Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » કેપીટીમાં ચેરમેન ચાર્જમાં, પ્રશ્નો અટવાશે

કેપીટીમાં ચેરમેન ચાર્જમાં, પ્રશ્નો અટવાશે

Divyabhaskar.com | Updated - Mar 08, 2018, 04:00 AM

દેશના સરકારી બંદરોમાં સતત 10 વર્ષથી નંબર વન પોર્ટનું સ્થાન મેળવનાર કંડલા પોર્ટમાં રાજકીય ઇચ્છાશક્તિના અભાવ કે...

 • કેપીટીમાં ચેરમેન ચાર્જમાં, પ્રશ્નો અટવાશે
  દેશના સરકારી બંદરોમાં સતત 10 વર્ષથી નંબર વન પોર્ટનું સ્થાન મેળવનાર કંડલા પોર્ટમાં રાજકીય ઇચ્છાશક્તિના અભાવ કે અન્ય કોઇ કારણોસર અનેકવિધ પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. વર્તમાન સમયમાં કાયમી ચેરમેનને બદલે ચાર્જથી શિપિંગ મંત્રાલય દ્વારા પોર્ટનો વહીવટ ચલાવવાનો તુક્કો અજમાવવામાં આવ્યો છે, જેને લીધે પોર્ટના વિવિધ પ્રશ્નો હાલ અટવાઇ જાય તેવી સ્થિતિ ઉભી થઇ છે. ઇન્ચાર્જ ચેરમેન દ્વારા નીતિ વિષયક નિર્ણય લઇ શકાતા ન હોવાથી લોકોના પ્રશ્નોમાં પણ વિલંબ થાય તેવી શક્યતા નકારી શકાતી નથી. આ ઉપરાંત ગત સમયે પણ પોર્ટનો વહીવટ ઇન્ચાર્જના હવાલે આપીને મુંબઇ એપી સેન્ટરથી સઘળો વહીવટ બે વર્ષ સુધી ચલાવવામાં આવ્યો હતો. જેને કારણે પોર્ટને ખેસ્સું એવું નુકશાન સહન કરવું પડ્યું હતું તેવી ચર્ચા પોર્ટના કર્મીઓમાં હાલ થઇ રહી છે.

  દેશમાં નમુનેદાર બંદર તરીકે ખ્યાતી પામેલા કંડલા પોર્ટમાં આયાત-નિકાસ ક્ષેત્રે સારી એવી કામગીરી કરવામાં આવી છે. જેની પાછળ પોર્ટ કર્મી જે તે સમયના સુકાની, પોર્ટ યુઝર્સ તમામનો સહયોગ રહ્યો છે. નફો કરતા પોર્ટમાં વિવિધ સુવિધાઓ આપવાના બહાને થોડા સમય પહેલા લાખો રૂપિયાનો આડેધડ ખર્ચ પણ કરીને પૈસાનું પાણી કરવામાં કોઇ કસર વહીવટદારોએ છોડી ન હતી. દરમિયાન શિપિંગ મંત્રાલય દ્વારા કોઇ કારણોસર રેગ્યુલર ચેરમેનનું નામ નક્કી કરી શકાયું ન હોવાથી મુંબઇ પોર્ટમાં ચેરમેન પદે રહેલા સંજય ભાટીયાને હંગામી ધોરણે વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે. જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ અગાઉ આની પહેલા પણ અંદાજે બે વર્ષ સુધી ચાર્જમાં જ ચેરમેનને રાખવામાં આવ્યા હતા. જેને કારણે નીતિ વિષયક નિર્ણયોમાં વિલંબ થતો હતો અને મહત્વની ફાઇલોમાં સહી કરાવવા માટે મુંબઇ ધરમધક્કા કરવા પડતા હતા. અથવા તો તત્કાલિન ચેરમેન રવિ પરમાર આવે ત્યારે સહી કરવામાં આવતી હતી. હાલ પણ ફરી એક વખત દીન દયાલ પોર્ટના ઇતિહાસમાં ઇન્ચાર્જના સહારે કામગીરી સોંપી દેવામાં આવી છે. કડક અભિગમ દર્શાવતા અધિકારી આવતી કાલે પોર્ટ યુઝર્સ સાથે બેઠક પણ યોજનાર છે. પરંતુ હકીકતે રૂટીન કામગીરીમાં તેની અસર જરૂર જોવા મળી રહી છે.

  અધર ઇન્ટ્રેસ્ટના ટ્રસ્ટીમાં નિમાતા નથી

  કંડલા પોર્ટમાં અધર ઇન્ટ્રેસ્ટના ટ્રસ્ટીની નિમણુંક કરવામાં પણ વિલંબ કરવામાં આવ્યો હતો. સત્તાના રાજકારણના આટાપાટાના ખેલમાં કોંગ્રેસ શાસન સમયે રાતોરાત છેલ્લી ઘડીએ અધર ઇન્ટ્રેસ્ટના ટ્રસ્ટીઓ તરીકે મહાવીરસિંહ કીરીટસિંહ ગોહિલ, યુનુશ પટેલ વગેરેની નિમણુંકનો ઓર્ડર કરી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ કેન્દ્રમાં સત્તા પલટો થયા બાદ ભાજપ અને તેની સહયોગી પાર્ટીના વહીવટ આવતાં કોંગ્રેસના સમયમાં કરવામાં આવેલી છેલ્લી ઘડીની નિમણુંકો રદ્દ કરવામાં આવી હતી. જોકે, ત્યાર બાદ એક યા બીજા કારણોસર અધર ઇન્સ્ટ્રેસ્ટના ચાર ટ્રસ્ટીની નિમણુંક કરવામાં ભારે વિલંબ થયો હતો. આખરે લાંબા સમય પછી નિમણુંક કરવામાં આવી હતી. તેમાં પણ હાલ રણછોડભાઇ ફળદુ ધારાસભ્યની ચૂંટણી લડીને જીત્યા પહેલા રાજીનામું આપી દેતાં આ બેઠક હજુ ખાલી છે. તેની જગ્યાએ કોને ભરવા તે ભાજપ માટે માથાનો દુ:ખાવો બન્યો છે.

  ચેરમેન સમક્ષ પોર્ટ યુઝર્સ ફરીયાદ કરે તેવી વકી

  દીન દયાલ પોર્ટમાં કેટલાક અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવી રહેલી તાનાશાહીભર્યા વહીવટને કારણે પોર્ટ વગોવાયું છે. ભ્રષ્ટાચારના પણ આક્ષેપો થયા છે અને કર્મચારીઓને લાંચ લેતા ઝડપાયાના કિસ્સા પણ કલંક સમાન બની ચૂક્યા છે. ચેરમેન ભાટીયા ગુરૂવારે પોર્ટ યુઝર્સ સાથે બેઠક યોજનાર છે તેમાં કેટલાક પોર્ટ યુઝર્સ ટોચના અધિકારીઓ સામે મહત્વની ફરિયાદો કરે તો નવાઇ નહીં. અગાઉ એક પોર્ટ યુઝર્સ દ્વારા શિપિંગ મંત્રાલયમાં જે તે અધિકારીના નામ જોગ ફરિયાદ કરી ચૂક્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending