ડિપ્રેશનથી મહિલાઓ સૌથી વધારે પીડાય છે

ડિપ્રેશનથી મહિલાઓ સૌથી વધારે પીડાય છે

DivyaBhaskar News Network

Aug 10, 2018, 03:41 AM IST
જરાતીમાં ‘સોરવણું’ શબ્દ છે. કેટલાક વિદ્યાર્થી વતન છોડીને બહારગામ ભણે તેને નવા ગામ કે વાતાવરણમાં સોરવતું નથી. તેનું સોરવણું ઉર્ફે તેને ગમતા મિત્રો કે બહેનપણીઓ વતનમાં હોય છે. આજે 2018માં ‘ભણેલી’ પણ ગણેલી નહીં એવી યુવતીને બારે પહોર આનંદ જોઈએ છે. ઘડીક ન ગમતું થાય એટલે તેને ‘ડિપ્રેશન’ આવે છે. એ પછી વળી નવો શબ્દ આવ્યો છે- ઈમોશનલ પેરેલિસિસ અર્થાત્ લાગણીને લગતો લકવો! બેચેની અને માનસિક સંતાપની સ્થિતિને અંગ્રેજીમાં ‘ડિપ્રેશન’ કહે છે. સ્ત્રીઓને વિરહમાંથી બહાર નીકળતાં સમય લાગે છે. મનોચિકિત્સકોના આંકડા કહે છે કે સ્ત્રીઓ વધુ ડિપ્રેશનનો ભોગ બને છે.

ડિપ્રેશનમાં મનની કેવી સ્થિતિ થાય છે તે જોઈએ- ડિપ્રેશનનો હુમલો આવે એટલે જાણે લાગણીઓને લકવો લાગુ પડી ગયો હોય તેવો અનુભવ થાય છે. વ્યક્તિ હિંમતથી કામ કરી શકતી નથી. લાગણીનો આ લકવો કોઈને દેખાતો નથી તે છૂપો ‘રાક્ષસ’ છે. વૈશાખ-જેઠમાં લગ્નની પૂરબહાર મોસમ આવે છે. પુત્રીનાં લગ્ન લેવાય, કંકોત્રીઓ લખાય, મંગળ ગીતો ગવાય, મંડપ નખાય, કન્યાને વળાવવા માટે હવનકુંડ થાય. એ બધું દીકરીની માતા ઉત્સાહથી કરે છે પણ જેવી દીકરીને વળાવે અને ટ્રેનમાં કે બસમાં કે મોટરમાં વળાવે એટલે દીકરીની મા ભાંગી પડે છે.

બહુ ઓછા પુરુષ સ્ત્રીની જેવા લાગણીના દૃઢ સંબંધો રાખે છે. બાળક જન્મે છે ત્યારથી તે મા-બાપ સાથે લાગણીનો સંબંધ બાંધવા માંડે છે પરંતુ એમાં જો દીકરી હોય તો માત્ર જન્મ પછી ત્રણ દિવસમાં જ માતા સાથે લાગણીના તંતું બાંધવા માંડે છે. એક મહિનાનું બાળક હોય અને તે પુત્રી હોય તો તમારા સ્મિતનો તુરંત પ્રતિસાદ આપશે પણ દીકરો હોય તો જલદી હસશે નહીં.

એક બીજી વાત પણ હોસ્પિટલ અને મેટરનિટી હોમમાં માલુમ પડી છે કે સામૂહિક રીતે નાનાં બાળકોને રાખ્યાં હોય તેમાં એક બાળક રડે ત્યારે જો કન્યાઓ હોય તે રડવામાં સાથ પૂરાવશે પણ દીકરાઓ-છોકરો રડશે નહીં. તારણ નીકળ્યું છે કે સ્ત્રીઓ જન્મથી જ મળતાવડી, સામાજિક સંબંધ બાંધવા માટે આતુર અને કોઈની સાથે લગની લગાવવામાં હરદમ તૈયાર હોય છે પણ તે લાગણીઓ કે પ્રેમના આકર્ષણનું જલદીથી પ્રદર્શન નહીં કરે તે અંદર-અંદર વલોવાયા કરશે કારણ કે તેને નવા ઘરમાં જવાનું હોય છે. તે બહુધા તેનાં મા-બાપે નક્કી ર્ક્યુ હોય છે.

