ગઢશીશામાં ઉજવાતી પરંપરાગત ગરબીઓમાં આસપાસના ગામોમાંથી પણ લોકો ઉમટી પડે છે અને ખેલૈયાઓ મન મૂકીને રાસ-ગરબા લે છે. મોટી મઉમાં તો માતાજીની આરતી પછી થનારાં નાટકો લોકોને બહુ જ આકર્ષી રહ્યાં છે. દુષ્કાળની સ્થિતિ હોવાથી દરેક ગરબી મંડળોએ ગૌધન અર્થે દાનની ટહેલ નાખી છે. દાતાઓ સારો પ્રતિસાદ આપી રહ્યા છે. અંબેધામના ચંદુમા દ્વારા પણ શ્વાનોને રોટલા અને પક્ષીઓને ચણ અપાય છે. જૂનાવાસ ગરબી મંડળ, ઉમિયાનગર, નવાવાસ શક્તિ મિત્રમંડળ તેમજ જીએમડીસીની ગરબીમાં પ્રાચીન દુહા-છંદની રમઝટ બોલાવાય છે. નવરાત્રી માણવા મુંબઇગરાઓ પણ પોતાના વતન આવી પહોંચ્યા છે.