મોટાભાગની શાળાઓમાં નિયમનો ભંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જે તે શાળા સંચાલકો દ્વારા વાલીઓના ખિસ્સા હળવા કરવાની યેનકેન પ્રકારે ચાલી રહેલી પ્રવૃતિને લગામ આપવાના હેતુથી વિવિધ પગલા ભરવાની જાહેરાત કરી છે. આ અંગેના આદેશ પણ અપાયા પછી ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા નિકળેલા શિક્ષણ વિભાગ દ્વારા આજે સંકુલની 100થી વધુ શાળાઓમાં જુદી જુદી ટીમો બનાવીને તપાસની કાર્યવાહી હાથ ધરતાં નિયમનો ભંગ કરનારી કેટલીક શાળાઓના સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયા પછી આ અંગે ભીનું સંકેલવા પણ હીલચાલ શરૂ કરી દેવામાં આવી છે. જોકે, કેટલીક શાળાઓએ નિયમનું પાલન કર્યું છે તેવું પણ હાલના તબક્કે પ્રાથમિક રીતે જણાઇ રહ્યું છે. વધુ વિગત તો જુદી જુદી માહિતી એકત્ર કર્યા પછી શિક્ષણ વિભાગના રીપોર્ટ બાદ બહાર આવશે તેમ મનાય છે.

શિક્ષણના વ્યાપારીકરણ સામે લાંબા સમયથી વાલીઓમાં રોષની લાગણી જોવા મળી છે અને આ અંગે વિરોધનો સૂર પણ છૂપી રીતે જે તે વખતે બહાર આવ્યો હતો. પરંતુ શાળા સંચાલકોની મનમાની અને કેટલાક અધિકારીઓની મિલીભગતને કારણે જે તે નિયમનો ભંગ કરનાર શાળા સંચાલકનો વાળ પણ વાંકો થતો ન હોવાની સાથે સંબંધિત વાલીઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆત પછી તેને હેરાનગતિનો સામનો કરવો પડે તેવી નોબત આવી હતી. દરમિયાન શિક્ષણ વિભાગ દ્વારા આ વર્ષે જુદા જુદા પગલા ભરીને જે તે શાળાઓએ કેટલી ફી ઉઘરાવવામાં આવે છે તેની જાણકારી ડિસપ્લેના નોટિસ બોર્ડ લગાવીને આપવાની સૂચના આપી હતી. આ ઉપરાંત અન્ય કેટલીક બાબતોની પણ પરીપત્ર આપીને આપેલી સૂચના પછી શાળા સંચાલકોએ તેને નજર અંદાજ કરી હતી. શિક્ષણ વિભાગની કામગીરીને માત્ર રૂટીન સમજીને શાળા સંચાલકોએ અગાઉની જેમ જ આ પરીપત્રો કચરા ટોપલીને હવાલે કરીને પોતાની મનસ્વી નીતિ નવા સત્ર ફી લેવાના સમયે પણ ચાલુ રાખી હતી. સેન્ટ ઝેવીયર્સ સ્કૂલ દ્વારા તો નોટિસ બોર્ડમાં મુકવામાં આવેલી વિગત પછી વધુ ફી લેવાતી હોવાનો ચણભણાટ વાલીઓમાં ઉઠ્યો હતો. પરંતુ આ બાબતે હજુ કાંઇ નક્કર કામગીરી શિક્ષણ વિભાગે કરી હોય તેવું બહાર આવ્યું નથી. દરમિયાન ઉચ્ચ કક્ષાએથી આવેલી સૂચનાના પગલે સ્થાનિક કક્ષાએથી આચાર્ય, સીઆરસી વગેરે સભ્યોની ટીમ બનાવીને સંકુલની 100થી વધુ શાળાઓમાં ખાંખાખોળા કરવા ટીમને મોકલવામાં આવી હતી. સૂત્રોના દાવા મુજબ એક ટીમે પાંચ શાળાઓ ફાળવવામાં આવી હતી. જેમાં તેને જેને જે તે શાળા ફાળવવામાં આવી હતી તેની તપાસ કરતાં કેટલીક શાળાઓમાં ફીની વિગત નોટિસ બોર્ડમાં મુકવાના આદેશની ઐસીતૈસી કરી છે. અન્ય પણ કેટલીક સૂચનાનું પાલન કરવાનું ટાળ્યું હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવી રહ્યું છે. જે તે વિગતોના ફોર્મ તૈયાર કરવામાં આવ્યા છે તેમાં શાળાઓએ ઓડીટ કરાવ્યું છે? અગાઉ કેટલી ફી લેવાતી હતી, હાલ કેટલી લેવાય છે? વગેરે વિગતો તૈયાર કરવામાં આવી છે.

જાગ્યા ત્યારથી સવાર
શિક્ષણનું વેપારીકરણ કરીને મસમોટી રકમનો નફો મેળવતી કેટલીક શાળાઓ સામે હાલ પ્રશ્ન ઉભા થઇ રહ્યા છે. નિયમનો ભંગ કરીને થઇ રહેલી આ પ્રવૃતિમાં અગાઉ પણ જે તે સમયે જુદા જુદા કિસ્સામાં તપાસ થતાં સુચનાઓ આપવામાં આવી હતી. પરંતુ રાજકીય પીઠબળ અને અધિકારીઓના મેળાપીપણાને લીધે પણ કોઇ સામે કાર્યવાહી થઇ શકી ન હતી. માત્ર કાગળ પર જ વહીવટી તંત્રની જેમ શિક્ષણ વિભાગે ઘોડા દોડાવવાની કાર્યવાહી ચાલુ રાખી હતી. હવે વાલીઓ અપેક્ષા રાખી રહ્યા છે કે હાલ જાગ્યા ત્યારથી સવાર સમજીને શિક્ષણ વિભાગે પગલા ભરવાનું મન મનાવ્યું છે ત્યારે પાણીમાં બેસી જવાને બદલે જરૂરી કાર્યવાહી કરીને વાલીઓને આ ઉઘાડી લૂંટમાંથી મુક્તિ અપાવશે.

અન્ય સમાચારો પણ છે...