• Gujarati News
  • કેપીટીના CVO સામે ભ્રષ્ટાચાર ખંડણીની ફરિયાદ

કેપીટીના CVO સામે ભ્રષ્ટાચાર- ખંડણીની ફરિયાદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કંડલાપોર્ટના અધિકારીએ કેપીટીના ચીફ વીજીલન્સ ઓફિસર સામે ગાંધીધામની કોર્ટમાં ભ્રષ્ટાચાર અને જાનથી મારી નાખવા ઉપરાંત ખંડણી માંગી હોવાની ફરિયાદથી ખળભળાટ મચી ગયો છે. અદાલતે ફોજદારી કેસને પગલે સમગ્ર મામલાની તપાસ ગાંધીધામ સ્થિત એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)ને સોંપી છે.

કંડલા પોર્ટ ટ્રસ્ટમાં ટ્રેડ પ્રમોશન એન્ડ પબ્લિક રીલેશન ઓફિસર તરીકે ફરજ બજાવતા સંજય ભાટીએ કેપીટીના ચીફ વીજીલન્સ ઓફિસર અને ડીઆઇજી કક્ષાના આઇપીએસ અધિકારી સામે ડ્રેજીંગ સહિત જુદા જુદા મામલાઓમાં ભ્રષ્ટાચાર આચરીને કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનો સનસનીખેજ આક્ષેપ કરતી ફરિયાદ કોર્ટમાં દાખલ કરી છે. ભ્રષ્ટાચાર ઉપરાંત સંજય ભાટીએ એવો પણ તેમની ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, તેઓ પોર્ટમાં વ્હિસલ બ્લોઅર એટલે કે, ભ્રષ્ટાચાર સામે મુહીમ ચલાવી રહ્યા છે અને સીવીઓને લગતી માહિતી માંગી હોવાને કારણે પી. રામજી તેમને ત્રણેક વાર રૂબરૂમાં મળીને તેમના વિરૂદ્ધ થતી પ્રવૃતિઓ બંધ કરી દેવાની ધમકી આપી હતી. તથા જો આવી પ્રવૃતિઓ બંધ કરવામાં નહીં આવે તો તેમને જાનથી મારી નાખશે તેવી ધમકી પણ આપી હતી.

સીવીઓએ ત્રણ વાર આડકતરી રીતે ધમકી આપ્યાનો આક્ષેપ

પીઆરઓસંજયભાટીએ કોર્ટમાં કરેલી ફરિયાદમાં સીવીઓ પી. રામજી દ્વારા અલગ અલગ સમય અને તારીખે ત્રણ વાર સીધી અને આડકતરી રીતે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ચોંકાવનારો આક્ષેપ કર્યો છે. સૌપ્રથમવાર સીવીઓએ ભાટીને 12મી જાન્યુઆરીએ એઓ બિલ્ડીંગના મેઇન ગેટ પાસે બપોરે 3 વાગ્યે ઉભા રાખીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યાર બાદ બીજી વાર 21મી જાન્યુઆરીએ સીવીઓ દ્વારા લેખિતમાં હુકમ કરીને તેમને ચેમ્બરમાં બોલાવવામાં આવ્યા હતા. અને અહીં ભાટીને અન્ય વિભાગની જેમ પીઆરઓ વિભાગ તરફથી નાણાં નથી મળતા તેમ જણાવીને ધમકી આપી હતી. અને ત્યાર બાદ ત્રીજી વાર 27મી જાન્યુઆરીએ જ્યારે તેઓ કચેરી સમય પછી સાંજે ઘરે જઇ રહ્યા હતા ત્યારે પણ સીવીઓએ તેમને પોતાની ચેમ્બરમાં બોલાાવ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ભાટીએ બે વખત સમગ્ર ઘટનાક્રમનું વીડીયો અને ઓડીયો રેકોર્ડીંગ પણ કરી લીધું હતું.