Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ટ્રાફિકના પ્રશ્ન સામે સર્વિસ રોડ બિસ્માર
ટ્રાફિકને હલ કરવા સર્વિસ રોડ સાફ કરાય અને દબાણો હટાવાય તો અકસ્માત ઘટે
ભાસ્કર ન્યુઝ. ગાંધીધામ
જોડીયાશહેરો માટે સેતુરૂપ ટાગોર રોડ પર વધતા જતા અકસ્માતો અને ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા પોલીસ, પાલિકા, આર એન્ડ બી, સામાજીક સંસ્થાઓ સહિતના સંગઠનોએ પોતપોતાની રીતે અનેક પ્રયત્નો કર્યા છે પરંતુ, જાણકારોના મતે હજી પણ મહત્તમ રીતે ઉપયોગમાં લેવાતા અને ભેંકાર ભાસતા સર્વિસ રોડ પર ભાર મુકાય, ત્યાં સર્જાયેલા દબાણો પર લાલઆંખ કરી દ્વિ-ચક્રી વાહનોનો ટ્રાફિક ત્યાં ડાયવર્ટ કરાય તો મહતમ સમસ્યાનું સમાધાન થઈ શકે એમ છે.
પ્રેમ, શાંતી, અભય મન જેવા વિષય પરના સુંદર કાવ્યોના સર્જક અને ભારતમાં પ્રથમ નોબેલ પારિતોષક મેળવનાર રવિન્દ્ર નાથ ટાગોરના નામ પર ગાંધીધામ -આદિપુર જેવા બે જોડીયા શહેરોને જોડતા માર્ગનું નામકરણ કરાયુ છે પરંતુ, તેમના તત્વચિંતનથી તદ્દન વિરૂદ્ધના માહોલનું સર્જન ટાગોર રોડ પર છેલ્લા કેટલાક વર્ષોથી સર્જાયુ છે. છેલ્લા એક વર્ષમાં 13 થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તો નાના-મોટા અકસ્માતોમાં ઘાયલોનો આંકડો ત્રણ આંકડાને પાર કરે છે. માત્ર છેલ્લા 45 દિવસથી અંદર નાના-મોટા 50 અકસ્માતો સર્જાઈ ચુક્યા છે. સામાન્ય અકસ્માતોમાં મામલો પોલીસ સુધી પહોંચતો નથી અને લોકો આંતરીક સમજાવટથી હલ કરી લે છે. પરંતુ વધેલા વાહનો, જનસંખ્યા, ઉદ્યોગોના આગમનના પગલે સામે આવી ઉભેલી નવી સમસ્યા સામે લડવા સરકારી વિભાગોએ પોતાની કમર કસી હોવા છતા થઈ રહેલા પ્રયત્નો પર્યાપ્ત નથી. સામાજીક સંસ્થા દ્વારા ત્રણ ટ્રાફિક સિગ્નલ લગાવી અપાયા છે જે જાળવણીના અભાવે બંધ પડ્યા છે.
સર્વિસ રોડ પર ધરાર થયેલા દબાણની દૂર કરી સર્વિસ રોડ દુરસ્ત કરવામાં આવે તો નાના વા હનોને માર્ગ પર ડાયવર્ટ કરી શકાય તેમ છે.
રામબાગ રોડ પણ બની શકે છે વિકલ્પ
ભારે વાહનોની એન્ટ્રી ઘણી ઓછી થઈ છે
અંગેશહેર ટ્રાફિક શાખાના પીએસઆઈ પી.એમ. પરમારે, રોડ પર પોલીસના જાગૃતિ અભિયાન અને કડક કાર્યવાહીના કારણે ભારે વાહનોની એન્ટ્રી ખુબ ઘટી ગઈ હોવાનું જણાવ્યું હતું. અકસ્માતો નિવારવા સર્વિસ રોડ અને ટાગોર રોડના વચ્ચે બમ્પનું નિર્માણ કરવાથી ફાયદો થશે તેમ તેમણે કહ્યંુ હતું. તો શાળાના વાહનોમાં, અન્ય ડ્રાઈવરોમાં ટ્રાફિક અંગે જાગૃતિ માટે પગલાં લેવાતા હોવાનું તથા વધુ ટ્રાફિક વોર્ડનની ભરતી કરાઈ હોવાનું તથા વાહન ચાલકોને ખ્યાલ આવે માટે મહત્વપૂર્ણ પોઇન્ટ્સ પર સાઇન બોર્ડ પણ મુકાવવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
જાણકારોના મતે આદિપુર-ગાંધીધામ મુખ્ય રીતે બે માર્ગો થકી જોડાયેલા છે જેમા ટાગોર રોડનો ગણો વધારે ઉપયોગ કરાય છે. જો રામબાગ રોડનું સમારકામ કરી ટ્રાફિકને ત્યાં ડાયવર્ટ કરવામાં આવે તો પણ ટ્રાફિકની સમસ્યાનું મહદઅંશે સમાધાન થઈ શકે તેમ છે.
સિગ્નલ જાળવણીના અભાવે બંધ પડ્યા છે
ટાગોર રોડ પર ત્રણ સ્થાનોએ સિગ્નલ લગાવવામાં આવ્યા હતા, પરંતુ તે જાળવણીના અભાવે બંધ હાલતમાં પડ્યા છે જેના કારણે તેનો યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી. અહીં પણ એક મહત્વનો સવાલ છે કે, સંસ્થાએ સિગ્નલો લગાવી તો દીધા પણ જાળવણીનું કામ તો પોલીસ અથવા અન્ય કોઇ સંસ્થાઓએ ઉપાડી લેવું જોઇએં પણ એમ થતું નથી અને સિગ્નલો બંધ પડ્યા છે.
સમસ્યા અને ઉકેલ | જૂન-જુલાઈમાં ગાંધીધામના ટાગોર રોડ પર નાના- મોટા 50થી વધુ અકસ્માતો થયા