અંતરજાળના કામની ગેરરીતિ મુદ્દે 23મીએ તપાસ

ગાંધીધામ તાલુકાના અંતરજાળ ગામે કરવામાં આવેલા વિકાસ કામોમાં મોટાપાયા પર ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આક્ષેપ...

DivyaBhaskar News Network | Updated - Feb 19, 2018, 04:00 AM
અંતરજાળના કામની ગેરરીતિ મુદ્દે 23મીએ તપાસ

ગાંધીધામ તાલુકાના અંતરજાળ ગામે કરવામાં આવેલા વિકાસ કામોમાં મોટાપાયા પર ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આક્ષેપ કરીને ગ્રામ પંચાયતના જ સભ્ય દ્વારા કરવામાં આવેલી રજૂઆત પછી તાલુકા પંચાયતની કારોબારીમાં આ મુદ્દે ભારે ચર્ચાઓ થઇ હતી. તપાસ કરીને અહેવાલ રજૂ કરવા માટે ટીડીઓને સૂચના પણ આપીને મામલો થાળે પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ આવેલી ફરિયાદ અંતર્ગત આગામી તા.23મીના રોજ તપાસ માટે ટીમ મોકલવાનું કહેણ મોકલવામાં આવતાં જ તાલુકા પંચાયતમાં દોડધામ મચી ગઇ છે. ભીનું સંકેલવા માટે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા પ્રયત્નમાં સફળતા મળે છે કે કેમ તે તો આ ટીમના આગમન પછી શું તપાસ થાય છે અને પગલા ભરાય છે કે કેમ ત્યાર બાદ ખ્યાલ આવશે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ અંતરજાળ ગ્રામ પંચાયતના સભ્ય શૈલેષ બાબુલાલ લાવડીયાએ અંતરજાળમાં થયેલા વિકાસ કામોમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ કરી હતી. ખાસ કરીને રસ્તાના કામો અને ગટરના કામો થયા ન હોવા સહિતની બાબતે રજૂઆત કરવામાં આવ્યા છતાં તાલુકા પંચાયતે પગલા ન ભરતાં આખરે આ મામલો જાન્યુઆરી માસમાં યોજાયેલી તાલુકા પંચાયતની કારોબારીમાં ચર્ચાયો હતો. ગરમાગરમ ચર્ચા વચ્ચે આ બાબતે ટીડીઓને અહેવાલ રજૂ કરવા માટે ઠરાવ કરીને સૂચના પણ આપી દેવામાં આવી હતી. દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસની ટીમ માટેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ડીડીઓ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને પત્ર પાઠવીને તા.23મીના રોજ આ ગેરરીતિ સંદર્ભે તપાસની ટીમ મુલાકાત લેનાર હોવાથી સંબંધિત ગ્રામ પંચાયતના સભ્ય, સરપંચ, તલાટી, સુપરવાઇઝરને હાજર રખાવવા તાકીદ કરવામાં આવી છે.

અન્ય ગામોમાં પણ ભ્રષ્ટાચારની બૂમ

ગાંધીધામ તાલુકાના અન્ય ગામોમાં પણ કરવામાં આવેલા વિકાસ કામોમાં તપાસ કરવામાં આવે તો કેટલાક કામો થયા ન હોવા છતાં ઓન રેકર્ડ અંતરજાળની જેમ જ બતાવી દેવામાં આવ્યાનો ચણભણાટ ગ્રામીણ વિસ્તારમાંથી ઉભો થયો છે. જોકે, આ બાબતે કોઇ સભ્ય દ્વારા અત્યાર સુધી ફરિયાદ કરવામાં આવી હોય તેવું બહાર આવ્યું નથી. વિધાનસભાની ચૂંટણી પછી ગોડફાધરો પણ બદલાતાં તેના સમીકરણોને કારણે આગામી દિવસોમાં અન્ય સ્થળે પણ આવી રીતે કાંઇક નવાજૂની ઉભી થાય તો નવાઇ નહીં. રમેશભાઇ મહેશ્વરી જુથના ગણાતા કેટલાક આગેવાનોને તાલુકામાં આગામી દિવસોમાં કટ ટુ સાઇઝ કરવા માટે પણ માલતીબેન મહેશ્વરી જૂથના લોકો દ્વારા પ્રયત્ન કરાય તો નવાઇ નહીં.

X
અંતરજાળના કામની ગેરરીતિ મુદ્દે 23મીએ તપાસ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App