Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » 3.50 લાખની તરસ છિપાવવા નેટવર્કનો અભાવ

3.50 લાખની તરસ છિપાવવા નેટવર્કનો અભાવ

Divyabhaskar.com | Updated - Apr 05, 2018, 03:05 AM

પાણીના ટીંપેટીંપાનો સદઉપયોગને બદલે થઇ રહેલો બગાડ : પાલિકાના ઠાગાઠૈયા 29 અંડરગ્રાઉન્ડ સમ્પ અને 10.10 ઓવરહેડ...

 • 3.50 લાખની તરસ છિપાવવા નેટવર્કનો અભાવ
  મહાદેવ મહેતા. ગાંધીધામ

  ગાંધીધામ નગરપાલિકા દ્વારા 3.50 લાખની વસ્તીને પાણી પુરૂં પાડવા માટે વર્ષોથી વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું નથી. પાણીના સ્ટોરેજની કેપેસીટી માટે બનાવવામાં આવેલા પાણીના ટાંકામાં અંદાજે 39 એમએલડી પાણી સ્ટોરેજ થઇ શકે તેવી ક્ષમતા હોવા છતાં નેટવર્કના અભાવે 3.50 લોકોને પિવાના પાણીની મુશ્કેલી ઉભી થઇ રહી છે. જેથી લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી સુવિધાઓ શોભાના ગાંઠીયાની ગરજ સારી રહી છે. પાલિકાના સત્તાધિશો પોતપોતાના રાજકારણમાં રાચતા રહીને લોકોને છતે પાણીએ તરસે રહે તેવી સ્થિતિનું નિર્માણ કરવા પડદા પાછળ રમત રમી રહ્યા છે.

  ગાંધીધામ પાલિકા પાસે લાખો રૂપિયાની ગ્રાન્ટ આવે છે પરંતુ આ આવેલી ગ્રાન્ટના પૈસાનો ઉપયોગ પાણીની જેમ કરવામાં આવી રહ્યો હોય તેવી સ્થિતિ છે. લોકસુવિધા માટે અપાઇ રહેલી જંગી રકમની ગ્રાન્ટમાંથી નમૂનેદાર કામ કરાવીને લોકોને સુવિધા મળે તે માટે જે નક્કર આયોજન કરવું જોઇએ તે કરવામાં આવ્યું નથી. જેને કારણે અવારનવાર પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. ભાજપના સંગઠનના હોદ્દેદારો પણ પોત-પોતાના આંતરીક ખટપટના રાજકારણમાં રાચતા હોવાથી પાલિકા પર તેનો અંકુશ રહ્યો નથી. જેને કારણે ભાજપને વધુને વધુ બદનામી વહોરવી પડે તેવી સ્થિતિ ઉભી થઇ રહી છે. વહીવટના ખેલમાં પાધરા પડી રહેલા નેતાઓ એક પછી એક બાબતોમાં કાગળ પર કામગીરી કરાવીને સંતોષનો ઓડકાર લઇ રહ્યા છે.

  પાલિકાએ સુવિધા ઉભી કરેલી પૈકી એક ટેન્ક

  પાણીની તંગી ઉભી નહીં થાય તેવા આયોજનનો દાવો

  પાલિકાના પ્રમુખ ગીતાબેન ગણાત્રાએ એવો દાવો કર્યો હતો કે, ઉનાળાના દિવસોમાં લોકોને પિવાના પાણીની કોઇ તંગી ઉભી નહીં થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે બીજી તરફ ચીફ ઓફિસર નીતિન બોડાતે રામબાગ પાણીના ટાંકાની કામગીરી કેટલે પહોંચી તે અંગે પૂછતાં ટુંક સમયમાં જ આ કામ પુરૂં થઇ જશે તેમ જણાવ્યું હતું.

