27મી સુધી માત્ર 12.24 કરોડની વસૂલાત

DivyaBhaskar News Network

Mar 29, 2018, 03:45 AM IST
27મી સુધી માત્ર 12.24 કરોડની વસૂલાત

ગાંધીધામ નગરપાલિકાએ 2017-18ના વર્ષ દરમિયાન 32.61 કરોડનો વસૂલાતનો ટાર્ગેટ નક્કી કર્યો હતો. નાણાંકીય વર્ષ પુરૂં થવાને ચાર દિવસ બાકી છે તેવા સંજોગોમાં 27મી માર્ચ સુધીમાં 12.24કરોડની જ વસૂલાત પાલિકાની તિજોરીમાં થઇ શકી છે. બાકીના દિવસોમાં 25 લાખ અંદાજીત વસૂલાત આવે તો પણ 12.50 કરોડથી વધુ વસૂલાત થઇ શકે તેવી સ્થિતિ નથી. 40 ટકાથી ઓછી વસૂલાત થાય તેવી હાલ ધારણા બાંધવામાં આવી રહી છે. અધિકારી અને પદાધિકારી દ્વારા વેરા વસૂલાતમાં ગંભીરતા દાખવવામાં ન આવતાં પણ આ ટાર્ગેટથી 50 ટકા સુધી પહોંચી શકાયું નથી. વેરા વસૂલાતની કાર્યવાહીમાં ફરી એક વખત પાલિકાનું ઘોડું હાંફી ગયું છે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ નગરપાલિકા દ્વારા પાણી, લાઇટ, ગટર, હાઉસ ટેક્ષ વગેરે વેરાની વસૂલાત માટે પાલિકાની તિજોરીમાં આવક આવે તે માટે જોઇએ તેવા જરૂરી પગલા ભરવાનું પ્રથમથી જ ટાળતી આવી છે. વેરા થકી પાલિકાની તિજોરીમાં નાણાં છલકાય તે માટે કાગળ પર જ આયોજન કર્યું અને પાલિકાના ચીફ ઓફિસર નીતિન બોડાત દ્વારા મોટા ઉપાડે અધિકારીઓની ટીમ પણ બનાવવામાં આવી હતી. પરંતુ આ ટીમને જોઇએ તેટલી સત્તા આપવામાં આવી ન હતી. કેટલાક પ્રેસર આવતાં પાછળથી કોઇ જ કાર્યવાહી થઇ શકી ન હતી. હકીકતે મસમોટા આસામીઓ સામે પગલા ભરવા પાલિકાના ટાંટીયા ધ્રુજી રહ્યા છે. લાખો રૂપિયાની બાકી વસૂલાત માટે કોઇ ગંભીર આયોજન કરવામાં આવ્યું હોય તેવું જણાતું નથી. માત્ર 25થી 30 નળ, ગટર કનેકશન કાપીને સંતોષ માન્યો હતો. પરંતુ તેમાં પણ મધ્યમ કક્ષાના બાકીદારો સામે જ આવા પગલા ભરવાની હિંમત કરવામાં આવી હતી.

બે વર્ષમાં થયેલી આવક

જાણકાર વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ 2015-16ના વર્ષમાં 30.54 કરોડનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. જેની સામે 13.80 કરોડની વસૂલાત થઇ હતી. 45.20 ટકા વસૂલાત થઇ હતી. જ્યારે 2016-17માં 31.68 કરોડનો લક્ષ્યાંક હતો. જેની સામે 13.80 કરોડની વસૂલાત અંદાજે 45 ટકા જેટલી વસૂલાત થઇ હતી. 2015-16ના વર્ષમાં 61 ટકા લોકોએ વેરા ભર્યા હતા. જ્યારે 2016-17માં તેમાં 3 ટકાનો વધારો થયો હતો.

નોટબંધી સમયે સારી વસૂલાત થઇ

2016-17ના વર્ષમાં નોટબંધીને કારણે પાલિકાને સારી એવી વર્ષો જૂની બાકી વસૂલાત થઇ હતી. 500 અને 1000ની જૂની નોટ થકી થયેલી આ વસૂલાતમાં એક દિવસ તો અંદાજે 62 લાખ જેટલી વસૂલાત થઇ હતી. જે પાલિકાના ઇતિહાસમાં વિક્રમ સર્જક વસૂલાત એક દિવસની ગણાઇ હતી.

