વિવિધ પ્રકારની મોડસ ઓપરેન્ડી વાપરીને કંડલા પોર્ટ પર આયાત થતા ઓઈલની તસ્કરી કરવાના એક બાદ એક પ્રયાસો સામે આવી રહ્યા છે. બેફામ બનેલા તસ્કરોએ મોડી રાત્રે સ્ટોરેજ ટેંક સુધી પહોંચી તેમાંથીજ તેલ ચોરી લેવાનો પ્રયાસ કર્યાની ઘટના બનવા પામી હતી. પરંતુ કંપનીના લોકો જાગી જતા બન્ને શખસો છુ થઈ ગયા હતા. બન્નેના નામ સાથે કંડલા મરીન પોલીસ મથકે ટૅંક ધરાવતી પેઢીના મેનેજરે ફરિયાદ દાખલ કરી હતી.
મંગળવારના મોડી રાત્રે સાડા ત્રણ વાગ્યાના અરસામાં નવા કંડલામાં આવેલી ફ્રેન્ડ્સ બલ્ક હેંડલર્સ લીમીટૅડ કંપનીના સ્ટોરેજ ટૅંક પાસે કિડાણામાં રહેતા અહેમદ બાપડા અને સલીમ અબ્દુલ કક્કલ સોયાબીન તેલની તસ્કરી કરવાના આશયથી ઘુસ્યા હતા અને ટેંકમાંથી ચોરીનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારેજ સ્થળ પર રહેલા અન્ય લોકો તેમને જોઇ જતા બંન્ને શખ્સો સ્થળ પરથી ભાગી છુટ્યા હતા. ઘટનાના બીજા દિવસે કંપનીના મેનેજર જેમ્સ મતાઈ પટીએ આ અંગે કંડલા મરીન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરતા પોલીસે બંન્ને શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી તેમને પકડી પાડવાની તજવીજ હાથ ધરાઈ હોવાનું પીએસઆઈ દેવશીભાઈએ જણાવ્યુ હતુ. અત્યાર સુધી પાઈપલાઈનમાંથી, ટેંકરોમાંથી ચોરીના બનાવો સામે આવતા હતા,પરંતુ તસ્કરોની હિંમત એ હદે વધે કે તે ટેંક સુધી પહોંચીને ચોરીનો પ્રયાસ કરે તે લાલબતી સમાન સ્થીતી છે. અહીં નોંધવું રહ્યું કે, તાજેતરમાં બી ડીવીઝન પોલીસે મીઠીરોહર વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે પાઇપલાઇનમાં કાણું કરીને તેમાંથી ડીઝલ ચોરી કરતા શખ્સોને જથ્થા સાથે પકડી પાડ્યા હતા. તો જીઆઇડીસી વિસ્તારમાં ટેન્કરમાંથી તેલ કઢાતું હોવાની રાવ પણ વારંવાર ઉઠતી રહી છે.