• Gujarati News
  • નાના વાલ્કા ગામે બાતમીનો વહેમ રાખી પિતા પુત્ર પર પાઇપથી હુમલો

નાના વાલ્કા ગામે બાતમીનો વહેમ રાખી પિતા-પુત્ર પર પાઇપથી હુમલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાનાવાલ્કામાં ક્ષત્રિય જૂથના શખ્સોએ દલિત પિતા-પુત્ર પોલીસને ખોટી બાતમી આપી, ખોટા કેસ કરાવતા હોવાનો વહેમ રાખી, બોલાચાલી કરી પાઇપ, પથ્થરથી હુમલો કર્યો હતો, જેમાં પિતા-પુત્રને ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હતી, તો સામાપક્ષે ક્ષત્રિય જૂથે ચાર શખ્સે ભેગા મળી સામાન્ય કહી શકાય તેવી છોકરાઓની બાબતે બોલાચાલી કરી લાકડી અને છરીથી માર માર્યાની વળતી ફરિયાદ કરી છે. બન્ને પક્ષે 4 વ્યક્તિને ઇજાઓ પહોંચી છે, 10 શખ્સ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

નખત્રાણા પોલીસે જણાવ્યું હતું કે, નાના વાલ્કા ગામે રહેતા નાથાલાલ દેવજી સીજુએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, બુધવારે સાંજના સમયે દાનસંગજી વંકાજી રાઠોડ, કાનજી રામસંગજી રાઠોડ, હરિસિંહ માલાજી રાઠોડ, સામજી વંકાજી રાઠોડ, પ્રતાપજી લાખ્યારજી રાઠોડ અને પ્રતાપજી વંકાજી રાઠોડે ભેગા મળી તું અને તારો પુત્ર પોલીસને ખોટી બાતમી આપો છો અને ખોટા કેસ કરાવો છો, તેમ કહી માથાકૂટ કરી હતી. જોતજોતામાં મામલો વણસી જતાં ઉશ્કેરાયેલા છએ ક્ષત્રિય શખ્સે નાથાલાલ અને તેના પુત્ર પર લોખંડના પાઇપ અને છૂટા પથ્થરથી હુમલો કર્યો હતો. સાથોસાથ જાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા, તો સામાપક્ષે દાનસંગજી વંકાજી રાઠોડે વળતી ફરિયાદ કરી છે કે, નાથાલાલ દેવજી સીજુ, ચાંપશી દેવા સીજુ, દેવજી આચાર સીજુ અને કાના આચાર સીજુએ છોકરાઓ રમત રમતા હોઇ તેનું મનદુ:ખ રાખી બોલાચાલી કરી પોતાના પર લાકડીથી હુમલો કર્યો હતો. સમયે ઝપાઝપી દરમિયાન કાનજી રામસંગજી રાઠોડ વચ્ચે પડતાં તેના પર છરીથી હુમલો કર્યો હતો. પોલીસે તપાસ હાથ ધરી છે.