Home » Gujarat » Bhuj » Gandhidham » નળ-ગટર ન કાપવા મોટા માથાઓનું પ્રેસર

નળ-ગટર ન કાપવા મોટા માથાઓનું પ્રેસર

Divyabhaskar.com | Updated - Feb 22, 2018, 02:55 AM

ગાંધીધામ નગરપાલિકા દ્વારા વેરા વસૂલાતની કામગીરી હંમેશા વિવાદમાં રહી છે. અધિકારી અને પદાધિકારી વચ્ચે સંકલનનો...

 • નળ-ગટર ન કાપવા મોટા માથાઓનું પ્રેસર
  ગાંધીધામ નગરપાલિકા દ્વારા વેરા વસૂલાતની કામગીરી હંમેશા વિવાદમાં રહી છે. અધિકારી અને પદાધિકારી વચ્ચે સંકલનનો અભાવ કે અન્ય કોઇ પરીબળને કારણે જોઇએ તેવું પરીણામ આવી શક્યું નથી. પાલિકાના ઇતિહાસમાં અત્યાર સુધી જોવામાં આવે તો 50 ટકાથી વધુ વસૂલાતનો લક્ષ્યાંક પાર પાડી શકાયો નથી. નાણાંકીય વર્ષ પુરૂં થવામાં છે ત્યારે હજુ 20 કરોડથી વધુ રકમની વસૂલાત પાલિકાની તિજોરીમાં થઇ શકી નથી. માત્ર 11 કરોડની વસૂલાત એપ્રિલ 2017થી જાન્યુઆરી 2018 સુધી કરવામાં આવી છે. બાકીદારોના નળ, ગટરના જોડાણ કાપવા માટે નક્કી કરવામાં આવ્યા પછી અંદાજે 35થી વધુ કનેકશન કાપીને ઝૂંબેશ પડતી મુકવી પડી છે. હાલ પણ જે તે ટીમ રીકવરી માટે જાય છે તેને મોટા માથાઓના ફોન આવી જતાં વસૂલાત વગર જ લીલાતોરણે પરત ફરવું પડે તેવી સ્થિતિ ઉભી થતી હોવાની ફરિયાદ ઉઠી રહી છે.

  નગરપાલિકા દ્વારા વેરા વસૂલાતનો ટાર્ગેટ દર વર્ષે પાર પાડવા માટે શરૂઆતના સ્તરે જે કામગીરી કરવી જોઇએ તે કરવામાં આવતી નથી. જાગ્યા ત્યારથી સવાર સમજીને મોડે મોડે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે, જેને કારણે પાલિકાની તિજોરીમાં જોઇએ તેવી વસૂલાત લાવી શકાતી નથી, તે હકીકત છે. પાલિકામાં અધિકારી અને પદાધિકારી વચ્ચે ચાલતા ઠંડાયુદ્ધને કારણે પણ કેટલીક વખત વસૂલાતની કામગીરી નબળી પડી રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. વસૂલાત માટે ચીફ ઓફિસર નીતીન બોડાત દ્વારા જુદી જુદી પાંચથી વધુ ટીમ પણ બનાવવામાં આવી છે અને રોજેરોજ સમયાંતરે કેટલી વસૂલાત થઇ તે અંગે રિવ્યુ પણ લઇને જરૂરી સૂચના આપવામાં આવે છે. પરંતુ આ સૂચનાની પાછળ જોઇએ તેવી ગંભીરતા કે કડકાઇ ન હોવાને કારણે કર્મચારીઓ પણ તેને સોંપવામાં આવેલી કામગીરી સક્રિય રીતે પાર પાડી શકતા નથી. રાજકીય દબાણ ન થાય તે માટે સ્વયંભૂ નેતાઓએ સમજવાની જરૂર છે.

  નોટબંધી વખતે એક દિવસમાં 65 લાખની વસૂલાત થઇ હતી

  સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વિકાસકામો કરવામાં આવે છે, જેમાં રાજ્ય કે કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી જ મોટાભાગની સુવિધાઓ ઉભી કરવામાં આવતી હોય છે. સ્થાનિક સ્તરે સ્વભંડોળની રકમ વધુ એકત્ર કરવા માટે સરકારી બાબુઓની કેટલીક વખતની નબળાઇને કારણે વસૂલાત જુદી જુદી ન થતાં તિજોરીમાં આવક આવતી નથી. અગાઉ રાજ્ય કક્ષાના શહેરી વિકાસના અધિકારી દ્વારા સૂચના આપવામાં આવી હતી. તેનું પણ કોઇ જ પાલન કરવામાં આવ્યું નથી. અને તે પદ્ધતિએ વેરા વસૂલાત કરાઇ નથી. ગત સમયે નોટબંધીને કારણે પાલિકાને જુની નોટ 500 અને 1000ની લેવામાં આવતાં એક દિવસમાં જ અંદાજે 65 લાખની આવક થતાં વિક્રમ સર્જાયો હતો.

  આકારણી કરવામાં ખાટલે મોટી ખોટ

  નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત માટે કરવામાં આવી રહેલી કામગીરીમાં અનેકવિધ અંતરાય આવી રહ્યા છે. ખાસ કરીને રાજકીય પક્ષોના આગેવાનો દ્વારા પણ આવતી ભલામણને કારણે વસૂલાતનો લક્ષ્યાંક પાર પાડી શકાતો નથી. વળી, કેટલાક વિસ્તારમાં તો હજુ આકારણી કરવામાં પણ ન આવતાં પાલિકાના ચોપડે મિલ્કત બોલતી નથી. અંદાજે 55 હજાર મિલ્કતો પાલિકાના ચોપડે બોલી રહી છે. હજુ પણ વસ્તી અને વિસ્તાર વધતાં રહેણાંક અને બિનરહેણાંક મિલ્કતોની આકારણી વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો ઘણી વસૂલાત થઇ શકે તેમ છે. આ ઉપરાંત સરકારી મિલ્કતોની આકારણી પણ કરવામાં પાલિકા દ્વારા આળસ કરવામાં આવી રહી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