  પાણીની વિતરણ વ્યવસ્થાની ખામી

  વિતરણ વ્યવસ્થાની ખામીને કારણે અનેકવિધ પ્રશ્નો પણ ઉભા થઇ રહ્યા છે. 27થી 35 એમએલડી જેટલું પાણી આવતું હોવા છતાં પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે, તેમાં વિતરણ વ્યવસ્થાનો મુદ્દો પણ અગત્યનો છે. જ્યારે કેટલાક લીકેજને લીધે પણ પાણી વેડફાઇ રહ્યું છે. પાણી વિતરણમાં જોવામાં આવે તો કેટલાક વિસ્તારમાં નિયમિત શિડ્યુલ જળવાતો નથી. મોડી રાત્રે કે પરોઢીયે પાણી આવી રહ્યું છે. આ અંગે જે તે વિસ્તારમાંથી ફરિયાદો પણ ઉઠી હતી પરંતુ પાલિકા દ્વારા તેનું કોઇ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે, ગાંધીધામ દ્વારા એકાંતરે અને આદિપુરમાં ત્રણ દિવસે પાણી સપ્લાય કરવામાં આવી રહ્યાનો પાલિકા દાવો કરી રહી છે. વિધાન સભાની ચૂંટણીમાં પાણીની કોઇ સમસ્યા જ નથી તેવો દાવો કરીને સત્તા પક્ષના આગેવાનોએ છાતી ઠોકીને કોઇ પ્રશ્નો નથી ઉભા થયા તેવી ડંફાસો મારવામાં પણ પાછીપાની કરી ન હતી.

  સ્ટોરેજની કેપેસીટી પર નજર (આંકડા એમએલડીમાં)

  વિસ્તાર અંડરગ્રાઉન્ડ ઓવરહેડ કુલ

  સમ્પની ક્ષમતા ટેન્કની ક્ષમતા

  HSR, આદિપુર 5 અને 2 - 7

  વોર્ડ 2/બી 1.60 1 2.60

  4/બી 2 1 3

  ડીસી-5 0.50 0.30 0.80

  રામબાગ 4 અને 3.50 2.50 10

  વોર્ડ-6 ઇન્ડ. 2 1 3

  વોર્ડ 9/બી 1 અને 1 1 અને 0.30 3.30

  સુંદરપુરી 1.60 અને 1.60 1 4.20

  જગજીવનનગર 1.60 1 2.60

  સેક્ટર-4 1.60 1 2.60

  કુલ 29 10.10 39.10

  રામબાગ પાણીના ટાંકામાં વિવાદ

  રામબાગ પાણીના ટાંકા પર ગત બોડી વખતે મોટા પાયા પર વિવાદ થયો હતો. છત ન હોવાથી કચરો પડી રહ્યાની સાથે સાથે જુદી જુદી ફરિયાદો પણ ઉભી થઇ હતી. જેમાં તાડપત્રી ઢાંકીને પાલિકા દ્વારા વહીવટ કરવામાં આવી રહ્યો હતો અને પૈસા ન હોવાના વાંકે આ સુવિધા સામે ધ્યાન અપાતું ન હતું. જ્યારે વર્તમાન શાસકો દ્વારા પાણીનો ટાંકો નવો બનાવવા માટે અંદાજે સવા કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યા પછી કરવામાં આવી રહેલું કામ પણ ગોકળગતિએ ચાલી રહ્યું છે. જે બાબતે પાલિકાના અધિકારી કે જેની આ બાબતે જવાબદારી છે તે ચીફ ઓફિસર નીતિન બોડાત પણ નજર અંદાજ કરીને તેના પેટનું પાણી હલતું નથી. સત્તાપક્ષના સભ્યો પણ આંખ મીચિંને બેઠા રહ્યા છે. જ્યારે વિપક્ષ તો છે જ નહીં તેવો ઘાટ સર્જાયો છે. આ નવા કામ માટે પણ જમીનનો પ્રશ્ન ઉભો થયો હતો. ભાજપની અંદરોઅંદરની ખટપટને કારણે સમયસર કામો થતા નથી તે પણ એક હકીકત છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending