• Gujarati News
  • National
  • સુંદરપુરીમાં રોડ બન્યા વગર જ લાખો રૂપિયાનું પેમેન્ટ ચૂકવાયું?

સુંદરપુરીમાં રોડ બન્યા વગર જ લાખો રૂપિયાનું પેમેન્ટ ચૂકવાયું?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલા વિકાસ કામોમાં કાંઇકને કાંઇક વિવાદ ઉભા થતા હોય છે. સુંદરપુરી વિસ્તારમાં રોડ બન્યા વગર જ અંદાજે 10 લાખથી વધુ રકમનું પેમેન્ટ ચૂકવાઇ ગયાનો ઉહાપોહ શરૂ થયો છે. આવી જ રીતે મુખ્ય બજારમાં પણ બે રોડ બનાવ્યા પહેલા જ ચૂકવણું થઇ ગયું હોઇ તેવી ફરિયાદ ઉઠી રહી છે. જોકે, આ બાબતને સત્તાવાર સમર્થન મળતું નથી પરંતુ પાલિકાના જ વર્તુળોમાં હાલ આ બાબત ચર્ચાનો વિષય બની છે. સાચું હોય તો શરમજનક કહી શકાય તેવી આ બાબતમાં જવાબદારો દ્વારા પગલા ભરવામાં આવે તે જરૂરી છે.

નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલા કામોમાં એક બાજુ ટેન્ડરની માથાકુટનો વિવાદ ચાલી રહ્યો છે, તેવા સંજોગોમાં કેટલાક કામોમાં સારી રીતે કામગીરી પણ કરવામાં આવી છે. પરંતુ કેટલાક કામો નબળા થઇ રહ્યા હોવાની ફરિયાદ વખતો વખત ઉઠી છે. રામબાગ રોડ બનાવવામાં આવ્યો ત્યારે પણ નબળું કામ થઇ રહ્યાની વાત બહાર આવી હતી. ત્યાર બાદ હીરાલાલ પારખ સર્કલથી એરપોર્ટ રોડના રસ્તા અને સુંદરપુરીના બનાવવામાં આવેલા રસ્તા અંગે પણ નબળું કામ થઇ રહ્યાનો ચણભણાટ જાગ્યો હતો. આ ચણભણાટ વચ્ચે તાજેતરમાં એવી પણ વાત બહાર આવી રહી છે કે, કેટલાક કિસ્સામાં રોડ બન્યો ન હોવા છતાં પેમેન્ટ ચુકવાઇ ગયું છે, હાલ તો આ મુદ્દે આગામી દિવસોમાં ફરિયાદ કરવા માટે પણ ચક્રો ગતિમાન થયા છે ત્યાર બાદ તપાસ થયા પછી સત્તાવાર સમર્થન મળે છે કે કેમ? તે જોવું રહ્યું. સુંદરપુરી વિસ્તારમાં રોડ બન્યા વગર જ પેમેન્ટ ચુકવાયાની સાથે સાથે શહેરમાં પણ આવી જ પદ્ધતિએ બે રોડના કામો ઓનરેકર્ડ કરી દેવામાં આવ્યા હોવાની રાવ ઉઠી રહી છે. આ વિવાદ અંગે ચીફ ઓફિસર નીતિન બોડાતનો સંપર્ક સાધી શકાયો ન હોવાથી તેનું મંતવ્ય જાણી શકાયું ન હતું.

નવા બનાવેલા રોડમાં મસમોટા ખાડા પડી જતાં વાહન ચાલકો ત્રસ્ત
પાલિકામાં મુખ્ય અધિકારીની જવાબદારી કેટલી?
જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ લાખો રૂપિયાના ખર્ચે કરવામાં આવી રહેલા કામોમાં એક યા બીજા કારણોસર પ્રશ્નો ઉભા થાય છે. જે પ્રશ્નો ઉભા થાય છે અને આંગળી ચિંધવામાં આવે છે તેવા કિસ્સામાં જોઇએ તેવી ઉંડાણપૂર્વક તપાસ કરવામાં પણ આવતી નથી. જેને કારણે તંત્ર ખુદ લોકોના શંકાના દાયરામાં આવી રહ્યું છે. જવાબદાર અધિકારી દ્વારા પણ ફરિયાદ પછી કેટલાક કિસ્સામાં તપાસ કરવામાં આવી કે જે તે થર્ડ પાર્ટી ઇન્સ્પેકશનનો રિપોર્ટ લેવામાં આ‌વ્યો તે સહિતની બાબતો પણ જોવી જોઇએ. થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન પ્રશ્ન પણ હાલ સળગતો રહ્યો છે.

ભાજપનો જુથવાદથી વિકાસ કામો પર પડી રહેલી અસર ક્યારે દૂર થશે?
વિધાનસભાની ચૂંટણી પહેલા પણ ભાજપનો આંતરીક જૂથવાદ કાંઇકને કાંઇક પ્રશ્નો બહાર લાવતો હતો. આંતરીક ખટપટને કારણે વિકાસકામોમાં અસર પણ પડી રહી છે. અગાઉ કેટલાક કામો જે તે સમયે થવા જોઇએ તે થઇ શક્યા નથી. વળી, અધિકારી અને પદાધિકારી વચ્ચે સંકલન ન હોવાથી પણ કેટલીક વખત કામ ઝડપી થવા જોઇએ તે થયા નથી. મંજુરી મળ્યા પછી પણ કામ ટલ્લે ચડાવવામાં આવી રહ્યા છે. એમ્યુઝમેન્ટ પાર્કથી માંડી અન્ય કેટલાય પ્રોજેક્ટમાં જોઇએ તે રીતે પ્રગતિ સાધી શકાઇ નથી. જેને કારણે ભાજપની સામે આંગળી ચિંધવામાં આવી રહી છે.

સુધરાઇ દ્વારા કરવામાં આવતા કામોમાં કેટલાક કામો સારુ ગુણવત્તાના થાય છે જ્યારે કેટલાક કામોમાં લોટ, પાણી અને લાકડાની પદ્ધતિ અજમાવવામાં આવતી હોય તેવો સૂર ઉઠી રહ્યો છે. હીરાલાલ પારખ સર્કલથી એરપોર્ટ સુધીના નવા બનાવેલા રસ્તામાં પડેલા ખાડા તેની ચાડી ખાય છે.

અન્ય સમાચારો પણ છે...