રાજકારણનું એપી સેન્ટર નગરપાલિકા બની

DivyaBhaskar News Network

Apr 06, 2018, 02:55 AM IST
રાજકારણનું એપી સેન્ટર નગરપાલિકા બની
ભાજપના 39મા સ્થાપના દિનની ઉજવણી શુક્રવારે કરવામાં આવનાર છે. ભાજપ પહેલા જનસંઘ સમયથી ગાંધીધામમાં જોવામાં આવે તો નગરપાલિકા રાજકારણનું એપી સેન્ટર રહ્યું છે. હાલ પણ આ સંસ્થામાં ભાજપનો દબદબો યથાવત છે. જે તે બેઠક પર ઉભા રહેવા માટે કોઇ ઉમેદવાર મળતો ન હતો અને જે ઉમેદવારને ચૂંટણીમાં ઉભા રાખવામાં આવતા હતા. આજે ટીકીટની ખેંચતાણ માટે વરવા પ્રદર્શનોની સાથે હું નહીં તો તુ પણ નહીં તેવી પદ્ધતિ અપનાવીને રાજકારણ રમાય છે.

જાણકાર લોકોના જણાવ્યા મુજબ 1959માં નગરપાલિકામાં જનસંઘ ચૂંટાયું હતું. જનસંઘી સર્વોદય ગ્રૂપ સાથે સંકળાઇને ચૂંટણી લડતા હતા અને સત્તા મેળવતા હતા. કટોકટીના 75થી 78 સુધીના ગાળાને બાદ કરતાં ત્યાર બાદના સમયમાં ભાજપે સ્થાનીક કક્ષાએ પકડ જમાવી લીધી છે તેમ કહી શકાય. 1984થી ધીરૂભાઇ શાહના આગમન સાથે ભાજપે સતત પ્રગતિની કૂચ જાળવી રાખીને સત્તા ટકાવવામાં સફળતા મેળ‌વી છે. વચ્ચે એક ગાળામાં કોંગ્રેસના ટેકાથી પુષ્પેન્દ્ર શર્મા જીત્યા હતા પરંતુ તેની સામે પક્ષાંતર ધારો લાગુ પડ્યા પછી પુન: ભાજપે સત્તા મેળવી હતી. સ્થાપના કાળથી જ સિંધી સમાજ ભાજપની પડખે ઉભો રહ્યો છે. આજે પાલિકામાં તારાચંદ ચંદનાની, મનોજ મુલચંદાણી, પ્રિયા ગુરબાની, ઉષા મીઠવાણી, પરમાનંદ ક્રિપલાણી,પુનમ પરીયાણી, દિવ્યા નાથાણી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. અગાઉ પણ સુરેશ નિહલાણી, બિસ્મી ઇશરાની, નારીભાઇ પરીયાણી વગેરેએ પ્રતિનિધિત્વ કર્યું હતું. જે તે સમયે કર્મનિષ્ઠ કાર્યકરોએ ત્યાગ તપસ્યા કરી તેના મીઠા ફળ આજે ભાજપના લોકો ચાખી રહ્યા છે, તે સત્તાની ખુરશી પર બેઠેલા શાસકોએ ભૂલવું ન જોઇએ.

મોદી જીતુભાઇને ત્યાં રોકાયા હતા

સંકુલમાં રહેલા અને જે તે સમયે સંઘર્ષ કરીને જનસંઘના દિવડાને પ્રગટાવવા માટે પરીશ્રમરૂપી તેલ રેડીને રાજકારણની જ્યોત જલતી રાખી છે. તેવા કેટલાય આગેવાનો હાલ પદડા પાછળ ખોવાઇ જતા કહાં ગયે વો લોગ જેવી બાબતની ચર્ચા પણ થાય છે. આદિપુરમાં વસવાટ કરતા જીતેન્દ્રભાઇ ચંદુલાલ પોટા કે જેનો જન્મ યુગાન્ડામાં થયો હતો. 1971માં ભારત આવ્યા અને અમદાવાદમાં મણીનગરમાં સ્થાયી થયા હતા. જ્યારે 1975માં ઇંદીરાગાંધીએ કટોકટી લાદી ત્યારે નાનાજી દેશમુખે રૂબરૂ આવીને જીતુભાઇને તેમના ઘરે બે પ્રચારકો આસરે રહેશે તેવી જવાબદારી સોંપી હતી. તેમાં નરેન્દ્રભાઇ મોદીને પણ સમાવેશ થતો હતો. આવા જ અન્ય એક જુના જોગીમાં આદિપુરના કૃષ્ણકુમાર જોશી, ગુલાબરાય મોટુમલ ગુરનાની, દિલીપ અમૃતલાલ ઓઝા, ડૉ. નરેશ લક્ષ્મીશંકર જોશી, મોટુમલ ચૈનાણી, નાઉમલ વગેરેનો ઉલ્લેખ કરી શકાય. આ પૈકીના કેટલાક હયાત છે.

એક સમયે ગણેશનગર જેવા વિસ્તારમાં ઉમેદવાર ન હતા

જનસંઘ અને ભાજપના ઇતિહાસ પર નજર નાખવામાં આવે તો ગાંધીધામ મુખ્ય શહેરી વિસ્તાર સિવાયના સુંદરપુરી, ગણેશનગર, મહેશ્વરીનગર જેવા એરીયામાં જે તે વખતે ભાજપ પાસે ઉમેદવારો લડવા તૈયાર ન હતા. પરંતુ કોંગ્રેસ બીનહરીફ રીતે ચૂંટાઇ ન આવે તે માટે ધરાર કોઇને ટીકીટ આપીને ઉભા રાખવામાં આવતા હતા. આજે સમય બદલાયો છે. પાલિકામાં હાલ દંડક તરીકે સેવા આપી રહેલા ગેલાભાઇ ભરવાડના પિતા નથુભાઇને જે તે સમયે ત્રણ વખત ટીકીટ આપીને લડાવવામાં આવ્યા હતા.

થાવરદાસ ચતુરાણીને રાજ્યપાલ પદ મળતું હતું

જાણકાર વર્તુળોના દાવા મુજબ 1972થી 1974 સુધી જનસંઘના પ્રચારક તરીકે સક્રિય રહેલા દાદા થાવરદાસ ચતુરાણીએ જનસંઘની વિચારસરણીને જનમાનસ સુધી પહોંચાડવા પ્રયત્ન કર્યા હતા. 1972માં અંજાર વિધાનસભામાંથી તેમણે ટીકીટ પણ આપવામાં આવી હતી. ચતુષ્કરણીઓ જંગ ખેલાયો હતો ત્યારે તેને સાડા બાર હજાર મત મળ્યા હતા. તે પણ તેની જીત ગણી શકાય. અગાઉ એક વખત તેમની સેવાઓને ધ્યાનમાં રાખીને રાજ્યપાલ બનાવવા માટે પણ ઓફર થઇ હતી. તેમની સાથે રહેલા એક વખતના સાથી મધુકાંતભાઇ શાહે આ બાબતની જાણકારી આપી હતી.

X
રાજકારણનું એપી સેન્ટર નગરપાલિકા બની
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી