મિલ્કત વેરો સ્વિકારવામાં બહાનાબાજી
ગાંધીધામપાલિકાની માગણા નોટિસ પછી અરજદાર દ્વારા વેરા ભરવા જતાં રોજમદાર કર્મચારીએ બહાના કઢતા મામલો ઉચ્ચકક્ષાએ પહોંચ્યા પછી વેરો ભરાયો હતો.
મહેક ઓનર્સ એસોસિએશનને મિલ્કત વેરાની માગણા નોટિસ મોકલવામાં આવી હતી. ટેક્ષ વિભાગના રોજમદાર કર્મચારી મહેશ દેવરીયાએ વોર્ડ 12/બી, પ્લોટ નં. 212 ઉપરની બિલ્ડીંગના મિલ્કતવેરાની રકમ સ્વિકારવા બહાના કાઢતા હોવાની ફરિયાદ ઉઠી હતી. એસો.ના પ્રમુખ વિદ્યાધર ચંદનાનીએ મુદ્દે સીઓ નીતિન બોડાતને ફરિયાદ કરતાં તેઓએ દેવરીયા તેમના વકીલ અને મેજીસ્ટ્રેટ તેમ કહીને તે પ્રમાણે કરવાનું રહેશે તેવો જવાબ આપતા એસોસિએશનના પદાધિકારીને આંચકો લાગ્યો હતો. મુખ્ય અધિકારીના આવા બેજવાબદાર કથન અંગે જિલ્લા મ્યુનિસીપલ અધિકારી અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવ્યા પછી મિલ્કત વેરાની રકમ લેવામાં આવી હતી. હવે ગાંધીનગર રજૂઆત કરવામાં આવે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.
ટેક્ષ વિભાગનો હવાલો કોની પાસે?
ગાંધીધામપાલિકામાં કાયમી અને રોજમદાર કર્મચારી દ્વારા રગસીયો વહીવટ ચલાવવામાં આવે છે, તેમાં કેટલાક વિભાગોમાં અવારનવાર વિવાદ ઉભા થતા હોય છે. આજે ઉભા થયેલા પ્રશ્ને એવી પણ ચર્ચા કર્મચારીઓમાંથી ઉઠી રહી છે કે, રોજમદાર કર્મચારી મહેશ દેવરીયા મુદ્દે જવાબદાર છે કે તેના ટેક્ષ વિભાગના અધિકારી. દેવરીયા તો માત્ર કર્મચારી છે. હકીકતે વિભાગનો હવાલો છે તે અધિકારી કોણ છે અને તેની ફરજ શું છે તે પણ ચર્ચાનો વિષય છે.