Home » Gujarat » Bhuj » Gandhidham » સંકુલમાં પાણીદાર નેતાની ખામીને પગલે પાણીનો જથ્થો ઘટાડી દેવાયો

સંકુલમાં પાણીદાર નેતાની ખામીને પગલે પાણીનો જથ્થો ઘટાડી દેવાયો

Divyabhaskar.com | Updated - Mar 01, 2018, 03:10 AM

ગાંધીધામ-આદિપુરમાં પાણી પહોંચાડવા માટે પાણી પુરવઠા બોર્ડ દ્વારા બે દિવસ પહેલા 24 એમએલડી પાણી અપાતા રાહત થઇ હતી....

  • સંકુલમાં પાણીદાર નેતાની ખામીને પગલે પાણીનો જથ્થો ઘટાડી દેવાયો

    ગાંધીધામ-આદિપુરમાં પાણી પહોંચાડવા માટે પાણી પુરવઠા બોર્ડ દ્વારા બે દિવસ પહેલા 24 એમએલડી પાણી અપાતા રાહત થઇ હતી. પરંતુ આ રાહત ઠગારી નિવડે તેવી સ્થિતિ બીજા દિવસે શરૂ થઇ ગઇ છે. 18 એમએલડી પાણી આપવામાં આવતા આદિપુરમાં ખાસ કરીને ઉહાપોહ મચી ગયો છે. બે દિવસથી જુદા જુદા વિસ્તારમાં પાણી ન મળતાં લોકોમાં રોષની લાગણી જન્મી છે અને પાલિકાના પદાધિકારીઓને રજૂઆતો પણ કરવામાં આવી છે.

    નર્મદાના પાણી પર આધારીત ગાંધીધામ- આદિપુરમાં પીવાના પાણી અંગે જેવું જોઇએ તેવું દબાણ આગેવાનો દ્વારા કરવામાં ન આવતાં લોકોને અત્યારથી જ પાણી માટે મુશ્કેલી પડી રહી છે. નેતાઓ પાણી વગરના જણાતા પાઘડીનો વળ છેડે આવી રહ્યો છે. બે દિવસ પહેલા 24 એમએલડી પાણી આપવામાં આવ્યા પછી પડદા પાછળ બીજા જ દિવસે રાજરમત રમીને પાણીનો જથ્થો પાણી પુરવઠા બોર્ડ દ્વારા ઘટાડી નાખવામાં આવતાં લોકોને પાણી આપી શકાયું ન હતું. ચાર દિવસે પાણી આપવાની યોજના આદિપુરમાં ચાલી રહી છે પરંતુ જે તે દિવસે જે વિસ્તારનો શિડ્યુલ હતો તે પણ જળવાયો ન હતો. જેનો સીધો રેલો પાલિકાના પદાધિકારી સુધી પહોંચ્યો હતો.

    60 કરોડથી વધુ રકમ બાકી બોલે છે

    પાણી પુરવઠા બોર્ડ મારફત નગરપાલિકા દ્વારા નર્મદાનું પાણી ઉપાડવામાં આવી રહ્યું છે. વર્ષોથી આ પદ્ધતિએ પાણી ઉપાડવામાં આવ્યા પછી માસીક બીલ બને છે તેની 50 ટકા જ રકમ પાલિકા દ્વારા ભરવામાં આવે છે, જેને કારણે દર મહિને પાણીના બીલમાં વધારો થઇ રહ્યો છે. બાકી રહેલ બીલની રકમ હાલ અંદાજે 60 કરોડથી વધુ પહોંચી છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા આ બાબતે અગાઉ પાલિકાને નોટિસ પણ આપીને પાણી ન આપવાનું મન બનાવ્યું હતું. પરંતુ રાજકીય પ્રેસરને કારણે પાણી પુરવઠા બોર્ડ મક્કમ રહી શક્યું ન હતું અને પાણીમાં બેસી ગયું હતું. ઉલ્લેખનીય છે કે, અગાઉ પાણીના બીલ ભરવાની બાબતે મંત્રી સાથે રજૂઆત કરવામાં આવ્યા પછી જે બીલ આવે તેના 50 ટકા રકમ દર મહિને ભરવાની નક્કી થઇ હતી. જેને કારણે વર્ષોથી આ પદ્ધતિ મુજબ બીલ ભરવામાં આવતાં 50 ટકા રકમ ચડી જતાં મામલો કરોડોએ પહોંચ્યો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