નેતાઓનું પ્રેસર પણ કારણભૂત

પાલિકા દ્વારા બાકીદારોને ત્યાં તવાઇ બોલાવવાની કેટલાક સંજોગોમાં પદ્ધતિ અપનાવવામાં આવી હતી. પરંતુ કેટલાક કિસ્સાઓમાં લાખો રૂપિયાના બાકીદારોએ નેતાઓના શરણે જતા તેના દબાણને કારણે પાલિકા દ્વારા કોઇ જ વસૂલાત થઇ શકી ન હતી. અથવા તો 50 ટકા વસૂલાત કરીને લીલા તોરણે પરત ફરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. હકીકતે પાલિકામાં સારી વસૂલાત થાય તે માટે અધિકારીઓને પદાધિકારીઓ દ્વારા પીઠબળ પુરૂં પાડવું જોઇએ તે પણ પાળવામાં કેટલાક સંજોગોમાં આવ્યું નથી. જેને કારણે વસૂલાત નબળી થઇ છે.

વર્ષોથી ભાજપનું શાસન પણ પરીણામ શૂન્ય

પાલિકામાં વર્ષોથી ભાજપનું શાસન છે. પંચાયતથી પાર્લામેન્ટ સુધી સત્તા સ્થાને રહેલ ભાજપમાં હાલ જોવામાં આવે તો પાલિકા કક્ષાએ આંતરીક ખટપટો ચાલી રહી છે. જેને કારણે વિકાસ કામો પર પણ અસર પડી રહી છે. મક્કમ મનોબળ સાથે ભાજપના નેતાઓએ જો શરૂઆતથી જ ધાર્યું હોત તો સારી વસૂલાત થાય તે માટે આરંભથી જ પગલા ભરવામાં આવશે. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે, આવું કોઇ આયોજન કરાયું ન હતું. હવે જાગ્યા ત્યારથી સવાર સમજીને નવા નાણાંકીય વર્ષમાં 70થી 80 ટકા જેટલી વસૂલાત થાય તે માટે ભાજપના નેતાઓ તેમાં પણ ખાસ કરીને પાલિકાના સભ્ય અને હવે ધારાસભ્ય બનેલા માલતીબેન મહેશ્વરી વગેરેએ રસ દાખવવાની જરૂર છે.

આકારણી કરવામાં પણ આળસ!

સંકુલમાં રોજેરોજ બિલ્ડીંગો બંધાઇ રહ્યા છે. પાલિકાના ચોપડે અંદાજે 55 હજાર જેટલી મિલ્કત બોલી રહી છે. જ્યારે હકીકતે મિલ્કતની સંખ્યા રોજેરોજ વધી રહી છે. આકારણી કરવી જોઇએ તે આકારણી પણ વર્ષથી કરવામાં આવી નથી. સરકારી કચેરી સામેથી આકારણી કરવાનું કહે તો પણ પાલિકા આકારણી માટે મુહૂર્ત કાઢતી નથી. આકારણી કરવાની કામગીરીમાં પાલિકા કેમ કતરાઇ રહી છે તે તે આશ્ચર્યની વાત છે. આ બાબતે નવા વર્ષે આયોજન કરીને પાલિકાની તિજોરીમાં આવક વધે તે માટે અધિકારી પદાધિકારીઓ આળસ ખંખેરવાની જરૂર છે.

29 અને 30 બે દિવસ વેરા વસૂલાશે

માર્ચ ક્લોઝીંગ હોવાને કારણે નગરપાલિકાના વેરા ભરવામાં સરળતા રહે તે માટે 29 અને 30 બે દિવસ જાહેર રજાના દિવસોએ ટેક્ષ વિભાગની વસૂલાતની કામગીરી તથા નગરપાલિકાના વસૂલાત કાઉન્ટર ચાલુ રાખવામાં આવ્યા છે. તેમ ચીફ ઓફિસર નીતિન બોડાતે જણાવ્યું છે.

X
27મી સુધી માત્ર 12.24 કરોડની વસૂલાત
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી