દબાણ દૂર કરવા પાલિકા ઓપરેશન કરશે

DivyaBhaskar News Network

Apr 07, 2018, 03:50 AM IST
દબાણ દૂર કરવા પાલિકા ઓપરેશન કરશે
ગાંધીધામ નગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝૂંબેશ શરૂ કરવામાં આ‌વનાર છે. બે દિવસમાં જ રસ્તો બનાવવા માટે અડચણરૂપ બનેલ અને ખખડધજ હાલતમાં બંધ રહેલી હોમગાર્ડની ઓફિસનું દબાણ દૂર કરવામાં પગલા ભરવામાં આવનાર છે. ત્યાર બાદ પાલિકાના પ્લોટ પર કરવામાં આવેલા દબાણ દૂર કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાથી જરૂરી પોલીસ બંદોબસ્તની પણ માગણી કરી દેવામાં આવી છે.

શહેરમાં એકબાજુ કુદકેને ભુસકે દબાણો વધી રહ્યા છે. દબાણકારો સામે પગલા ભરવા પાલિકા નિષ્ફળ ગઇ છે. એકલદોકલ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. મોટા ભાગના દબાણોમાં રાજકીય પીઠબળ હોવાથી એક યા બીજા કારણોસર દબાણ દૂર થતા નથી તે હકીકત છે. દરમિયાન 12-બી વિસ્તારમાં પેવર બ્લોકની કામગીરી કરવામાં આવનાર હોવાથી રસ્તા પર રહેલ ખખડધજ અને બંધ રહેલી હોમગાર્ડની ઓફિસ હટાવવામાં આવનાર છે. સાથે સાથે અન્ય લારી-ગલ્લાના દબાણ પણ દૂર કરવામાં આવશે. તેવા સંકેત મળી રહયા છે. જ્યારે બીજી બાજુ પાલિકા દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય સંદર્ભે મામલદાર કચેરી દ્વારા મુખ્ય અધિકારીને પત્ર પાઠવીને જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી હોમગાર્ડ કચેરી દૂર કરવાની કાર્યવાહી પાછળ ઠેલવા જણાવવામાં આવતાં હવે માંડ દબાણ હટાવવા મુહૂર્ત કાઢ્યું છે ત્યારે તેમાં વિઘ્ન ઉભું થવાની વકી જણાઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પાલિકાના પ્લોટ પર એક શિપિંગ બ્રેકર દ્વારા પોતાના વાહનોનો અડીંગો રાખવામાં આવતો હતો. ભારેખમ વાહનોની અવરજવરને કારણે આ વિસ્તારના લોકોમાં ફરિયાદ પણ ઉઠી હતી. પાલિકામાં રજૂઆત કરવામાં આવ્યા છતાં કોઇ પગલા ભરાયા ન હતા. ત્યાર બાદ રહીશોએ જ વચગાળાનો તોડ કાઢીને દબાણ કરી લીધું હતું. ભાજપના જ પદાધિકારીના આર્શિવાદથી થયેલ દબાણ દૂર કરવા માટે તા.9મીના પોલીસ બંદોબસ્ત માગવામાં આવ્યો હોવાના સંકેત સૂત્રોમાંથી મળી રહ્યા છે.

નવા દબાણો કેમ કરવા દેવાય છે?

સંકુલમાં ઠેર ઠેર નવા દબાણો પણ થઇ રહ્યા છે. ખાસ કરીને મુખ્ય બજાર સહિતના વિસ્તારમાં તો ફુટપાથ પર દબાણ કરવામાં આવ્યા છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે પગલા ભરવા રજૂઆત થઇ હતી પરંતુ કોઇ જ કાર્યવાહી થઇ ન હતી. કેટલાક વેપારીઓ દ્વારા તો તેમની દુકાનની સામે લારી ઉભી રાખીને પૈસા લેતા હોવાની બુમરાણ પણ ઉઠી હતી.

X
દબાણ દૂર કરવા પાલિકા ઓપરેશન કરશે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી