Home » Gujarat » Bhuj » Gandhidham » બાંધકામના નિયમ માટે પુન: માર્ગદર્શન મંગાયું

બાંધકામના નિયમ માટે પુન: માર્ગદર્શન મંગાયું

Divyabhaskar.com | Updated - Mar 30, 2018, 03:05 AM

Gandhidham News - આંટીઘૂંટી જીડીએમાં ત્રણ મહિનાથી 277 અરજી પેન્ડીંગ : નવા બાંધકામના નિયમનો મુદ્દો ઉકેલાતો નથી કાગડોળે...

 • બાંધકામના નિયમ માટે પુન: માર્ગદર્શન મંગાયું

  રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં બાંધકામના સમાન નિયમ લાગુ પાડવા માટે જાહેરાત કરવામાં આવી હતી. અન્ય શહેરોની તુલનામાં ગાંધીધામમાં જીડીએના પોતાના નિયમો હોવાની સાથે ભૌગોલિક દ્રષ્ટીકોણ વગેરે મુદ્દા ધ્યાનમાં લઇને બનાવવામાં આવેલા બાંધકામ અંગેના નિયમો પર તરાપ મારવામાં આવી હતી. નવા નિયમની અમલવારી થઇ તો અનેકવિધ પ્રશ્નો ઉભા થાય તેવી સ્થિતિમાં જીડીએ પાસે આવેલી બાંધકામની ફાઇલને તાળાકુંચી મુકી દેવાની ફરજ પડી હતી. મંજુરીના અભાવે ત્રણ- ત્રણ મહિનાથી વધારે સમય સુધી 277 અરજી પર કોઇ નિકાલ ન થતાં મકાન બનાવનાર ઇચ્છતા લોકોની હાલત કફોડી થઇ ગઇ છે. નિયમના માર્ગદર્શન અંગે જીડીએ દ્વારા ફરી એક વખત રાજ્ય સરકારમાં ખોળો પાથરવામાં આવ્યો છે. જ્યાંથી કોઇ નિર્ણય આવતો ન હોવાથી ઉભી થયેલી આ પરીસ્થિતિનો હલ લાવવા સ્થાનીક ભાજપના નેતાઓ પણ વામણા પુરપાર થઇ રહ્યા છે.

  સંકુલમાં એકબાજુ કુદકેને ભુસકે વિકાસ થઇ રહ્યો છે. પચરંગી વસ્તીને કારણે લઘુ ભારત ગણાતા ગાંધીધામમાં એકબાજુ જમીનનો પ્રશ્ન વિકટ છે. એસઆરસી, કેપીટી વચ્ચે જમીનના મુદ્દે ચાલતા વિખવાદમાં સામાન્ય લોકોની હાલત આમેય કફોડી બની છે. ફ્રી હોલ્ડ જમીનનો મુદ્દો હલ થતો નથી. માત્ર લોલીપોપ આપીને દર વખતે લોકોને મનાવવાનો પ્રયત્ન ભાજપના આગેવાનો કરીને સંતોષ માની રહ્યા છે. વામણી નેતાગીરીના પાપે ગાંધીધામ સંકુલનો વિકાસ પણ રૂંધાય તેવી સ્થિતિ ઉભી થઇ રહી છે. પરંતુ આંતરીક ખટપટના રાજકારણમાં રાચતા નેતાઓના પેટનું પાણી પણ આ મુદ્દે હલતું હોય તેવું જણાતું નથી.

  નવા નિયમોના અમલીકરણ શક્ય છે?

  બાંધકામના નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જેની સામે ગાંધીધામ જ નહીં પરંતુ રાજ્યભરમાંથી જુદા જુદા મુદ્દાઓને ધ્યાને લઇને વિરોધ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર સમક્ષ થોડાક સમય પહેલા ગયેલા પ્રતિનિધિમંડળે આ બાબતની ગંભીરતાથી રજૂઆત પણ કરીને સંકુલનો અલગ અભિગમ વ્યક્ત કરીને તાકીદે ઉકેલ માટે રજૂઆત કરી હતી. પરંતુ તેનું કોઇ નિરાકરણ આવ્યું નથી. આજે આવશે કાલે આવશે તેવી ખાતરીઓ આપવામાં આવી રહી છે. જીડીએમાં આ બાબતે પૂછપરછ કરવા આવતા લોકો હવે કંટાળી ગયા છે.

  કેટલાકે તો બાંધકામ શરૂ કરી દીધા

  જાણકાર વર્તુળોના દાવા મુજબ નવા બાંધકામના નિયમો જીડીએમાં સુસંગત ન હોવા છતાં ઠોકી બેસાડવામાં આવી રહ્યા છે તેની સામે વિરોધ ઉઠી રહ્યો છે. દરમિયાન જે લોકોએ અરજી કરી છે તેનો કોઇ નિકાલ ન આવતાં કેટલાકે તો ચોરીચોરી ચુપકે ચુપકે બાંધકામ શરૂ પણ કરી દીધું છે. આમેય ગાંધીધામમાં ગેરકાયદેસર બાંધકામ કરનારા સામે જીડીએ વામણું જ પુરવાર થયું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