• Home
  • Gujarat
  • Junagadh Jilla
  • Div
  • Div પ.બંગાળમાં ડૉક્ટરોની ધોલાઈના વધતા કિસ્સાઓથી પરેશાન સર્જને બ્યૂટી પાર્લર ખોલ્યું, કહ્યું ડૉક્ટરોને 30 % સુધી ડિસ્કાઉન્ટ આપીશ

પ.બંગાળમાં ડૉક્ટરોની ધોલાઈના વધતા કિસ્સાઓથી પરેશાન સર્જને બ્યૂટી પાર્લર ખોલ્યું, કહ્યું- ડૉક્ટરોને 30 % સુધી ડિસ્કાઉન્ટ આપીશ

DivyaBhaskar News Network

Sep 15, 2018, 03:17 AM IST
Div - પ.બંગાળમાં ડૉક્ટરોની ધોલાઈના વધતા કિસ્સાઓથી પરેશાન સર્જને બ્યૂટી પાર્લર ખોલ્યું, કહ્યું- ડૉક્ટરોને 30 % સુધી ડિસ્કાઉન્ટ આપીશ
ડૉક્ટરો અને દર્દીઓના પરિવારો વચ્ચે ઝપાઝપી બાદ ડૉક્ટરોની હડતાળના કિસ્સા અવારનવાર બનતા રહે છે પણ તમે એવું ક્યારેય નહીં સાંભળ્યું હોય કે ડૉક્ટરો પર હુમલાના કારણે કોઇ ડૉક્ટર વ્યવસાય જ બદલી નાખે. પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લામાં આવું ખરેખર બન્યું છે, જ્યાં ડૉક્ટરોની ધોલાઇની વધતી ઘટનાઓથી દુ:ખી થઇને એક સર્જને બ્યુટી પાર્લર ખોલી નાખ્યું છે. 24 પરગણાના બારાસાતના ઓર્થોપેડિક સર્જન ડૉ. નીલાદ્રિ બિસ્વાસે હવે યુનિસેક્સ બ્યુટી પાર્લર ખોલ્યું છે. થોડા દિવસ અગાઉ વેસ્ટ બેંગાલ ડૉક્ટર્સ ફોરમ નામના ફેસબુક પેજ દ્વારા તેમણે આ અંગેની ઘોષણા કરી હતી. હોસ્પિટલોમાં ડૉક્ટરોની પીટાઇ અને તેમની કાનૂની રીતે હેરાનગતિના વધતા કિસ્સાઓના કારણે ડૉ. બિસ્વાસ બીજા વ્યવસાયમાં ભવિષ્ય શોધી રહ્યા છે. તેમના બ્યુટી પાર્લરનું રવિવારે ઉદઘાટન કરાયું. પાર્લરમાં ડૉક્ટરો અને તેમના પરિવારજનોને 30 ટકા ડિસ્કાઉન્ટ અપાઇ રહ્યું છે. પશ્ચિમ બંગાળ ઓર્થોપેડિક એસોસિયેશનના સૂત્રોએ પુષ્ટિ કરી છે કે ડૉ. બિસ્વાસે કોલકાતાની એનઆરએસ મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ અને આરજી કાર મેડિકલ કોલેજમાંથી એમએસ (ઓર્થોપેડિક્સ)નો અભ્યાસ કર્યો હતો.

ડૉ. બિસ્વાસનું કહેવું છે કે આમ તો દર્દીઓના સ્વજનો અમને ભગવાન સમાન માનતા હોય છે પણ કંઇ ખોટું થાય તો તેઓ સંયમ ગુમાવે ત્યારે અમારા મનમાં ભય પેદા થઇ જાય છે. આ સ્થિતિમાં અમારી દ્વિધા વધી જાય છે. ડૉક્ટરોની સુરક્ષા માટે ઘણા કાયદા બનાવાયા છે પણ તેનો અમલ ન થાય તો તે માટે જવાબદાર કોણ રહેશે? સરકારે સુનિશ્ચિત કરવું પડશે કે તે શું ઇચ્છે છે?

સારી પ્રેક્ટિસ છતાં પાર્લર ખોલતાં લોકો ચોંકી ગયા

એક યુવા ઓર્થોપેડિક સર્જન તરીકે તેમની અત્યાર સુધીની કરિયર ઘણી સફળ રહી છે અને તેમણે બારાસાત, હાવડા તથા બોંગાંવના હજારો દર્દીઓનો ઇલાજ કર્યો છે. અત્યાર સુધીમાં તેમણે આ વ્યવસાયમાં કોઇ વિપરીત પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો નહોતો. તેથી ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ છોડવાના તેમના નિર્ણયથી લોકો ચોંકી ગયા છે. ડૉ. બિસ્વાસનું કહેવું છે કે હાલ તો હું મેડિકલ પ્રોફેશન છોડી નથી રહ્યો પણ જો પાર્લર સારું ચાલવા માંડશે તો દર્દીઓને તપાસવાનું સંપૂર્ણપણે બંધ કરી દઇશ.

X
Div - પ.બંગાળમાં ડૉક્ટરોની ધોલાઈના વધતા કિસ્સાઓથી પરેશાન સર્જને બ્યૂટી પાર્લર ખોલ્યું, કહ્યું- ડૉક્ટરોને 30 % સુધી ડિસ્કાઉન્ટ આપીશ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી