પાલિકાની માત્ર 12.69 કરોડની જ થઇ વસૂલાત

ટાર્ગેટ અધિકારી-પદાધિકારીની નબળાઇથી 31 માર્ચ સુધી વેરા વસૂલતા 32.91 કરોડના લક્ષ્યાંક સામે 38.56 ટકા જ રિકવરી ...

DivyaBhaskar News Network | Updated - Apr 04, 2018, 03:15 AM
પાલિકાની માત્ર 12.69 કરોડની જ થઇ વસૂલાત
ગાંધીધામ નગરપાલિકા દ્વારા વિતેલા નાણાંકીય વર્ષમાં 31 માર્ચ સુધી અપાયેલા 32.91 કરોડના લક્ષ્યાંક સામે 12.69 કરોડની જ વસૂલાત થતાં પાંગળી કહી શકાય તેવી 38.56 ટકા જેટલી વસૂલાત થતાં અનેકવિધ પ્રશ્નો ઉભા થયા છે. પાલિકાના અધિકારી રાજકારણના રંગે રંગાયા હોવાથી એક યા બીજા કારણોસર વસૂલાત ક્ષેત્રે પણ જે કામગીરી કરાવવી જોઇએ તે કામગીરી કરાવવામાં નિષ્ફળ ગયા છે તેમ કહી શકાય. જ્યારે પદાધિકારીઓ પણ અંદરઅંદરની ખટપટમાં રચ્યપચ્યા રહેતા હોવાથી વસૂલાત મુદ્દે ધ્યાન આપવું જોઇએ તે આપવાનું ટાળતા આવી સ્થિતિ ઉભી થઇ છે તે બાબતે બન્ને જવાબદાર ગણી શકાય.

નગરપાલિકા દ્વારા વેરા વસૂલાતની કામગીરી દર વર્ષે વિવાદ ઉભા કરે છે. વર્તમાન વર્ષમાં ચીફ ઓફિસર નીતિન બોડાત નવા હોવાથી સારી એવી વસૂલાત પાલિકાની તિજોરીમાં આવશે તેવી અપેક્ષાઓ ઉભી થઇ હતી. પરંતુ વહીવટી ક્ષેત્રે પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ ગયેલા આ અધિકારી વસૂલાતમાં પણ ધારી એવી કોઇ કામગીરી કરી શક્યા નથી, તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. મોડે મોડે ટીમ બનાવીને વસૂલાતની કામગીરી કરાવી તેમાં પણ કચાસ રાખવામાં આવી હતી. કડકાઇથી વસૂલાત થાય તે માટે કોઇ જ પગલા ભરવામાં ન આવતાં પાલિકાને વસૂલાત ક્ષેત્રે આ વર્ષે પણ નીચા જોવા જેવું થયું છે.

વેરાની વસૂલાત

વેરા વસૂલાત

મિલ્કત વેરો 526.22 લાખ

સામાન્ય સફાઇ વેરો 56.51 લાખ

ખાસ સફાઇ વેરો 74.50 લાખ

દિવાબત્તી વેરો 68.77 લાખ

સામાન્ય પાણી વેરો 293.52 લાખ

ગટર વેરો 51.53 લાખ

શિક્ષણ ઉપકર 65.72 લાખ

કુલ 1136.7 લાખ

વ્યાજની રકમ 132.43 લાખ

કુલ 1269.20 લાખ

નવું બીલ જનરેટ થતા અઠવાડીયું નિકળી જશે

પહેલી એપ્રિલથી નવા નાણાંકીય વર્ષનો પ્રારંભ થઇ રહ્યો છે. પાલિકાની તિજોરીમાં આવેલી વસૂલાત પછી આગામી વર્ષમાં વેરાની વસૂલાત માટે કેટલો લક્ષ્યાંક નક્કી કરાશે, તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે. પરંતુ નવા બીલ જનરેટ થવા માટે સામાન્ય સંજોગોમાં અઠવાડીયાનો સમય વિતી જતો હોવાથી ત્યાર બાદ નવા બીલની બજવણીની કામગીરી શરૂ કરવામાં આવશે.

પાલિકા માટે હવે જાગ્યા ત્યારથી સવાર

ખટપટના રાજકારણમાં રાચી રહેલા અધિકારી અને પદાધિકારીઓએ વસૂલાત પ્રત્યે ગંભીર ચિંતન કરવાની જરૂર છે. નવા નાણાંકીય વર્ષમાં પાલિકાની તિજોરીમાં વધુમાં વધુ વસૂલાત થાય તે માટે શરૂઆતના મહિનાથી જ સક્રિયતા દાખવવી પડશે. કોઇ ચમરબંધીની શેહશરમ રાખ્યા વગર બાકીદારો સામે કડકાઇથી પઠાણી ઉઘરાણી કરવામાં આવે તે જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ વેરા વસૂલાત નબળી કામગીરી અંગે રાજ્ય સરકારના સચિવે પણ નોંધ લીધી હતી. ઇફ્કો ગેસ્ટહાઉસમાં આવેલા શહેરી વિકાસના સચિવ દ્વારા તત્કાલિન પાલિકાના પ્રમુખ જીગર પટેલ પાસે વસૂલાતના આંકડા માંગ્યા પછી નબળાઇ જાણીને વસૂલાત પર ધ્યાન મુકી વધુને વધુ વસૂલાત પર ભાર મુક્યો હતો.

X
પાલિકાની માત્ર 12.69 કરોડની જ થઇ વસૂલાત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App