ત્રણ સ્થળેથી દુધના નમુના લેવાયા

DivyaBhaskar News Network

Apr 07, 2018, 03:50 AM IST
ત્રણ સ્થળેથી દુધના નમુના લેવાયા
ગાંધીધામ નગરપાલિકાના ફુડ વિભાગ દ્વારા પણ આજે રાજ્યના અન્ય શહેરોની જેમ દુધના નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જુદા જુદા ત્રણ સ્થળેથી નમૂના લઇને ચકાસણી માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે. આ અગાઉ મસાલાની સીઝનને અનુલક્ષીને હરદળ, ધાણા, મરચુ, સરબતના પણ નમૂના લઇને લેબોરેટરીમાં ટેસ્ટીંગ માટે મોકલી આપવામાં આવ્યા બાદ તેના રીપોર્ટની રાહ જોવાઇ રહી છે.

ખાદ્ય સામગ્રીમાં ભેળસેળની બૂમ અવારનવાર સંકુલમાંથી ઉઠી રહી છે. ફુડ વિભાગ પાસે સ્ટાફની અછતને કારણે સંકુલમાં વધી રહેલા ખાણી-પીણીના સંસ્થાનો સામે ચકાસણીની કામગીરી કરવી મુશ્કેલ બની રહી છે, એવા સંજોગોમાં રાજ્ય વ્યાપી દૂધના નમૂને લેવાની કામગીરીની સૂચના આપવામાં આવતા શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ફુડ વિભાગ દ્વારા દુધના ત્રણ નમૂના લેવામાં આવ્યા હતા. ભેળસેળને રોકવા માટે ચકાસણી અર્થે લેબોરેટરી વાન પણ સંકુલમાં સમયાંતરે ફેરવવામાં આવે છે. ગત 15 દિવસમાં આ વાન ફેરવવામાં આવી હતી અને દુધના નમૂના લેવામાં આવ્યા હતા પરંતુ તેમાં સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવતા એકપણ નમૂનો ફેલ ન જતાં કોઇની સામે કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો દાવો ફુડ વિભાગના ઇન્સ્પેક્ટર આનંદ ઉદવાણી દ્વારા કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સંકુલમાં હાલ ઉનાળાની સીઝનની સાથે મરી-મસાલા 12 માસ ભરવા માટે પણ મહિલાઓ દ્વારા ખરીદી કરવામાં આવતી હોય છે. સિઝનના મસાલામાં પણ ભેળસેળ થતી હોવાની બૂમરાણ ઉઠે છે. ખાસ કરીને હળદર અને મરચામાં ભેળસેળ કરાતી હોવાની આશંકા ઉઠતી હોય છે.

સંકુલમાં જુદા જુદા વિસ્તારમાં ફરેલી મોબાઇલ વાન અને દુધની ચકાસણીનું મશીન

છ માસ પહેલા દુધનો નમૂનો ફેલ ગયો હતો

જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ અંદાજે છ મહિના પહેલા સુંદરપુરી વિસ્તારમાં લેવામાં આવેલા દુધના નમૂનાની ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવતા નમૂનો ફેલ જતાં દુકાન ધારક સામે કેસ કરવામાં આવ્યો હતો.

X
ત્રણ સ્થળેથી દુધના નમુના લેવાયા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી