીને સિંગલ ટેન્ડર મંજુર કરવા જણાવ્યું હતું.

ગત બોડી વખતે પણ વિવાદ થતો હતો

બહૂમતિના જોરે ભાજપ દ્વારા કેટલીક વખત ચલાવવામાં આવતી તાનાશાહીને કારણે પ્રશ્નો ઉભા થતા હતા. ગત બોડી વખતે પણ આવી જ રીતે સિંગલ ટેન્ડરને કામ આપવામાં આવ્યું છે. સામાન્ય સભામાં પણ જે તે સમયે આ મુદ્દે પ્રશ્નો ઉભા કરતા વિપક્ષને સત્તાપક્ષ દ્વારા સમયનું બહાનું કાઢીને સિંગલ ટેન્ડર શું કામ મંજુર કરવામાં આવ્યું છે તેની માહિતી આપવાનો પ્રયત્ન કરાતો હતો. એટલે અગાઉથી ચાલી આવતી પ્રર્થા મુજબ વર્તમાન સમયે પણ સિંગલ ટેન્ડરને કેટલાક કિસ્સામાં મંજુરી આપવામાં આવી રહી છે.

દુ:ખે પેટ કુટે માથુ

જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ ભાજપની અંદરોઅંદરની હાલ શરૂ થયેલી ખેંચતાણમાં કાંઇક મેળવી લેવાની ભાવના પણ પડદા પાછળ કામ કરી રહી છે. ટકાવારી મુદ્દે પણ હાલ અનેકવિધ અટકળો શરૂ થઇ રહી છે. જેમાં ન્હાયા એટલું પૂણ્ય સમજીને કેટલાકે હાલ ઝંપલાવ્યું છે. જ્યારે કેટલાક સભ્યો તાલ જોવામાં શાણપણ સમજી રહ્યા છે. મુખ્ય અધિકારી નીતિન બોડાત દ્વારા સિંગલ ટેન્ડરને મંજુર ન કરવા માટે પણ જણાવાયાનો વિવાદ ચાલ્યો છે.

X
એમ્યુઝમેન્ટ પાર્કના સિંગલ ટેન્ડરનો વિવાદ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App