બાળા સંરક્ષણ ગૃહોમાં શરમજનક શોષણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હારના મુઝફ્ફરપુર અને ઉત્તર પ્રદેશના દેવરિયાનાં બાલિકા સંરક્ષણ ગૃહોમાં બાળાઓ સાથે થતા દુરાચારોના અહેવાલો કમકમા લાવી દે એવા છે. અન્યાય કે અત્યાચારનો ભોગ બન્યા પછી જે સ્થાન પર દેશની દીકરીઓને શાંતિ, સંરક્ષણ અને સન્માનજનક જીવન મળવું જોઈએ ત્યાં તેમનું શોષણ થઈ રહ્યું છે, એ સમગ્ર દેશ માટે શરમજનક વાસ્તવિકતા છે. બિહારના મુઝફ્ફરપુરનો મામલો તો ઘણા દિવસોથી ગાજી રહ્યો છે. મુઝફ્ફરપુરના મામલે દેશભરમાં મચેલો હોબાળો શમ્યો નહોતો ત્યાં ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના બાલિકા સંરક્ષણ ગૃહમાં પણ શોષણના ગંદા ખેલ ચાલતા હોવાનો ઘટસ્ફોટ થયો.

બિહાર સરકાર હવે હરકતમાં આવી છે અને મુખ્યમંત્રી નીતીશકુમારે ઘટનાને શરમજનક ગણાવીને આ કેસની તપાસ હાઇકોર્ટની દેખરેખ હેઠળ સીબીઆઈને સોંપી છે. આ શરમજનક ઘટનાને કારણે બિહારમાં નીતીશની ઇમેજને મોટો ફટકો પડ્યો છે. યુપીની સરકારે પણ દેવરિયા બાલિકા સંરક્ષણ ગૃહનો કિસ્સો પ્રકાશમાં આવતાં ઝડપી પગલાં લીધાં છે.

આ મામલે કેન્દ્રીય બાળ અને મહિલા કલ્યાણ મંત્રી મેનકા ગાંધીએ કહ્યું, ‘મુઝફ્ફરપુર અને દેવરિયામાં જે થયું તેનાથી દુ:ખી અને ચકિત છું. બે બે વર્ષથી સાંસદોને પત્રો લખીને વિનંતી કરી રહી છું કે તમે તમારા વિસ્તારમાં બાળકો અને મહિલાઓ માટેની સંસ્થાઓમાં જઈને જુઓ. તેનો અહેવાલ તૈયાર કરીને મંત્રાલયને મોકલો. અમુક લોકો માત્ર મુલાકાતે ગયા. કોઈએ એ ન કહ્યું કે અંદર શું ચાલી રહ્યું છે? કોઈ સાંસદ ન ગયા એટલે શેલ્ટર હોમ્સના ઑડિટ માટે અમે એનજીઓને મોકલ્યા.’ આ નિવેદન પરથી પુરવાર થાય છે કે આપણા સાંસદો-રાજનેતાઓ સ્ત્રી સન્માન, સુરક્ષા અને સશક્તિકરણને ખાસ અગ્રતા આપતા નથી. દેશની જનતા માટે આ સંકેત ચિંતાજનક છે.

આ બે કિસ્સા પછી અન્ય સંરક્ષણ ગૃહોમાં રહેતી યુવતીઓની પણ હિંમત ખૂલી શકે છે અને આવા વધુ કિસ્સા સામે આવી શકે છે. રાજકારણીઓ તો આક્ષેપો-પ્રતિઆક્ષેપો કરીને સંતોષ માની શકે, પરંતુ આ મામલે નક્કર પગલાં લેવાવાની સાથે દેશભરમાં કોઈ ચોક્કસ નીતિ-નિયમો પણ ઘડવામાં આવે અને તેનું કડક અમલીકરણ થાય, તો જ આવી શરમજનક ઘટનાનું સાચું પ્રાયશ્ચિત થયું ગણાય.

બિ
અન્ય સમાચારો પણ છે...