બગીચાના લોકાર્પણ માટેનું મુહૂર્ત ક્યારે?

લોકસુવિધા | 70 લાખના ખર્ચે બનાવેલા ત્રણ બગીચાની રીબીન કોણ કાપશે? ભાજપની ખટપટથી લોકસુવિધા ટલ્લે : સંકુલમાં...

DivyaBhaskar News Network | Updated - Apr 01, 2018, 04:05 AM
બગીચાના લોકાર્પણ માટેનું મુહૂર્ત ક્યારે?
ગાંધીધામ નગરપાલિકાને આપવામાં આવેલી ગ્રાન્ટમાંથી ઉજ્જડ બનેલા ટાગોર પાર્કની કાયાપલટ કરવા માટે મંજુરી આપવામાં આવી હતી. આદિપુરના અન્ય બે બગીચાઓ પણ અદ્યતન સુવિધા સાથે તૈયાર કરવા માટે નક્કી કરાયું હતું અને અંદાજે પાંચેક મહિનાથી અંદાજે 70 લાખના ખર્ચે તૈયાર થયેલા આ બગીચા લોકાપર્ણ કરવા માટે કોઇ નેતા મળતા ન હોવાથી લોકોને છતે સુવિધાએ સુવિધાઓ મળતી ન હોય તેવી સ્થિતિ ઉભી થઇ છે. ભાજપની અંદરોઅંદરની રાજરમતને કારણે અને પ્રસિદ્ધિ ભૂખ્યા નેતાઓની નીતિથી પ્રજાના પૈસે જ તૈયાર થયેલી સુવિધાઓ મળતી નથી, તેવી ફરિયાદ ઉઠી રહી છે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સંકુલમાં પરીવાર સાથે જઇને કોઇ બગીચો કે જાહેર સ્થળે આનંદપ્રમોદ કરી શકાય તેવી સુવિધાઓ ઓછી છે. આ સુવિધાઓ આપવામાં પાલિકા સહિત અન્ય તંત્ર પણ નિષ્ફળ ગયું છે. સાધબેલો, સિંધુબાગ સહિતના ગણ્યાગાંઠ્યો સ્થળો પર લોકોને જવું પડે છે. તેમાં પણ કેટલીક વખત સાધબેલો પર તો વિવાદ પણ થયા છે. દરમિયાન જે સુવિધાઓ હતી તેમાં પણ જોવામાં આવે તો ટાગોર પાર્કની હાલત તદ્દન ઉજ્જડ થઇ ગઇ હતી. એક પણ પાંદડુ રહ્યું ન હતું. વેરાન બનેલા આ બગીચાને ટનાટન બનાવવા તથા જુદી જુદી સુવિધાઓ ઉભી કરવા માટે પાલિકાએ તૈયારી દાખવી હતી. અંદાજે 25 લાખના ખર્ચે આવેલી ગ્રાન્ટમાંથી આ ગાર્ડનની કાયાપલટ કરવા માટે મંજુરી આપવામાં આવ્યા પછી ખાસ્સા લાંબા સમયથી તૈયાર થઇ ગયા પછી લોકોના ઉપયોગ માટે હજુ બગીચા ખુલ્લા મુકાયા નથી. શહેરની મધ્યમમાં બનાવવામાં આવેલી આ લાખો રૂપિયાની સુવિધા માટે લોકો આવે છે પરંતુ દરવાજે ખંભાતી તાળું જોઇને નિરાશ વદને પરત ફરી જાય છે. આ ઉપરાંત આદિપુરમાં પણ અન્ય બે બગીચા બનાવવામાં આવ્યા છે પરંતુ આ સુવિધાઓનું લોકાપર્ણ કરવા માટે નેતાઓનું મુહૂર્ત નિકળતું ન હોવાથી લોકોને સુવિધાઓ હોવા છતાં મળી શકતી નથી તે કડવી વાસ્તવિકતા છે.

થોડા સમય પહેલા અહીંથી આગેવાનોએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળીને અંદાજે 38 કરોડના જુદા જુદા કામોના લોકાપર્ણ માટે આવવા આમંત્રણ આપ્યું હતું પરંતુ તેની કોઇ તારીખ હજુ નક્કી થઇ હોય તેમ જણાતું નથી. તેવા સંજોગોમાં હવે જો વધુ વિલંબ થશે તો લોકો સ્વયંભૂ પોતાની રીતે જે તે વિસ્તારના થયેલા કામોનું લોકાપર્ણ કરે તો નવાઇ નહીં.

ટાગોર પાર્કમાં પરીવાર સાથે આવેલા લોકોને નિરાશ વદને પરત ફરવું પડ્યું

સરકાર દ્વારા લોકોની સુવિધા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે. ગ્રાન્ટના વહીવટના રાજકારણમાં રચ્યપચ્યા રહેતા પાલિકાના અધિકારી અને પદાધિકારીઓને લોકોની પડી હોય તેવું જણાતું નથી. આઠેક માસથી તૈયાર થયેલા બગીચાનું લોકાપર્ણ કરવા પાલિકાના સત્તાધિશો હજુ મહૂર્ત જોઇ રહ્યા છે.

શિવાજી પાર્કમાં 25 લાખ ખર્ચ્યા હતા

જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ ગાંધીધામ શહેરની મધ્યમમાં પરીવાર સાથે સમય વિતાવવા માટે જોવામાં આવે તો બાગ બગીચાની સિમીત સુવિધાઓ રહેલી છે. શિવાજી બાગ પણ ઉજ્જડ બની ગયો હતો.ગત ટર્મના નેતાઓ દ્વારા અંદાજે 25 લાખના ખર્ચે આ બગીચાની કાયાપલટ કરાવી હતી અને હાલ લોકો તેનો લાભ લઇ રહ્યા છે.

X
બગીચાના લોકાર્પણ માટેનું મુહૂર્ત ક્યારે?
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App