એક એવી દલીલ થાય છે કે હવે સ્ત્રીઓ પુરુષ સમોવડી થવા માંડી છે અને ઘર બહાર કામ કરતી થઈ છે અને 35-37 વર્ષની ઉંમર સુધી લગ્ન કરતી નથી. કોઈની સાથે લગની લગાવે પણ જીવન (બહુધા) જોડતી નથી. સ્ત્રીઓ વિરહ સહન કરવામાં પણ એક્કો છે છતાં બ્રિટનની યેલ યુનિ.નું સર્વેક્ષણ કહે છે કે સ્ત્રીઓ બહાર જતી હોય કે ઘરરાખ્ખુ હોય તેને વિરહ અને ડિપ્રેશન સતાવે છે. સ્ત્રીઓ તેની સાથે સંબંધમાં આવનાર સાથે એટલી બધી પહેલા જોડાઈ જતી કે તે પોતાની જાતને ભૂલી જતી. એટલે જ સંબંધ તૂટી જતાં કે એક જીવનસાથી છૂટી જતાં તે સ્ત્રીનું પોતાનું જીવન પોતાના હાથમાંથી છૂટી જાય છે.

ઘરમાં કોઈનું મરણ થાય કે પતિ પરદેશ જાય કે કામચલાઉ રીતે પતિ તેની પત્ની તરફ બેદરકાર રહે કે બીજા આડા સંબંધ બાંધે ત્યારે સ્ત્રીનું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. તેનો પ્રેમી કે પતિ બીજે સંબંધ રાખે છે તે આડા સંબંધને તે પચાવી શકતી નથી. આવે સમયે સ્ત્રી સાવ શક્તિહીન બની જાય છે અને તેને જીવન અર્થહીન લાગે છે. આજે 2018માં તમે સમાચાર વાંચતા હશો તેમાં સ્ત્રીઓના આપઘાતો વધતા જાય છે. તેનાં કારણો ગુપ્ત રહે છે પણ મૂળ કારણ તેનો પ્રેમી કે પતિ બીજો સંબંધ બાંધે તે સ્ત્રી માટે સહન કરવું અાકરું છે. આવી સ્થિતિને સ્ત્રી પહેલાં સુધારી શકતી નહીં પણ હવેની મોટાં શહેરની સ્ત્રીઓ જે ભણેલી- ‘ગણેલી’ છે તે તું નહીં તો ઔર સહીના જૂના અને બહુ ગવાયેલા સૂત્રને અપનાવે છે.

‘ડિપ્રેશન’ અંગે માનોચિકિત્સકોને અવારનવાર પૂછવામાં આવે છે કે આ ડિપ્રેશન સ્ત્રીઓને જ કેમ વધુ આવે છે? હવે પુરુષો પણ આ ડિપ્રેશનનો ભોગ બને છે. પુરુષો હવે માટીડા રહ્યા નથી. રોમાન્ટિક અને સ્ત્રૈણ હૃદયવાળા બની જવા માંડ્યા છે. પુરુષો પણ હવે પ્રેમ સંબંધ કે પ્રેમ અવલંબનના ઝાઝા ઉત્સુક અને ઝાઝા ચાહક બન્યા છે કારણ કે 21મી સદીની આવતી ઉપાધિઓ અને રાજકીય કે સમાજિક સંબંધોમાં જબર ઊથલપાથલ થવાના જમાનામા ંપુરુષો પણ હલબલી જાય છે.

ઈન્દિરા ગાંધી વડાપ્રધાન હતાં ત્યારે તે સમયમાં સંજય ગાંધી ઉપર વધુ પડતું એટેચમેન્ટ રાખતાં હતાં. આ અવલંબન સંજયના મરણને કારણે છૂટ્યું ત્યારે ઈન્દિરાજી ડિપ્રેશનનો ભોગ બન્યાં હતાં. સ્ત્રીઓ એકલતા માટે તૈયાર જ હોતી નથી. તેને કારણે તે સંબંધોમાં એટલી ગાફેલ રહે છે અને બંધાયેલી રહે છે એટલે કોઈ વ્યક્તિ તેનાથી છૂટે એટલે તેનો તમામ ગુસ્સો તે પોતાના ઉપર જ ઓઢી લઈને પોતે પોતાને શિક્ષા કરે છે અાને સેલ્ફ ડિસ્ટ્રકશન કહે છે. આ હાલતમાં સ્ત્રી જાતીય સંબંધમાં પણ આનંદ કે સંતોષ અનુભવતી નથી. આ સ્થિતિ અસહ્ય થતાં તે આખરે આપઘાતના અંતિમ નિર્ણય ઉપર આવે છે. તેને માત્ર કોઈ નવો પ્રેમ સંબંધ જ બચાવી શકે. પણ ઘણી વખત આ નવા સંબંધમાં ‘ઉલમાંથી ચૂલ’માં પડવા જેવી આકરી સ્થિતિ થાય છે. મતલબ સ્ત્રી આત્મનિર્ભર થવાનું શીખે.

ગુ

કાન્તિ ભટ્ટ

X
ડિપ્રેશનથી મહિલાઓ સૌથી વધારે પીડાય છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી